રિઝલ્ટ સીઝનને કારણે સાવચેતીભર્યા વલણને પગલે બજારમાં મામૂલી સુધારો

16 October, 2012 05:23 AM IST  | 

રિઝલ્ટ સીઝનને કારણે સાવચેતીભર્યા વલણને પગલે બજારમાં મામૂલી સુધારો


શૅરબજારનું ચલકચલાણું


ગઈ કાલે સ્થાનિક શૅરબજારોમાં મર્યાદિત વધ-ઘટ જોવા મળી હતી. કૉર્પોરેટ રિઝલ્ટ્સની સીઝનને પગલે રોકાણકારો સાવચેતીભર્યું વલણ દાખવી રહ્યા છે. એને કારણે બજાર રેન્જ બાઉન્ડ રહી હતી. ફુગાવાનો દર વધ્યો હતો એની પણ બજાર પર અસર જોવા મળી હતી. ફુગાવો વધ્યો છે એટલે રિઝર્વ બૅન્ક મૉનિટરી પૉલિસીના રિવ્યુમાં વ્યાજદરમાં ઘટાડો નહીં કરે એવી શક્યતા છે. યુરોપિયન બજારો વધવાથી બપોર બાદ ભારતીય બજારમાં પણ સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે શુક્રવારના ૧૮,૬૭૫.૧૮ના બંધ સામે ૧૮,૬૯૦.૯૯ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૮,૭૨૬.૩૮ અને ઘટીને નીચામાં ૧૮,૫૯૬.૬૫ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ ૩૮.૩૭ વધીને ૧૮,૭૧૩.૫૫ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ માત્ર ૪.૨૨ વધીને ૬૬૮૧.૦૭ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩૦.૫૨ વધીને ૭૧૪૦.૨૫ બંધ રહ્યો હતો.નિફ્ટી ૧૧.૨૦ વધીને ૫૬૮૭.૨૫ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન નિફ્ટી વધીને ઊંચામાં ૫૬૯૩.૭૦ના લેવલે પહોંચ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૭ વધ્યાં હતાં અને ૬માં ઘટાડો થયો હતો. બૅન્કેક્સ સૌથી વધુ ૪૮.૫૭ વધીને ૧૩,૧૩૫.૪૯ બંધ રહ્યો હતો. આઇડીબીઆઇ બૅન્કનો ભાવ સૌથી વધુ ૦.૮૬ ટકા વધીને ૧૦૦.૧૫ અને યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાનો ૦.૮૬ ટકા વધીને ૨૦૪.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ફેડરલ બૅન્કનો ભાવ સૌથી વધુ ૨.૩૦ ટકા ઘટીને ૪૭૧.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. ઑઇલ ઍન્ડ ગૅસ, ઇન્ડેક્સ ૪૫.૨૬ વધીને ૮૫૮૮.૬૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૬ કંપનીના ભાવ વધ્યા હતા. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ કૉર્પોરેશનનો ભાવ સૌથી વધુ ૧.૨૫ ટકા વધીને ૮૦.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. એફએમસીજી ઇન્ડેક્સ ૪૩.૧૭ વધીને ૫૭૯૩.૦૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૫ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. યુનાઇટેડ બ્રુઅરીઝનો ભાવ સૌથી વધુ ૧.૨૮ ટકા વધીને ૬૮૦.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. જ્યુબિલન્ટ ફૂડનો ભાવ સૌથી વધુ ૨.૦૫ ટકા ઘટીને ૧૩૩૬ રૂપિયા બંધ રહ્યો હતો.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૬૦.૪૫ ઘટીને ૭૧૩૪.૫૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી પાંચ કંપનીના ભાવમાં ઘટાડો થયો હતો. ટીટીકે પ્રેસ્ટિજનો ભાવ સૌથી વધુ ૫.૦૮ ટકા ઘટીને ૩૧૪૫.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. સી. મહિન્દ્ર એક્સર્પોટ્સનો ભાવ સૌથી વધુ ૧.૯૬ ટકા વધીને ૯૦.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. આઇટી ઇન્ડેક્સ ૪૩.૭૭ ઘટીને ૫૬૮૫ પૉઇન્ટ્સના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૭ના ભાવ ઘટ્યાં હતા. એમ્ફેસિસનો ભાવ સૌથી વધુ ૨.૧૪ ટકા ઘટીને ૩૯૫.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રનો ભાવ ૧.૯૮ ટકા અને ઇન્ફોસિસનો ૧.૨૫ ટકા ઘટ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ગઈ કાલે ૧૮ના ભાવ વધ્યા હતા. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૧.૮૩ ટકા વધીને ૧૧૯.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. મારુતિ સુઝુકી ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૪૬ ટકા ઘટીને ૧૩૩૮.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો.

૨૯ કંપનીના શૅર ટૉપ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૨૯ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં વૉકહાર્ટ, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી, વીકેએસ પ્રોજેક્ટ્સ, સિટી યુનિયન બૅન્ક, જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક વગેરેનો સમાવેશ છે. ૭ કંપનીઓના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અલાઇડ કમ્પ્યુટર્સ, નિક્કો કૉર્પોરેશન, રાજ ઑઇલ, વિનાયક પૉલિકૉન વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૪૯૪ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૩૫૩ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

ડી. બી. રિયલ્ટી

ડી. બી. રિયલ્ટીનો ભાવ ૫ ટકા વધીને ૯૮.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. ૫.૪૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. ૫.૪૭ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. બિલ્યનેર અને અગ્રણી ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ શુક્રવારે કંપનીના ૧૨.૫૦ લાખ શૅર્સ ઓપન માર્કેટમાંથી કુલ ૧૧.૨૭ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તેમણે શૅર સરેરાશ ૯૦.૨૧ રૂપિયાના ભાવે ખરીદ્યા હતા.

તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ

તિલકનગર ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૧૧.૬૪ ટકા વધીને ૭૧ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૨.૮૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૩.૭૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૧૫.૧૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૩.૨૭ લાખ શૅર્સનાં કામકાજ સામે ગઈ કાલે ૨૨.૧૫ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. કંપનીના પ્રમોટરોએ ઑક્ટોબરમાં ગીરવે મૂકેલા શૅર્સમાંથી ૧૭.૯૦ લાખ શૅર્સ છોડાવી લીધા છે. પ્રાપ્ત થતા સમાચાર મુજબ કંપની નૉર્થ ઇન્ડિયામાં આલ્કોહોલિક બિવરેજ મૅન્યુફૅક્ચરિંગ કંપની ઍક્વાયર કરવાનો પ્લાન ધરાવે છે.

આઇટીસી

આઇટીસી અને હિન્દુસ્તાન યુનિલિવરની કામગીરી સપ્ટેમ્બરમાં પૂરા થયેલા સેકન્ડ ક્વૉર્ટરમાં પ્રોત્સાહક રહેવાની ધારણાએ ગઈ કાલે બન્ને કંપનીના શૅરના ભાવ વધીને લાઇફટાઇમ હાઈ લેવલે પહોંચ્યા હતા. આઇટીસીના ચોખ્ખા નફામાં ૧૭ ટકા અને વેચાણમાં ૧૬ ટકા તેમ જ હિન્દુસ્તાન યુનિલિવરના ચોખ્ખા નફામાં ૧૯ ટકા અને વેચાણમાં ૧૫ ટકાનો વધારો થવાનો અંદાજ છે. આઇટીસીનો ભાવ ગઈ કાલે ૧.૧૧ ટકા વધીને ૨૮૬.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ભાવ ૨૮૬.૮૫ રૂપિયાના હાઇએસ્ટ લેવલે પહોંચ્યો હતો. હિન્દુસ્તાન યુનિલિવરનો ભાવ ૦.૭૨ ટકા વધીને ૫૭૭.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ભાવ ૫૭૮.૯૦ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.