ભારતના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો થવાની શક્યતાના સમાચારથી બજાર પણ ઘટ્યું

11 October, 2012 06:29 AM IST  | 

ભારતના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો થવાની શક્યતાના સમાચારથી બજાર પણ ઘટ્યું



શૅરબજારનું ચલકચલાણું

એશિયન બજારોમાં ઘટાડો તેમ જ સંસ્થાકીય અને રીટેલ ઇન્વેસ્ટરો દ્વારા પ્રૉફિટબુકિંગને પગલે ગઈ કાલે પ્રારંભમાં જ સેન્સેક્સ ૧૨૭ પૉઇન્ટ કરતાં વધુ ઘટ્યો હતો. ત્યાર બાદ અગ્રણી ગ્લોબલ રેટિંગ એજન્સી એસ ઍન્ડ પીએ જાહેરાત કરી હતી કે જો ગ્રોથમાં ઘટાડો થશે અને નાણાકીય સ્થિતિ વધુ બગડશે તો ભારતના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો થવાની શક્યતા વધારે છે. આ સમાચારને પગલે બજારમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપિયન બજારો પણ ઘટ્યાં હતાં.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ૧૬૨.૨૬ ઘટીને ૧૮,૬૩૧.૧૦ બંધ રહ્યો હતો. મંગળવારના ૧૮,૭૯૩.૩૬ના બંધ સામે સવારમાં સેન્સેક્સ ૧૮,૬૯૯.૧૯ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૭૪૦.૬૩ અને ઘટીને નીચામાં ૧૮,૬૧૪.૩૭ના સ્તરે પહોંચ્યો હતો. મિડ-કૅપ ઇન્ડેક્સ ૮૬.૦૯ ઘટીને ૬૫૯૪.૭૧ અને સ્મૉલ-કૅપ ઇન્ડેક્સ ૧૦૯.૨૧ ઘટીને ૭૦૪૮.૧૭ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૨.૪૫ ઘટીને ૫૬૫૨.૧૫ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૭૦૦ પૉઇન્ટની નીચે બંધ આવ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૨ ઘટ્યા હતા. માત્ર એક એફએમસીજી ઇન્ડેક્સ ફક્ત ૨.૨૬ વધીને ૫૬૯૯.૩૭ બંધ રહ્યો હતો. બૅન્કેક્સ સૌથી વધુ ૧૭૨.૨૮ ઘટીને ૧૨,૯૭૦.૭૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૩ બૅન્કના ભાવ ઘટ્યા હતા. ઇન્ડસઇન્ડ બૅન્કનો ભાવ સૌથી વધુ ૨.૬૦ ટકા ઘટીને ૩૫૭.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. એસબીઆઇનો ભાવ ૨.૩૨ ટકા, ઍક્સિસ બૅન્કનો ૧.૯૧ ટકા, આઇડીબીઆઇ બૅન્કનો ૧.૮૫ ટકા ઘટ્યો હતો. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૧૩૬.૭૯ ઘટીને ૧૦,૯૯૯.૯૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯ કંપનીમાંથી ૧૪ના ભાવમાં ઘટાડો થયો હતો. સીમેન્સનો ભાવ સૌથી વધુ ૪.૪૬ ટકા ઘટીને ૬૮૩.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૩.૭૮ ટકા, સુઝલોન એનર્જીનો ૩.૫૦ ટકા અને પુંજ લૉઇડનો ૩.૪૭ ટકા ઘટ્યો હતો.

મેટલ ઇન્ડેક્સ ૯૦.૮૨ ઘટીને ૧૦,૪૫૮.૭૯ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૯ના ભાવ ઘટ્યા હતા. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૧૧ ટકા ઘટીને ૧૧૬.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ ૧.૬૩ ટકા અને સેસાગોવાનો ૧.૪૫ ટકા ઘટ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ૮૭.૧૯ ઘટીને ૧૮૦૩.૧૭ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૨માંથી ૧૧ કંપનીના ભાવ ઘટ્યા હતા. ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટનો ભાવ સૌથી વધુ ૭.૯૬ ટકા ઘટીને ૬૦.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૬.૬૨ ટકા, યુનિટેકનો ૬.૨૮ ટકા, ડીએલએફનો પાંચ ટકા અને ડી.બી. રિયલ્ટીનો ૪.૯૯ ટકા ઘટ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ૨૭ના ભાવ ઘટ્યા હતા. એસબીઆઇનો ભાવ સૌથી વધુ ૨.૩૨ ટકા ઘટીને ૨૨૨૭.૨૦ બંધ રહ્યો હતો. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ૨.૧૧ ટકા અને ભેલનો ૨.૦૪ ટકા ઘટ્યો હતો.

૨૮ કંપનીના ભાવ ટૉપ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૨૮ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ટીટીકે પ્રેસ્ટિજ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વીકેએસ પ્રોજેક્ટ્સ, નૅશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન, અતુલ, સેરા સિરેમિક્સ વગેરેનો સમાવેશ છે. ૯ કંપનીના શૅરમાં ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓએ અલાઇડ કમ્પ્યુટર્સ, અનુષ લૅબ, બિરલા પૅસિફિક મેડસ્પા, ધનુષ ટેક્નૉલૉજીઝ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૯૭૮ કપંનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૯૨૯ના ઘટ્યા હતા. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.

એમકે ગ્લોબલ

એમકે ગ્લોબલ ફાઇનૅન્શિયલ સર્વિસિસનો ભાવ ૪.૩૬ ટકા વધીને ૨૬.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૭.૭૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૨.૭૫ રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો. ૯૪.૪૯ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. ૩,૫૫,૭૩૦ શૅરનું ટ્રેડિંગ થયું હતું. ૫ ઑક્ટોબરે કંપની દ્વારા ઑર્ડર પ્લેસિંગમાં ભૂલ થવાથી નિફ્ટીમાં ૯૦૦ પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નૅશનલ સ્ટૉક એક્સચેન્જે કંપનીનું કામકાજ સસ્પેન્ડ કર્યું હતું, જે ગઈ કાલથી ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

ડીએલએફ

ડીએલએફ લિમિટેડનો ભાવ ૫ ટકા ઘટીને ૨૧૩ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૧૯.૬૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૧૧.૫૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૩૫.૨૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. ૧૬.૩૪ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું.

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)ના કાર્યકર અરવિંદ કેજરીવાલે એવો આક્ષેપ કર્યો છે કે સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રા અને કંપની વચ્ચે મજબૂત સાઠગાંઠ છે. છેલ્લા ત્રણ દિવસથી કંપનીના શૅરનો ભાવ ઘટી રહ્યો છે.

પોલારિસ ફાઇનૅન્શિયલ

પોલારિસ ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીનો ભાવ ૫.૬૩ ટકા ઘટીને ૧૨૬.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૩૧.૧૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૨૨.૬૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૯.૪૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. ૭.૫૧ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીના શૅરમાં ઇન્સાઇડર ટ્રેડિંગની ગેરરીતિ કરવા બદલ મૂડીબજારનું નિયમન કરતી સંસ્થા સેબીએ કંપનીના ચૅરમૅન અરુણ જૈનને સિક્યૉરિટીઝ માર્કેટમાં કામકાજ કરવા બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૦૭૯.૨૮ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૬૭૧.૬૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૪૦૭.૬૦ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૭૩૩.૪૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૨૯.૭૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૩૯૬.૩૫ કરોડ રૂપિયા રહી હતી.

ઇન્ડિયાબુલ્સ ગ્રુપના શૅરના ભાવ ઘટ્યા


ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)ના કાર્યકર અરવિંદ કેજરીવાલે એવો આક્ષેપ કર્યો હતો કે ઇન્ડિયાબુલ્સ ગ્રુપની કંપનીઓમાં રાજકારણીઓનું રોકાણ છે અને આ રોકાણની વિગતો જાહેર કરવી જોઈએ. આને કારણે ગઈ કાલે ઇન્ડિયાબુલ્સ ગ્રુપની કંપનીઓના ભાવ ઘટ્યા હતા.

ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટનો ભાવ ૭.૯૬ ટકા ઘટીને ૬૦.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૫૭.૬૫ રૂપિયા અને વધીને ઊંચામાં ૬૪.૭૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ઇન્ડિયાબુલ્સ ફાઇનૅન્શિયલ સર્વિસિસનો ભાવ ૩.૧૬ ટકા ઘટીને ૨૨૪.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૩૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૧૧.૯૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.

ઇન્ડિયાબુલ્સ સિક્યૉરિટીઝનો ભાવ ૭.૪૩ ટકા ઘટીને ૯.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૮.૮૭ રૂપિયા અને વધીને ઊંચામાં ૯.૮૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ઇન્ડિયાબુલ્સ પાવરનો ભાવ ૮.૨૫ ટકા ઘટીને ૧૨.૨૩ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૧૨.૨૦ રૂપિયા અને વધીને ઊંચામાં ૧૩.૨૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.