પ્રૉફિટ બુકિંગ ચાલુ રહેવાથી અને યુરોપિયન માર્કેટ્સ ઘટવાથી ભારતીય બજારોમાં ગાબડું

09 October, 2012 05:40 AM IST  | 

પ્રૉફિટ બુકિંગ ચાલુ રહેવાથી અને યુરોપિયન માર્કેટ્સ ઘટવાથી ભારતીય બજારોમાં ગાબડું



શૅરબજારનું ચલકચલાણું

સતત બીજા દિવસે પ્રૉફિટ બુકિંગ ચાલુ રહેવાથી તેમ જ યુરોપિયન બજારો ઘટવાને પગલે ગઈ કાલે ભારતીય બજારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગયા સપ્તાહમાં સેન્સેક્સ ૧૯,૦૦૦ પૉઇન્ટ્સ અને નિફ્ટી ૫૮૦૦ પૉઇન્ટ્સ ક્રૉસ કર્યા બાદ શુક્રવારે પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું એ ગઈ કાલે પણ જળવાઈ રહ્યું હતું.

ચાર્ટિસ્ટ્સનું માનવું છે કે વિદેશી પૈસાના સતત રોકાણને પગલે છેલ્લા એક મહિનામાં બજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો એને કારણે ગમે ત્યારે મોટું કરેક્શન આવવાની અપેક્ષા હતી જ. આ ઉપરાંત આ સપ્તાહથી કૉર્પોરેટ પરિણામોની જાહેરાતનો પ્રારંભ થશે એટલે રોકાણકારો સાવચેતીભર્યું વલણ રાખી રહ્યા છે. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે ૨૨૯.૪૮ ઘટીને ૧૮,૭૦૮.૯૮ બંધ રહ્યો હતો. શુક્રવારના ૧૮,૯૩૮.૪૬ના બંધ સામે સવારે સેન્સેક્સ ૧૮,૯૬૯.૧૯ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૯૬૯.૧૮ અને ઘટીને નીચામાં ૧૮,૬૮૪.૪૦ના સ્તરે પહોંચ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૨૯.૩૯ વધીને ૬૬૪૯.૩૮ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૧.૬૪ ઘટીને ૭૧૩૪.૦૭ બંધ રહ્યો હતો. નિફ્ટી ૭૦.૯૫ ઘટીને ૫૬૭૬ પૉઇન્ટ્સના લેવલે બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૭૦૦ પૉઇન્ટ્સના સ્તરની નીચે બંધ આવ્યો છે.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૨ ઘટ્યાં હતાં. માત્ર એક જ હેલ્થકૅર ઇન્ડેક્સ ૮૮.૮૬ વધ્યો હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૩૦૬.૭૩ ઘટીને ૧૧,૦૩૨.૭૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯માંથી ૧૪ કંપનીના ભાવ ઘટ્યાં હતા. ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝનો ભાવ સૌથી વધુ ૩.૬૫ ટકા ઘટીને ૧૩૪.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. ભેલનો ભાવ ૩.૪૪ ટકા, એલ ઍન્ડ ટીનો ૩.૦૯ ટકા, સિમેન્સનો ૨.૭૯ ટકા અને આશિયા બ્રાઉન બોવેરીનો ૨.૬૩ ટકા ઘટ્યો હતો. હેવેલ્સ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૭૪ ટકા વધીને ૬૬૦.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૨૪૫.૩૪ ઘટીને ૮૬૦૬.૮૯ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૭ના ભાવ ઘટ્યાં હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૪.૫૧ ટકા ઘટીને ૮૧૮.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. ઓએનજીસીનો ભાવ ૧.૮૩ ટકા અને ઑઇલ ઇન્ડિયાનો ૧.૨૨ ટકા ઘટ્યો હતો. કેઇર્ન ઇન્ડિયા અને પેટ્રોનેટ એલએનજીનો ભાવ ૧.૩૨ ટકા વધ્યો હતો. બૅન્કેક્સ ૧૬૧.૦૬ વધીને ૧૩,૦૫૧.૦૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૧ના ભાવમાં ઘટાડો થયો હતો. એસબીઆઇનો ભાવ સૌથી વધુ ૨.૯૭ ટકા ઘટીને ૨૨૬૯.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ ૨.૮૦ ટકા, પંજાબ નૅશનલ બૅન્કનો ૨.૭૫ ટકા અને આઇડીબીઆઇનો ૨.૩૫ ટકા ઘટ્યો હતો. કૅનેરા બૅન્કનો ભાવ સૌથી વધુ ૨.૮૫ ટકા વધીને ૪૩૭ બંધ રહ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૧૩૨.૦૪ ઘટીને ૧૦,૩૬૦.૮૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૯ના ભાવ ઘટ્યાં હતા. ભારત ફૉર્જનો ભાવ સૌથી વધુ ૨.૯૬ ટકા ઘટીને ૩૦૦.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા મોટર્સનો ભાવ ૨.૮૭ ટકા અને અશોક લેલૅન્ડનો ૨.૨૩ ટકા ઘટ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ૨૨ના ભાવ ઘટ્યાં હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૪.૫૧ ટકા ઘટીને ૮૧૮.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૩.૫૨ ટકા, ભેલનો ૩.૪૪ ટકા અને એલ ઍન્ડ ટીનો ૩.૦૯ ટકા ઘટ્યો હતો. સન ફાર્માનો ભાવ ૩.૬૭ ટકા વધીને ૭૦૮.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો.

૩૦ શૅરો સર્વોચ્ચ લેવલે

મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૩૦ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અપોલો હૉસ્પિટલ, સિટી યુનિયન બૅન્ક, હેવેલ્સ ઇન્ડિયા, ઇન્ડિયાબુલ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કજરિયા સિરૅમિક્સ, સિમ્ફની લિમિટેડ, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ વગેરેનો સમાવેશ છે. ૯ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અલાઇડ કમ્પ્યુટર્સ, ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ્સ, સૅન્ડ પ્લાસ્ટ વગેરેનો સમાવેશ છે.

એમકે ગ્લોબલ

એમકે ગ્લોબલ ફાઇનૅન્શિયલ સર્વિસિસનો ભાવ ૯.૯૭ ટકા ઘટીને ૨૮ રૂપિયા બંધ રહ્યો હતો. ૫૭૧૨ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કુલ ટર્નઓવર ૧.૫૯ લાખ રૂપિયા થયું હતું. શુક્રવારે પણ શૅરનો ભાવ ૧૦ ટકા ઘટ્યો હતો. આ બ્રોકરેજ હાઉસ દ્વારા શુક્રવારે ઑર્ડર પ્લેસિંગમાં ભૂલ થવાને કારણે નિફ્ટીમાં ૯૦૦ પૉઇન્ટ્સનો ઘટાડો થયો હતો અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જનું ટ્રેડિંગ ૧૫ મિનિટ માટે બંધ થઈ ગયું હતું. કંપનીએ ભૂલનો સ્વીકાર કર્યો છે અને તપાસમાં સહકાર આપવાની વાત કરી છે.

ડીએલએફ

ડીએલએફનો ભાવ ૭.૨૪ ટકા ઘટીને ૨૨૪.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૩૭ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૨૩.૨૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૪૫.૭૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. ૧૯.૯૮ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કંપનીએ કૉન્ગ્રેસનાં વડાં સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રાને પાણીના ભાવે જમીન વેચી હતી તેમ જ કરોડો રૂપિયાની વ્યાજમુક્ત લોન આપી હતી એવો આક્ષેપ ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)ના સભ્ય અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણે કર્યો છે.

જિયોમેટ્રિક

જિયોમેટ્રિક લિમિટેડનો ભાવ ૪.૩૧ ટકા વધીને ૧૨૨.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૨૫.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૧૯ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૩.૦૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. ૧૦.૬૧ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. બિલ્યનેર અને જાણીતા ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ ૨૫ સપ્ટેમ્બરથી ૫ ઑક્ટોબર દરમ્યાન ઓપન માર્કેટમાંથી કંપનીના વધુ ૨૧.૩૦ લાખ શૅર્સ ખરીદ્યા છે. આ શૅર્સ ઇક્વિટીના ૩.૩૯ ટકા જેટલા છે.

સન ફાર્મા


સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૩.૬૭ ટકા વધીને ૭૦૮.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૧૦.૬૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૮૫.૫૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૭.૮૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. ૧.૧૦ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. કંપનીના ર્બોડે ડોમેસ્ટિક અથવા ઇન્ટરનૅશનલ માર્કેટ્સમાંથી ૮૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

બાલાજી ટેલિફિલ્મ્સ

બાલાજી ટેલિફિલ્મ્સનો ભાવ ૧૨.૭૩ ટકા વધીને ૫૬.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૮.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૯.૭૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૩૯૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧.૪૨ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૭.૦૬ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. સ્ટાર ઇન્ડિયા આ કંપનીમાં એનું જે હોલ્ડિંગ છે એ પ્રમોટરોને વેચી દેવા માગે છે એવા અહેવાલને પગલે છેલ્લા એક મહિનામાં શૅરનો ભાવ ૪૬ ટકા વધ્યો છે.