ટ્રેડરોએ વાયદાની પોઝિશન્સ સરખી કરતાં બજારમાં ગાબડું

28 December, 2012 06:14 AM IST  | 

ટ્રેડરોએ વાયદાની પોઝિશન્સ સરખી કરતાં બજારમાં ગાબડું



શૅરબજારનું ચલકચલાણું

ડિસેમ્બર વાયદાનો ગઈ કાલે છેલ્લો દિવસ હોવાથી બજારમાં અપેક્ષા મુજબ ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડરોએ વાયદાની પોઝિશન્સ સરખી કરવાને પગલે ગઈ કાલે બજાર નોંધપાત્ર ઘટ્યું હતું. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ બુધવારના ૧૯,૪૧૭.૪૬ના બંધ સામે ગઈ કાલે ૧૯,૪૭૯.૮૪ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૯,૫૦૪.૪૦ અને ઘટીને નીચામાં ૧૯,૩૦૨.૨૧ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૯૩.૬૬ ઘટીને ૧૯,૩૨૩.૮૦ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૩૨ પૉઇન્ટ ઘટીને ૭૦૩૭.૦૯ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૫૪.૧૩ ઘટીને ૭૩૨૧.૬૭ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૯૩૦.૨૦ ખૂલીને દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૫૯૩૦.૮૦ અને ઘટીને નીચામાં ૫૮૬૪.૭૦ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૩૫.૫૦ ઘટીને ૫૮૭૦.૧૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૯૦૦ પૉઇન્ટની નીચે બંધ આવ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૧ ઘટ્યાં હતા. માત્ર બે જ ઇન્ડાઇસિસ - પીએસયુ ઇન્ડેક્સ અને ઑટો ઇન્ડેક્સમાં વૃદ્ધિ થઈ હતી. મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૭૧.૭૯ ઘટીને ૧૦,૯૭૪.૩૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૯ના ભાવ ઘટ્યાં હતા.  ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૫૭.૫૦ ઘટીને ૮૩૧૨.૮૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૬ કંપનીના ભાવ ઘટ્યાં હતા. ગેઇલ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૧.૫૧ ટકા ઘટીને ૩૪૭.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. કૅસ્ટ્રોલ ઇન્ડિયાનો ભાવ ૧.૩૩ ટકા અને કેઇર્ન ઇન્ડિયાનો ૧.૨૨ ટકા ઘટ્યો હતો. ઑઇલ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૧.૪૭ ટકા વધીને ૪૫૯.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૫૫.૫૪ ઘટીને ૧૦,૮૫૨.૩૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૨૨ કંપનીમાંથી ૧૪ના ભાવ ઘટ્યાં હતા. વેલસ્પન કૉર્પનો ભાવ સૌથી વધુ ૩.૧૨ ટકા ઘટીને ૧૦૩.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. અલ્સ્ટોમ ઇન્ડિયા લિમિટેડનો ભાવ ૨.૩૭ ટકા અને જિન્દાલ સૉનો ભાવ ૧.૯૨ ટકા ઘટ્યો હતો. સુઝલોન એનર્જીનો ભાવ સૌથી વધુ ૧.૯૯ ટકા વધીને ૧૭.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ગઈ કાલે ૨૧ના ભાવ ઘટ્યાં હતા અને ૯ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. ભેલનો ભાવ સૌથી વધુ ૧.૭૪ ટકા ઘટીને ૨૨૬.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો.

૧૧૫ શૅરના ભાવ ઊંચા લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૧૫ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ઍક્સિસ કૅપિટલ, ગ્લેનમાર્ક ફાર્મા, ફેડરલ બૅન્ક, સિનેમેક્સ ઇન્ડિયા, કરુર વૈશ્ય બૅન્ક, જે. કે. લક્ષ્મી સિમેન્ટ, આઇડિયા સેલ્યુલર, મદ્રાસ સિમેન્ટ્સ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, ફાઇનૅન્શિયલ સર્વિસિસ, ટિમ્બોર હોમ વગેરેનો સમાવેશ છે. ૫૫ શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં બિલ પાવર, હિટાચી ગિયર્સ, જેમિની કમ્યુનિકેશન્સ, ઝુઆરી એગ્રો વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૨૨૮ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૬૬૪ના ઘટ્યાં હતા. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.

ક્લેરિયન્ટ કેમિકલ્સ

ક્લેરિયન્ટ કેમિકલ્સ (ઇન્ડિયા)નો ભાવ ૨.૦૧ ટકા વધીને ૬૩૫.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૬૭૩ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૨૫.૨૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૩.૮૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨૪૬૬ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૫૮,૮૩૩ શૅરનું કામકાજ થયું હતું. વિદેશી પ્રમોટર કંપની ક્લેરિયન્ટ ઇન્ટરનૅશનલ ભારતીય બિઝનેસનું વેચાણ કરવાનો પ્લાન ધરાવે છે. કંપનીના મેજર શૅરહોલ્ડર ક્લેરિયન્ટ ઇન્ટરનૅશનલે જાહેરાત કરી હતી કે એસ. કે. કૅપિટલે કંપનીના ટેક્સટાઇલ, કેમિકલ્સ, પેપર સ્પેશ્યલિટીઝ અને ઇમલસન્સ બિઝનેસ ખરીદી લેવા માટે સંમતિ આપી છે.

ટિમ્બોર હોમ

ટિમ્બોર હોમનો ભાવ ૧૯.૧૧ ટકા વધીને ૪૫.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૫.૮૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૮.૩૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૪.૧૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨.૫૦ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૯.૪૯ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. ભારતના બિગેસ્ટ મિડિયા હાઉસ બેનેટ કૉલમૅન ઍન્ડ કંપનીનો સપ્ટેમ્બર ૨૦૧૨ના અંતે કંપનીમાં ૧૯.૮૮ ટકા હિસ્સો હતો. બેનેટ કૉલમૅન પાસે ૨૯.૩૦ લાખ શૅર હતા.

હિન્દુસ્તાન ઑઇલ

હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન કંપનીનો ભાવ ૩.૭૨ ટકા વધીને ૧૦૪.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૨૦.૮૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૦૩.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. ઇટાલિયન પેટ્રોલિયમ એક્સ્પ્લોરેશન ઍન્ડ પ્રોડક્શન કંપની ઇનીનો કંપનીની ઇક્વિટીમાં ૪૭.૧૮ ટકા હિસ્સો છે. આ સમગ્ર હિસ્સો અમેરિકાની ઍનાડાર્કો પેટ્રોલિયમ કૉર્પોરેશનને વેચી દેવાનો પ્લાન છે. કંપની આ શૅર શૅરદીઠ ૧૩૫થી ૧૪૦ રૂપિયાના ભાવે વેચવા માગે છે.

હોટેલ લીલા વેન્ચર

હોટેલ લીલા વેન્ચર ૨.૨૨ ટકા વધીને ૨૯.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૧.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૯.૬૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧.૩૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૨૭ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૪.૪૬ લાખ શૅરનું કામકાજ થયું હતું. મુકેશ અંબાણી જૂથની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનો ચેન્નઈમાં આવેલો બિઝનેસ પાર્ક ૧૭૨ કરોડ રૂપિયામાં ખરીદશે એવા સમાચારને પગલે શૅરનો ભાવ વધ્યો હતો.

એફઆઇઆઇની વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૩૭૩૧.૪૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૩૮૬૪.૧૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૩૨.૬૮ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૨૮૭.૬૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૫૪.૮૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૧૩૨.૭૭ કરોડ રૂપિયા રહી હતી.

પીએસયુ = પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, ભેલ - ગ્ણ્ચ્ન્ = ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર