ટીસીએસનો ચોખ્ખો નફો ૨૮ ટકા ને વેચાણ ૨૫ ટકા વધશે

26 December, 2012 06:04 AM IST  | 

ટીસીએસનો ચોખ્ખો નફો ૨૮ ટકા ને વેચાણ ૨૫ ટકા વધશે



ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસના વેચાણ અને ચોખ્ખા નફામાં ચાલુ વર્ષે તેમ જ ૨૦૧૩-’૧૪માં વૃદ્ધિ જળવાઈ રહેશે. અગ્રણી બ્રોકરેજ હાઉસ એન્જલ બ્રોકિંગના રિપોર્ટ મુજબ ૨૦૧૨-’૧૩માં ટીસીએસનું વેચાણ ૨૫ ટકા વધીને ૬૧,૦૫૩ કરોડ રૂપિયા થશે, જે ૨૦૧૧-’૧૨માં ૪૪,૮૯૧ કરોડ રૂપિયા હતું. ૨૦૧૨-’૧૩માં ચોખ્ખો નફો ૧૦,૬૩૬ કરોડ રૂપિયાથી ૨૮ ટકા વધીને ૧૩,૬૩૮ કરોડ રૂપિયા થશે. વેચાણની સરખામણીએ ચોખ્ખા નફામાં વધારે વૃદ્ધિ થશે. ઑપરેટિંગ નફાનું માર્જિન ૨૯.૫૦ ટકાથી ઘટીને ૨૮.૭૦ ટકા થશે. એન્જલ બ્રોકિંગના રિપોર્ટ મુજબ ૨૦૧૩-’૧૪માં વેચાણ ૧૦ ટકા વધીને ૬૭,૩૧૩ કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો ૯.૪૦ ટકા વધીને ૧૪,૯૨૨ કરોડ રૂપિયા થશે. ઑપરેટિંગ નફાનું માર્જિન ૨૮.૭૦ ટકાથી વધીને ૨૯.૧૦ ટકા થશે.

આઉટલુક

કંપનીએ ઍનલિસ્ટ્સ મીટમાં જે વિગતો આપી હતી એ મુજબ ડિમાન્ડની સ્થિતિ સ્ટેબલ રહેશે અને આઉટલુકમાં કોઈ જ ચેન્જ કરવામાં નથી આવ્યો. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે એપ્રિલમાં જે પ્લાન તૈયાર કર્યો હતો એ રીતે જ બધું અત્યારે ચાલી રહ્યું છે. કંપનીનું માનવું છે કે કોઈ મોટા પ્રોજેક્ટ-કૅન્સલેશન જોવા નહીં મળે. ગ્રાહકોની ડિસિસન-મેકિંગ પ્રોસેસ તેમ જ એમના બજેટમાં પણ કોઈ જ ફેરફાર થવાની શક્યતા નથી. કંપનીની ડીલ પાઇપલાઇન હેલ્ધી રહેવાની અપેક્ષા છે. બજારમાં ઓવરઑલ પ્રાઇસિંગ સ્ટેબલ છે.

થર્ડ ક્વૉર્ટર

આઇટી કંપનીઓ માટે સામાન્ય રીતે થર્ડ ક્વૉર્ટરમાં વૉલ્યુમ-ગ્રોથ ધીમો હોય છે. આ વર્ષે પણ એમાં ફેરફાર થવાની અપેક્ષા નથી. એન્જલ બ્રોકિંગનું માનવું છે કે સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીનો વૉલ્યુમ-ગ્રોથ ૪.૯૦ ટકા રહ્યો હતો એ થર્ડ ક્વૉર્ટરમાં ઘટીને ૩થી ૩.૫૦ ટકા જેટલો રહેવાની શક્યતા છે. આ ક્વૉર્ટરમાં વર્કિંગ દિવસો ઓછા હોય છે અને કામ ઓછું રહે છે. સામાન્ય રીતે હાઈ-ટેક અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું આ સમયગાળામાં કામ ઓછું રહે છે, પરંતુ આ વર્ષે બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેક્ટરનું કામ પણ ઓછું રહ્યું છે. જોકે આમ છતાં આ સેક્ટરની આવકમાં વધારો થવાનો અંદાજ છે. ટેલિકૉમ સેક્ટરની સમસ્યા ચાલુ જ છે. કંપનીનું માનવું છે કે ડીલ-સાઇન્ડ અને ડીલ-ક્લોઝરમાં સેકન્ડ ક્વૉર્ટરની સરખામણીએ કોઈ ફેરફાર થવાની ગણતરી નથી. સર્વિસિસ અને જિયોગ્રાફિક્સની વાત કરીએ તો એ મોટે ભાગે બ્રૉડ-બેઝ્ડ રહેવાની અપેક્ષા છે. ટેલિકૉમ સેક્ટરમાં સ્લોડાઉનને કારણે યુરોપના બિઝનેસમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે.

ઑપરેટિંગ માર્જિન

કંપનીના મૅનેજમેન્ટનું માનવું છે કે ઓછા વર્કિંગ દિવસ અને સિસ્ટમમાં ફ્રેશર્સના પ્રવેશને કારણે થર્ડ ક્વૉર્ટરમાં માર્જિનમાં મામૂલી ઘટાડો થઈ શકે છે. જોકે કંપનીને વિશ્વાસ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ઑપરેટિંગ નફાનું માર્જિન ૨૭ ટકા રહેશે. જો થર્ડ ક્વૉર્ટરમાં ઑપરેટિંગ નફાના માર્જિનમાં ૦.૩૦થી ૦.૪૦ ટકાનો ઘટાડો થાય તો સમગ્ર વર્ષ માટે ૨૭ ટકાનું માર્જિન મેઇન્ટેઇન કરવા માટે ફૉર્થ ક્વૉર્ટરમાં કંપનીએ ઑપરેટિંગ નફાના માર્જિનમાં ૧.૩૦થી ૧.૪૦ ટકાનો વધારો હાંસલ કરવો પડશે. મૅનેજમેન્ટે નિર્દેશ આપ્યો હતો કે કૅલેન્ડર વર્ષ ૨૦૧૩ માટે ક્લાયન્ટ્સના પ્લાન્સના અસેસમેન્ટની કામગીરી ચાલી રહી છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે રીઝનેબલ ઑપ્ટિમિઝમનો નિર્દેશ મળે છે. ક્લાયન્ટ્સના બજેટ બાબતે વધુ ક્લિયર પિક્ચર મૅનેજમેન્ટને જાન્યુઆરીમાં મળશે. મૅનેજમેન્ટનું માનવું છે કે આગામી વર્ષમાં પ્રાઇસિસ સ્ટેબલ રહેશે. એન્જલ બ્રોકિંગનું માનવું છે કે થર્ડ ક્વૉર્ટરમાં ગ્રોથની બાબતે કંપનીની કામગીરી અન્ય કંપનીઓ કરતાં સારી રહેશે. આગામી ૧૨ મહિનામાં ટાર્ગેટ-પ્રાઇસ ૧૪૧૦ રૂપિયા જેટલી થવાનો અંદાજ છે.

ટીસીએસ = તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ