બજારને નહીં, તમારા શૅરોને જુઓ

22 December, 2014 03:50 AM IST  | 

બજારને નહીં, તમારા શૅરોને જુઓ




શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

છેલ્લાં બે સપ્તાહથી શૅરબજારમાં જે ઊથલપાથલ જોવા મળી, ખાસ કરીને બુધવાર સુધી  જે કડાકા જોવામાં આવ્યા એણે અનેક નવા-જૂના રોકાણકારોને ફરી વિચારતા કરી દીધા. અમુક જ દિવસમાં જે મૂડીધોવાણ થયું એ આંચકાજનક કહી શકાય એવું હતું. જોકે ગુરુવાર-શુક્રવારના સુધારાએ બાજી વાળી દીધી. કરુણતા એ છે કે આપણા દેશમાં આર્થિક સુધારાની બાબતે એકંદરે બધું બરાબર ચાલી રહ્યું છે, ભલે સરકારે હજી બોલ્ડ સુધારા હાથ ધર્યા નથી એવી ફરિયાદ રહી, પરંતુ આર્થિક ફન્ડામેન્ટલ્સ સુધરી રહ્યાં હોવાની ઘટના સતત બહાર આવી રહી છે, શુક્રવારે તો કરવેરાવિષયક ક્રાન્તિકારી કહી શકાય એવાં GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) બિલ પણ રજૂ થયાં, હજી ઘણા સુધારા પાઇપલાઇનમાં છે. વિકાસનો માર્ગ વધુ ને વધુ ખૂલી રહ્યો છે. ઇન શૉર્ટ, પૉઝિટિવ પરિબળો વધુ રહ્યાં છે એમ છતાં ફરી એક વાર દુનિયા (ગ્લોબલ પરિબળો) નડવા આવી ગઈ છે. એને લીધે સર્જા‍તી અનિશ્ચિતતા અને વૉલેટિલિટી ભલભલાને વિચારતા કરી દે એ સહજ છે. એટલે જ એક સત્ય એ પણ સમજવું જરૂરી છે કે શૅરબજારમાં રોકાણ કરતી વખતે બજારને નહીં, તમે જે શૅરોમાં રોકાણ કરવા માગો છો અથવા કરો છો એમને જુઓ. બજારને નડનારાઓ અર્થાત્ અસર કરનારાઓ અનેક હોય છે, પરંતુ શૅરોને અસર કરનારા ઓછા હોય છે એટલું જ નહીં, શૅરો મજબૂત અને સારાં ફન્ડામેન્ટલ્સથી સભર હોય તો બજારના કડાકાની ચિંતા પણ કરવી પડતી નથી. હા, તમે સતત લે-વેચ કરનારા હો તો તમારું બ્લડ-પ્રેશર પણ આવા સમયે ઉપર-નીચે થઈને તમારી હેલ્થ અને વેલ્થ બન્ને બગાડી શકે છે. વાસ્તે શૅરોમાં વિશ્વાસ રાખવો અને બજારને બદલે સિલેક્ટિવ શૅરોમાં રોકાણ કરવું જ બહેતર છે. એ માટેનાં કારણો સમજીએ.

મજબૂત શૅરો મજબૂર નહીં કરે

જો તમે શૅરની પસંદગી માત્ર બજારની વધ-ઘટને ધ્યાનમાં રાખીને નહીં, બલકે શૅરના પોતાનાં ફન્ડામેન્ટલ્સ જોઈને કરી હોય તો બજારની વધ-ઘટથી તમે મુક્ત રહી શકો છો. હા, ભાવના કડાકા જોઈને તમને ચિંતા થઈ શકે, કિંતુ તમારે એ વખતે શૅર વેચીને નાણાં ઉપાડવાં હોય તો સવાલ આવે છે, બાકી તમે શૅરને લાંબા ગાળા માટે રાખવાની તૈયારી કરી હોય અને શૅર મજબૂત-વિકાસલક્ષી કંપનીનો હોય એ તો ફરી રિકવર થઈ જશે. જોકે તમે ટોચના લેવલથી ખરીદી કરી હશે અને એ જ ભાવેથી બજારે નીચે તરફ વળાંક લીધો હશે તો રિકવરીને વધુ સમય લાગી શકે, પરંતુ શૅર સારી અને ક્વૉલિટી કંપનીનો હશે તો રિકવરી નિશ્ચિત થશે. અત્યારે માર્કેટ જે પ્રમાણમાં તૂટ્યુ એમાં મોટા ભાગની લૉસ કાગળ પર હોઈ શકે, કારણ કે વાસ્તવિક લૉસ તો શૅર વેચવા પર થાય છે. કાગળ પર તો બજાર વધે ત્યારે મૂડી વધે અને ઘટે ત્યારે મૂડીનું ધોવાણ પણ થાય. હવે તમે તમારા ર્પોટફોલિયોમાં કેવા શૅરોની યાદી છે એ જોઈ લો. સારા શૅરો હોય તો ઘટાડે ખરીદીને ભાવ ઍવરેજ પણ કરી શકાય. વધુ નાણાં મૂકવાની તૈયારી ન હોય તો હોલ્ડિંગ જાળવી રખાય. મજબૂત કંપનીઓના શૅરો તમને મજબૂર નહીં કરે.

રિસ્ક-પ્રોફાઇલના આધારે નિર્ણય લો

શૅરોની ખરીદી ક્યારે કરવી, કેટલી કરવી અને કયા ભાવે કરવી એ વિશે આપણે ગયા સપ્તાહમાં થોડી વાતો કરી હતી. આ બાબતે એક સત્ય તમારી પાસે સ્પક્ટ સ્વરૂપે હોવું જોઈએ કે તમે જ્યારે શૅર ખરીદો છો ત્યારે તમારું લક્ષ્ય શું હોય છે. ભાવ વધે અને તમને નફો થાય એ લક્ષ્ય તો હોય જ, કિંતુ તમે એ શૅરોના રોકાણનાં નાણાં પાછાં ક્યાં સુધી ઉપાડી લેવા માગો છો અને શેને માટે એ નાણાં તમારે પછી વાપરવાં છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું આવશ્યક છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારા સંતાનની ઊંચી ફી અમુક વર્ષ પછી ભરવાની થશે કે સંતાનનાં અમુક વર્ષે લગ્ન થશે ત્યારે આ નાણાં જોઈશે એવા વિચારથી તમે આ રોકાણ કરતા હો તો એ જોખમી બની શકે, બજાર એ સમયે સારી સ્થિતિમાં નહીં હોય તો વેચતી વખતે લૉસ અથવા સારો ભાવ ન મળે એમ બની શકે. ઇન શૉર્ટ, તમારા રિસ્ક-પ્રોફાઇલને અને જીવનના ભાવિ ધ્યેયને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું વાજબી ગણાય. કારણ કે બજાર કાયમી રિસ્કી જ હોય છે, એ તમને તમારા જોઈતા સમયે નાણાં ન પણ આપે અને ન જોઈતા સમયે અઢળક નાણાં આપી દે એવું પણ બને. જેથી તમારી ઉંમર, તમારી પારિવારિક જવાબદારી, લક્ષ્ય, જોખમ લેવાની ક્ષમતા, શૅરો જાળવી શકવા માટેનો સમયગાળો વગેરે જેવી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે. 

આગાહીથી ફક્ત ધારણા મળે

હજી થોડા દિવસો પહેલાં આ બજાર બજેટ સુધીમાં વધીને ૩૦,૦૦૦ના લેવલે પહોંચી જશે એવી ધારણા ગ્લોબલ સંસ્થાઓ તરફથી થતી રહી છે, એ ધારણા વ્યક્ત કરનારા કોઈ લલ્લુ-પંજુ કે લેભાગુ લોકો નથી, પરંતુ આ બજારના ભાવિ વિશે કોઈ નિgશ્રતપણે સાચું પડે જ એવું સંભવ હોતું નથી. બજારને કયારે, કેવું અને કેટલું પરિબળ નડી શકે એ કોઈ કલ્પી શકતું નથી. અત્યારે એક તરફ ભારતમાં આર્થિક સુધારાનો દોર પુરજોશમાં ચાલી રહ્યો છે એમ છતાં ગ્લોબલ લેવલે બનેલી કે બની રહેલી ઘટનાઓએ જ ભારતીય બજારની થોડી દશા બેસાડી દીધી. મજાની વાત એ છે કે ભારતીય બજારનો ઇન્ડેક્સ કેટલો ઊંચો જશે એની આગાહી પણ કેટલીક ગ્લોબલ સંસ્થાઓએ  જ કરી હતી. જોકે આ ધારણા પહેલાં જ બજાર તૂટી જાય તો એ ધારણા ખોટી જ પડી એમ ન કહી શકાય, કેમ કે એ સમય તો હજી આવ્યો જ નથી. જોકે આમ પણ આગાહી થાય ત્યારે ધારણા જ મળે, ખાતરી ન મળે. આગાહી એ ચોક્કસ કારણો અને અભ્યાસના આધારે થાય છે. એમાં સંજોગોને આધીન પરિવર્તન આવી જ શકે.

ગ્લોબલ કારણો સમજવાં પડે

ભારતીય શૅરબજાર છેલ્લાં બે સપ્તાહમાં અચાનક શા માટે તૂટી ગયું એવા સવાલ થવા સ્વાભાવિક છે. વાસ્તવમાં ગ્લોબલ ગ્રોથ નીચે આવવાની ધારણાએ આમ થયું. આ ગ્રોથ નીચે આવવાના કારણમાં મંદ પડેલી ચીનની ઇકૉનૉમી, ત્યાંના વિપરીત બનેલા સંજોગો, ગ્રીસની ફરી ઊભી થયેલી સમસ્યા, USની ઇકૉનૉમીની ચિંતા, દુનિયાની લગભગ તમામ માર્કેટમાં દબાણ,  ફરી ડૉલર સામે નબળો પડેલો રૂપિયો, ભારતના ઉત્પાદનના ઑક્ટોબરના ખરાબ આંકડા જેવાં કારણો તાજેતરના કડાકા માટે જવાબદાર બન્યાં છે. ભારતીય શૅરબજાર વિદેશી રોકાણકારોના બળે ચાલી રહ્યું હતું અને છે એથી આ દિવસોમાં તેમની સતત અને મોટી વેચવાલીએ બજાર તોડી નાખ્યું. વળી રશિયાનો રૂબલ પણ તૂટી ગયો, ત્યાં વ્યાજદરના ફેરફારે પણ ગ્લોબલ લેવલે આંચકા આપ્યા. જોકે USમાં હળવા વ્યાજદરની પ્રોત્સાહક નીતિ ચાલુ રહેવાના અહેવાલે બજારમાં તરત નોંધપાત્ર રિકવરી પણ થઈ. આમ જોઈએ તો બે સપ્તાહમાં બજારે અગાઉ ચૂકી જનારને ઘટાડે લેવાની તક આપી અને વચ્ચે-વચ્ચે નફો બુક કરવો જોઈએ એવો મેસેજ પણ આપ્યો. આમ મહદંશે ગ્લોબલ સંજોગોની આવી સારી-નરસી અસર અને આંચકા ફરી પણ જોવા મળી શકે છે એ યાદ રાખવું.

ભારતના સંજોગો બહેતર બની રહ્યા છે

ભારતની સ્થિતિ જોઈએ તો અત્યારે ભારતમાં હોલસેલ ફુગાવો શૂન્ય થઈ ગયો. ક્રૂડના નીચા ગયેલા ભાવ ભારતનું આયાત-બિલ નીચે લાવે છે, FII ભલે હાલ વેચતા હોય, પણ આખા વર્ષમાં તેમણે ભારતીય બજારમાં અઢળક રોકાણ કર્યું છે. રાજકીય સ્થિરતા આવી છે, ઑઇલ પ્રાઇસ અંકુશમુક્ત થયા છે, GST (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ), ઇન્શ્યૉરન્સ સુધારા અને લૅન્ડ ઍક્વિઝિશન ઍક્ટ સહિત અનેક ઉદાર પગલાં લેવાઈ રહ્યાં છે. ભારતના ગ્રોથની ધારણા પણ ઊંચી મુકાતી જાય છે. વડા પ્રધાન આર્થિક વિકાસ અને સુધારા બાબતે સતત સક્રિય અને ફોકસ છે. રોકાણકારોમાં પરિપક્વતા વધી રહી છે, પૅનિકમાં આવી જવાનો ટ્રેન્ડ ઓછો થયો છે. ભારત હવે આ ગ્લોબલ આંચકા પચાવવા માટે પરિપક્વ બન્યું  છે. રિઝવર્‍ બૅન્કની આગામી પૉલિસી તેમ જ કેન્દ્રીય બજેટ પર સૌની મીટ રહેશે. આ બન્ને પરિબળો ભારતીય ઇકૉનૉમી અને માર્કેટના સંજોગો બદલી શકવાની શક્તિ ધરાવે છે.