જાન્યુઆરીમાં વ્યાજદર ઘટવાની અપેક્ષાએ બજારમાં સુધારો જોવાયો

19 December, 2012 06:09 AM IST  | 

જાન્યુઆરીમાં વ્યાજદર ઘટવાની અપેક્ષાએ બજારમાં સુધારો જોવાયો



શૅરબજારનું ચલકચલાણું


ગઈ કાલે બજારની ચાલનો મુખ્ય આધાર રિઝર્વ બૅન્ક દ્વારા મૉનિટરી પૉલિસીની સમીક્ષા પર હતો. રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં કાંઈ જ ફેરફાર કર્યો ન હતો. સીઆરઆરમાં પણ કોઈ જ ચેન્જ નથી કર્યો એને કારણે મૉનિટરી પૉલિસીના રિવ્યુની જાહેરાત બાદ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ રિઝર્વ બૅન્કે કરેલી અન્ય જાહેરાતમાં કહ્યું હતું કે ફુગાવાનું દબાણ ઓછું થઈ રહ્યું છે એટલે આગામી રિવ્યુમાં ૨૯ જાન્યુઆરીએ વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. આમ આગામી સમીક્ષામાં વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાએ બજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત સરકારે બૅન્કિંગ અમેન્ડમેન્ટ બિલમાંથી બૅન્કો કૉમોડિટી ફ્યુચર્સમાં ટ્રેડ કરી શકશે એવી વિવાદાસ્પદ જોગવાઈ દૂર કરી હોવાથી આ બિલ હવે સંસદમાં મંજૂર થઈ જવાની આશાએ બૅન્ક શૅરોમાં સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ સોમવારના ૧૯,૨૪૪.૪૨ના બંધ સામે ગઈ કાલે ૧૯,૨૯૩.૦૧ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૯,૩૯૬.૨૮ અને ઘટીને નીચામાં ૧૯,૧૪૯.૦૩ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૧૨૦.૩૩ વધીને ૧૯,૩૬૪.૭૫ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૩૬.૯૦ વધીને ૭૦૭૭.૩૭ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૪૩.૮૪ વધીને ૭૪૩૧.૧૭ બંધ રહ્યો હતો. નિફ્ટી ૩૮.૯૦ વધીને ૫૮૯૬.૮૦ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન નિફ્ટી વધીને ઊંચામાં ૫૯૦૫.૮૦ના સ્તરે પહોંચ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૨ વધ્યાં હતા. માત્ર એક ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૧૭.૨૬ ઘટીને ૮૩૮૩.૬૦ બંધ રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૯૧.૦૬ વધીને ૧૦,૯૪૬.૬૭ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૯ના ભાવ વધ્યા હતા. જેએસડબ્લ્યુ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૪.૭૮ વધીને ૮૦૩.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા સ્ટીલનો ભાવ ૩.૭૬ ટકા, સેઇલનો ૩.૦૪ ટકા અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૬૬ ટકા વધ્યો હતો. હિન્દુસ્તાન ઝિન્કનો ભાવ સૌથી વધુ ૨.૬૭ ટકા ઘટીને ૧૩૮.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો.

બૅન્ક શૅરો

બૅન્કેક્સ ૪૯.૦૯ વધીને ૧૪,૩૨૨.૧૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૨ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૯૩ ટકા વધીને ૩૨૧.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. ફેડરલ બૅન્કનો ભાવ ૧.૭૪ ટકા, એસબીઆઇનો ૧.૧૯ ટકા અને બૅન્ક ઑફ બરોડાનો ૧ ટકો વધ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦માંથી ૨૩ કંપનીના ભાવમાં વધારો થયો હતો. ભારતી ઍરટેલનો ભાવ સૌથી વધુ ૪.૨૩ ટકા વધીને ૩૧૩.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ભેલનો ભાવ ૪.૧૪ ટકા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ૨.૬૬ ટકા, સન ફાર્માનો ૨.૩૩ ટકા અને જિન્દાલ સ્ટીલનો ૨.૦૭ ટકા વધ્યો હતો.

૩૮ શૅરના ભાવ ટૉપ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૮ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં યસ બૅન્ક, વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ, સુંદરમ મલ્ટિપેપ, ઑરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૉફ્ટવેર, પિરામલ લાઇફ સાયન્સિસ, શ્રી સિમેન્ટ ઇન્ડસઇન્ડ બૅન્ક, જે. કે. સિમેન્ટ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર વગેરેનો સમાવેશ છે. ૧૨ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ગ્લોરી પૉલિફિલ્મ્સ, પ્રદીપ ઓવરસીઝ, ઝુઆરી એગ્રો વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૬૮૨ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૨૫૬ના ભાવમાં ઘટાડો થયો હતો. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

જયપ્રકાશ પાવર

જયપ્રકાશ પાવર વેન્ચર્સનો ભાવ ૬.૮૬ ટકા ઘટીને ૩૮.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૧.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૭.૩૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨૭૦.૮૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૭.૨૪ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૬૯૪.૩૬ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીની પ્રમોટર કંપની જે. પી. ઇન્ફ્રાવેન્ચર્સ ઓપન માર્કેટમાં કંપનીના ૫૦૦ લાખ શૅર્સ વેચવાનો પ્લાન ધરાવે છે. આ શૅરનું વેચાણ ૩૯થી ૪૧.૫૦ રૂપિયાની રેન્જમાં કરવામાં આવશે. કંપનીની ઇક્વિટીમાં જે. પી. ઇન્ફ્રાવેન્ચરનો ૭.૧૦ ટકા હિસ્સો છે. કંપની પાસે ૧૮૫૬ લાખ શૅર છે.

લિબર્ટી ફૉસ્ફેટ


લિબર્ટી ફૉસ્ફેટનો ભાવ ૯.૯૭ ટકા ઘટીને ૧૭૫.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૯૪.૭૦ રૂપિયા અને ઘટીને ૧૭૫.૧૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૩.૧૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨.૧૦ લાખ શૅરનું કામકાજ થયું હતું. એની સામે ગઈ કાલે ૧.૭૬ લાખ શૅરનું કામકાજ રહ્યું હતું. કોરોમંડલ ઇન્ટરનૅશનલ કંપનીમાં હિસ્સો ઍક્વાયર કરવાની છે એવા સમાચારનો કંપનીએ ઇનકાર કર્યો હતો. એને પગલે શૅરનો ભાવ ઘટuો હતો. સિંગલ સુપર ફૉસ્ફેટ ખાતરનું ઉત્પાદન કરતી ભારતની આ સૌથી મોટી કંપનીના શૅરનો ભાવ છેલ્લા ત્રણ મહિનામાં ૧૬૫ ટકા વધ્યો છે.

કમ્પ્યુકૉમ સૉફ્ટવેર


કમ્પ્યુકૉમ સૉફ્ટવેરનો ભાવ ૯.૭૮ ટકા વધીને ૨૭.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૭.૫૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૬.૫૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ટર્નઓવર ૯.૨૬ કરોડ રૂપિયાનું રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૯.૨૯ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૩૩.૯૫ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. બિલ્યનેર અને અગ્રણી ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ સોમવારે ૨૫ રૂપિયાના ભાવે કંપનીના પાંચ લાખ શૅર ખરીદ્યા હોવાના સમાચારે ભાવ વધ્યો હતો.

એફઆઇઆઇની લેવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૩૩૪૩.૮૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૪૨૧.૪૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૯૨૨.૩૭ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૧૬૫.૯૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૬૫૭.૦૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૪૯૧.૨૨ કરોડ રૂપિયા જોવા મળી હતી.

જેએસડબ્લ્યુ = જિન્દાલ સ્ટીલ વર્ક્સ

એસબીઆઇ = સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર