પ્રૉફિટબુકિંગને પગલે બજારમાં ઘટાડો

14 December, 2012 06:26 AM IST  | 

પ્રૉફિટબુકિંગને પગલે બજારમાં ઘટાડો



શૅરબજારનું ચલકચલાણું


ગઈ કાલે પ્રારંભમાં બજારમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ બાદમાં નફારૂપી વેચવાલીને પગલે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ કાલે સતત પાંચમા દિવસે બજાર ઘટ્યું હતું. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ બુધવારના ૧૯,૩૫૫.૨૬ સામે ગઈ કાલે ૧૯,૪૦૩.૬૬ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૯,૪૨૧.૭૨ અને ઘટીને નીચામાં ૧૯,૧૯૬.૭૫ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૧૨૬ પૉઇન્ટ ઘટીને ૧૯,૨૨૯.૨૬ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૮૧.૫૪ ઘટીને ૬૯૫૭.૫૩ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૭૨ પૉઇન્ટ ઘટીને ૭૩૪૮.૧૭ બંધ રહ્યો હતો. નિફ્ટી ૩૬.૫૦ ઘટીને ૫૮૫૧.૫૦ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન નિફ્ટી વધીને ઊંચામાં ૫૯૦૭.૪૫ અને ઘટીને નીચામાં ૫૮૪૮.૧૦ના લેવલે પહોંચ્યો હતો.

બુધવારે ઑક્ટોબરમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વૃદ્ધિદર ૮.૨૦ ટકા વધ્યો એવી જાહેરાત સરકારે કરી હતી. આ વૃદ્ધિદર બજારની અપેક્ષા કરતાં સારો હતો, પરંતુ હજી એક્સપર્ટ્સનું માનવું છે કે અર્થતંત્રના વૃદ્ધિદરમાં રિકવરી થતાં વાર લાગશે. એને કારણે બજાર વધવાને બદલે નૅરો રેન્જમાં કન્સોલિડેટ થઈ રહ્યું છે.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૧ ઘટ્યું હતા. માત્ર બે ઑટો અને ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સમાં વૃદ્ધિ થઈ હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૨૨૧ પૉઇન્ટ ઘટીને ૭૮૬૨.૧૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૯ના ભાવ ઘટ્યું હતા. ગીતાંજલિ જેમ્સનો ભાવ સૌથી વધુ ૪.૫૪ ટકા ઘટીને ૪૭૮.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૪.૩૨ ટકા, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝનો ૨.૯૦ ટકા અને ટીટીકે પ્રેસ્ટિજનો ભાવ ૨.૧૬ ટકા ઘટ્યું હતો.

એફએમસીજી ઇન્ડેક્સ ૧૬૧.૭૬ ઘટીને ૫૯૭૦.૫૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી પાંચ કંપનીના ભાવમાં ઘટાડો થયો હતો. યુનાઇટેડ સ્પિરિટ્સનો ભાવ સૌથી વધુ ૫.૧૮ ટકા ઘટીને ૧૮૮૮.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. આઇટીસીનો ભાવ ૩.૫૫ ટકા, તાતા ગ્લોબલ બિવરેજિસનો ૨.૧૫ ટકા અને યુનાઇટેડ બ્રુઅરીઝનો ભાવ ૨.૦૭ ટકા ઘટ્યો હતો. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૧૨૮.૭૨ ઘટીને ૧૦,૯૨૭.૩૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૨૨ કંપનીમાંથી ૧૬ના ભાવમાં ઘટાડો થયો હતો. પુંજ લૉઇડનો ભાવ સૌથી વધુ ૩.૭૪ ટકા ઘટીને ૫૭.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝનો ભાવ ૧.૯૦ ટકા અને ભેલનો ૧.૮૫ ટકા ઘટ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૧૨૧.૭૨ ઘટીને ૧૦,૩૩૧.૨૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૮ના ભાવ ઘટ્યું હતા. સેસાગોવાનો ભાવ સૌથી વધુ ૩.૪૧ ટકા વધીને ૧૮૧.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૩.૨૭ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલનો ૨.૪૫ અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૦૩ ટકા ઘટ્યો હતો.

આઇટીસી

આઇટીસીનો ભાવ ૩.૫૫ ટકા ઘટીને ૨૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૦૬.૨૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૯૨.૪૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨૬.૦૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૩.૭૬ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૮.૮૩ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. ગ્લોબલ ઇન્ડેક્સ પ્રોવાઇડર એફટીએઆઇએ કંપનીના ફ્રી ફ્લોટ વેઇટેજમાં ઘટાડો કર્યો હોવાથી શૅરનો ભાવ ઘટ્યો હતો.

તાતા મોટર્સ

તાતા મોટર્સનો ભાવ ૩.૯૬ ટકા વધીને ૨૮૭.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન શૅરનો ભાવ વધીને ઊંચામાં ૨૯૦.૨૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૮૧.૨૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૮૩.૮૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૩.૫૫ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૨૯.૧૮ લાખ શૅરનું કામકાજ થયું હતું. કંપનીની યુરોપ સબસિડિયરી જૅગ્વાર લૅન્ડરોવરે નવેમ્બરમાં ૨૯,૮૯૩ વાહનોનું રેકૉર્ડ વેચાણ કર્યું છે. જૅગ્વાર લૅન્ડરોવરનું કુલ વેચાણ ૧૩.૫૦ ટકા અને લૅન્ડરોવરનું ૧૭.૨૦ ટકા વધ્યું છે.

ઑટો ઇન્ડેક્સ

ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ  ૯૬.૩૭ વધીને ૧૧,૦૯૬.૮૦ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન આ ઇન્ડેક્સ વધીને ઊંચામાં છેલ્લા ૧૨ મહિનાની સર્વોચ્ચ સપાટી ૧૧,૨૦૬.૯૪ના સ્તરે પહોંચ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૩ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી.

તાતા મોટર્સનો ભાવ સૌથી વધુ ૩.૯૬ ટકા વધીને ૨૮૭.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. અશોક લેલૅન્ડનો ભાવ ૧.૭૦ ટકા અને બજાજ ઑટોનો ૧.૩૫ ટકા વધ્યો હતો. ભારત ફૉર્જનો ભાવ સૌથી વધુ ૧.૯૯ ટકા ઘટીને ૨૬૧.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો.

૩૮ શૅર્સ ટૉપ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૮ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં વી. કે. એસ. પ્રોજેક્ટ્સ, વિમપ્લાસ્ટ, એલઍન્ડટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ, ઓરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૉફ્ટવેર, પિરામલ લાઇફ સાયન્સિસ, આરે ડ્રગ્સ, બજાજ ઑટો વગેરેનો સમાવેશ છે. ૯ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં હીરા ફેરો અલૉય્ઝ, માર્સ સૉફ્ટવેર, ઓરિપ્રો, પરબ ડ્રગ્સ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૧૦૬ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૮૩૪ના ઘટ્યું હતા. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.

જેટ ઍરવેઝ

જેટ ઍરવેઝનો ભાવ ૭.૨૯ ટકા વધીને ૬૦૩.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૫૬૫.૦૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ટર્નઓવર ૨૫૩.૪૭ કરોડ રૂપિયાનું રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૩.૦૨ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૪૨.૩૨ લાખ શૅરનું કામકાજ થયું હતું.

બજારમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ કંપની ૨૪ ટકા ઇક્વિટીનું વેચાણ એતિહાદ ઍરવેઝને કરીને ૧૬૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનો પ્લાન ધરાવે છે. આ માટે કંપનીએ ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી માગી છે. આ મહિનાના અંત સુધીમાં ડીલ પૂરી થઈ જવાની અપેક્ષા છે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૩૬૬૮.૯૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૪૧૨.૩૭ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૧૨૫૬.૬૭ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૮૯૦.૪૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૫૫૬.૦૯ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૬૬૫.૬૬ કરોડ રૂપિયા રહી હતી.