ફાર્મા, IT ને FMCG શૅરોએ બજારને જાળવી રાખ્યું

13 March, 2014 04:56 AM IST  | 

ફાર્મા, IT ને FMCG શૅરોએ બજારને જાળવી રાખ્યું



શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ચાઇનાના સ્લો-ડાઉનની ફિકર વચ્ચે યુક્રેન મામલે રશિયા તરફથી કડક વલણના અહેવાલ આવતાં વિશ્વબજારો ગઈ કાલે મૂડલેસ બની ગયાં હતાં. એશિયા ખાતે જપાન ૨.૭ ટકા, હૉન્ગકૉન્ગ ૧.૭ ટકા, સાઉથ કોરિયા ૧.૬ ટકા, સિંગાપોર એક ટકો અને થાઇલૅન્ડ ૦.૬ ટકા ડાઉન હતાં. એકમાત્ર ભારતીય શૅરબજાર પૉઝિટિવ ઝોનમાં રહી શક્યું હતું. યુરોપ પોણાથી દોઢેક ટકો નીચે ચાલતું હતું. યુરો ઝોન ખાતે જાન્યુઆરી માસનું ઔદ્યોગિક ઉત્પાદન ડિસેમ્બરની તુલનામાં ૦.૨ ટકા ઘટીને આવ્યું એનો પણ ત્યાં વસવસો હતો. બજારના પંડિતો ૦.૫ ટકાના વધારાની ગણતરી માંડીને બેઠા હતા. સેન્સેક્સ ગઈ કાલે ગૅપમાં નીચે ખૂલ્યા બાદ ઉપરમાં ૨૧,૯૬૬ જેવો થઈ નીચામાં ૨૧,૭૬૮ બનાવી અંતે ત્રીસેક પૉઇન્ટના સુધારામાં ૨૧,૮૫૬ રહ્યો છે. નિફ્ટી પાંચ પૉઇન્ટ વધીને ૬૫૧૭ નજીક હતો. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી ૬૪૮૭ થયો હતો.

શિપિંગ શૅર નરમ

ચાઇનીઝ સ્લોડાઉનની અસરમાં વિશ્વસ્તરે વાતાવરણ ડહોળાયું છે. શિપિંગ સેક્ટરના ૧૦માંથી આઠ શૅર ઢીલા હતા. GE શિપિંગ, ચૌગુલે જેવાં કાઉન્ટરો બેથી સાડાચાર ટકા ખરાબ હતાં. રીટેલ સેગમેન્ટમાં ૧૩માંથી ત્રણ શૅર જ પ્લસ હતા.

ટી-કૉફી ઉદ્યોગના ૧૨ શૅર વધ્યા હતા અને છ નરમ હતા. શુગર સેક્ટરના ૩૩માંથી ૧૪ શૅર ઘટ્યા હતા. તાતા કૉફી ૩.૬ ટકા, વૉરન ટી ૩.૪ ટકા, ગ્રીનલાઇન ટી બે ટકા, તાતા ગ્લોબલ અડધો ટકો, એમ્પી શુગર ૯.૫ ટકા, અપર ગંગા ૯.૩ ટકા, મવાણા શુગર ૭.૩ ટકા, ધામપુર ૫.૬ ટકા, ધરણી શુગર ૪.૭ ટકા, સિમ્ભોલી શુગર ૪.૫ ટકા અને દ્વારકેશ શુગર ૩.૫ ટકા ઊંચકાયા હતા. ઇન્ફોસિસ પોણાબે રૂપિયા નરમ હતો. વિપ્રો ૧.૩ ટકા વધ્યો હતો. બૅન્કેક્સ ૦.૨ ટકા જેવો સાધારણ ઘટેલો હતો, પણ બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૩૭ શૅર નેગેટિવ ઝોનમાં બંધ હતા.

મારુતિનો શૅર ચાર ટકા ઘટ્યો

ગુજરાત પ્લાન્ટ માટે રોકાણકારોએ મંજૂરી ન આપતાં મારુતિ સુઝુકીના શૅરમાં ફરીથી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. કંપનીનો શેર ઇન્ટ્રા-ડેમાં ચાર ટકાથી પણ વધુ તૂટીને નીચામાં ૧૬૮૦ રૂપિયા બોલાયો હતો. દિવસના અંતે શૅર અડધો ટકો વધીને ૧૭૬૪.૬૦ રૂપિયા બંધ જોવાયો હતો. છેલ્લા ઘણા સમયથી ઑટો-ઇન્ડસ્ટ્રીમાં મંદી જોવા મળી રહી છે, પરંતુ ઑટો-ઇન્ડેક્સ એનાથી વિરુદ્ધ સેન્સેક્સની સાથે નવી ટોચે પહોંચ્યા બાદ ઇન્ડેક્સમાં હવે પ્રૉફિટ-બુકિંગ શરૂ થયું છે. ઇન્ડેક્સનાં કુલ ૧૦ કાઉન્ટરમાંથી ૬ નેગેટિવ ઝોનમાં હતાં તો સામે ૪ વધીને બંધ રહ્યાં હતાં. તાતા મોટર્સ ૨.૩૫ ટકા, બજાજ ઑટો એક ટકાથી વધુ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ પોણો ટકો નજીક ગગડ્યા હતા. બીજી તરફ હીરો મોટોકૉર્પ ૨.૧૬ ટકાના સુધારામાં બંધ જોવા મળ્યો હતો.

વર્ધમાનના શૅરમાં ચાર ટકાનો જમ્પ

બેરિંગ ઇન્ડિયાએ વર્ધમાન ટેક્સટાઇલ્સમાં વધુ એક ટકો હિસ્સો ખરીદ્યો છે એવા સમાચારે વર્ધમાનના શૅરે લગભગ સાડાચાર ટકા જેટલા ઉછાળા સાથે ૩૪૩.૭૫ રૂપિયાની ટોચ બનાવી હતી. સ્ટૉકમાર્કેટમાં જાહેર કરેલા ડેટા અનુસાર બેરિંગ ઇન્ડિયા ઇક્વિટી ફન્ડે ઓપન માર્કેટમાંથી વર્ધમાનના કુલ ૭,૬૨,૯૬૪ શૅર એટલે કે કુલ ઇક્વિટીનો ૧.૨ ટકા હિસ્સો ૨૫ કરોડ રૂપિયામાં ખરીદતાં શૅર ઊછળ્યો હતો. ૩૧ ડિસેમ્બરે વર્ધમાનમાં પ્રાઇવેટ ઇક્વિટીનો હિસ્સો ૧.૯૫ ટકા હતો. અન્ય ટેક્સટાઇલ્સ શૅરો પર નજર કરીએ તો BSE ખાતે ટેક્સટાઇલ્સ શૅરોમાં ઘટાડાતરફી ઝોક વધુ જોવા મળ્યો હતો. BSE ખાતે ૮૮ શૅર પ્લસમાં તો સામે ૯૨ શૅર માઇનસમાં બંધ રહ્યા હતા, જ્યારે ૧૪ શૅર સ્થિર જોવાયા હતા.

ડિફેન્સિવ સેક્ટરની હૂંફ

ગઈ કાલે ફાર્મા, FMCG અને IT શૅર બજારની વહારે આવ્યા હતા. ITC બે ટકા વધી ૩૪૧ રૂપિયા નજીક બંધ રહેતાં સેન્સેક્સને સર્વાધિક ૪૪ પૉઇન્ટનો લાભ થયો હતો. સનફાર્માની ચાર ટકા પ્લસની તેજીએ એમાં બાવીસ પૉઇન્ટનો તથા TCSના ૧.૩ ટકાના સુધારાએ ૧૯ પૉઇન્ટનો ઉમેરો કર્યો હતો. સામે તાતા મોટર્સે ૨.૪ ટકાની નબળાઈમાં માર્કેટને ૨૦ પૉઇન્ટનો માર માર્યો હતો. હીરો મોટોકૉર્પ બે ટકા અપ હતો. તાતા પાવર ૧.૩ ટકા વધ્યો હતો. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૮ ટકા, ONGC ૧.૭ ટકા, ભેલ ૨.૭ ટકા, હિન્દાલ્કો ૨.૪ ટકા અને ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકા નરમ હતા. હેવીવેઇટ ICICI બૅન્ક જોકે એક ટકો અપ હતો. સેન્સેક્સના ૩૦માંથી ૧૭ શૅર નરમ હતા. નેગેટિવ માર્કેટ-બ્રેડ્થમાં ૧૩૪૫ શૅર વધ્યા હતા અને ૧૫૨૨ જાતો નરમ હતી. A-ગ્રુપના ૬૦ ટકા, B-ગ્રુપના ૫૭ ટકા અને T -ગ્રુપના ૫૪ ટકા શૅર ઘટેલા હતા. ૧૩૪ શૅર તેજીની સર્કિટે બંધ હતા તો ૧૩૩ સ્ક્રિપ્સ મંદીની સર્કિટે બંધ હતી.

જસ્ટ ડાયલ, L&T ફાઇનૅન્સ હોલ્ડિંગ વધ્યા

NSE દ્વારા જાહેર કરવામાં આવેલા એક સક્યુર્‍લરમાં જણાવ્યું હતું કે ગુરુવારથી F&O સેગમેન્ટમાં જસ્ટ ડાયલ અને L&T ફાઇનૅન્સ હોલ્ડિંગનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જાહેરાતથી ઇન્ટ્રા-ડેમાં જસ્ટ ડાયલનો શૅર આઠ ટકા અને L&T ફાઇનૅન્સ હોલ્ડિંગના શૅરમાં છ ટકાથી પણ વધુનો જમ્પ જોવા મળ્યો હતો. દિવસના અંતે જસ્ટ ડાયલનો શૅર નજીવા સુધારામાં ૧૬૧૫.૮૦ રૂપિયા અને L&T ફાઇનૅન્સ હોલ્ડિંગનો શૅર પાંચ ટકા નજીકના સુધારામાં ૮૫.૨૦ રૂપિયાના ભાવે બંધ જોવાયો હતો. ઇન્દ્રપ્રસ્થ ગૅસ સવાપાંચ ટકા, પીપાવાવ ડિફેન્સ પાંચ ટકા નજીક, સન ફાર્મા ચાર ટકા, MCX ૩.૯૧ ટકા અને ફાઇનૅશિયલ ટેક્નૉલૉજીઝનો શૅર ૩.૨૯ ટકા વધ્યા હતા.

બજારની અંદર-બહાર

ગાર્ડન સિલ્કની બોર્ડ-મીટિંગ ૧૯ માર્ચના રોજ પ્રમોટર્સને ઇશ્યુ કરાયેલા વૉરન્ટ્સના ઇક્વિટીઓ કન્વર્ઝન માટે મળશે. શૅર ૪ ટકા વધ્યા બાદ છેવટે ૦.૬ ટકાના ઘટાડે ૩૪.૨૦ રૂપિયા બંધ હતો.

યેનલ નાઇન ૨૬૦ રૂપિયા પ્લસની સર્વોચ્ચ સપાટીએ જઈ અંતે ૪.૩ ટકાના સુધારામાં ૨૫૯ રૂપિયા નજીક રહ્યો હતો.

ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૨૧ ગણા કામકાજમાં ઉપરમાં ૨૮૨ રૂપિયા નજીક જઈ અંતે સવાપાંચ ટકાના સુધારામાં ૨૭૩ રૂપિયા બંધ હતો.

TRF લિમિટેડ આશરે ૧૧ ગણા વૉલ્યુમમાં ૧૬.૪ ટકાની તેજીમાં ૧૫૭ રૂપિયા બંધ હતો.

JK ટાયર પાંચ ગણા કામકાજમાં સાડાસાત ટકા વધીને ૧૬૦ રૂપિયા રહ્યો હતો.

લાર્સન ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ ૫૧ લાખ શૅરના ભારે કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૮૫ રૂપિયા ઉપર વર્ષની ટોચે બંધ હતો.

સહારા હાઉસિંગ ૧૨૦૦ શૅરના કામકાજમાં નવ ટકા ગગડી ૪૦ રૂપિયા રહ્યો હતો. સહારા વન ૩.૩ ટકાના ઘટાડે ૫૮ રૂપિયા બંધ હતો.

સોના કોયો સ્ટિયરિંગ બમણા કામકાજમાં સાત ટકાની તેજીમાં ૧૯.૩૦ રૂપિયા હતો. શૅરની ફેસવૅલ્યુ એક રૂપિયાની છે.

મેઘમણિ ઑગેર્નિક્સ ૭.૮ ટકાના ઉછાળે ૮.૯૦ રૂપિયા બંધ હતો. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર ૩૦ ડિસેમ્બરે ૧૦.૨૫ રૂપિયાના વર્ષના તળિયે હતો.

GSFC અડધા વૉલ્યુમમાં સાત ટકાની મજબૂતીમાં ૫૧.૩૦ રૂપિયા બંધ હતો. ૪ માર્ચના રોજ આ કાઉન્ટર ૪૩ રૂપિયાના વર્ષના તળિયે હતું.

સિમ્ફની ૨૦ હજાર શૅરના કામકાજે ૬૧૫ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ થઈ અંતે ૩.૭ ટકાના સુધારામાં ૬૦૯ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે.