નવાં પૉઝિટિવ ફૅક્ટર્સની ગેરહાજરીને લીધે બજાર કન્સોલિડેશનની સ્થિતિમાં

26 September, 2012 05:20 AM IST  | 

નવાં પૉઝિટિવ ફૅક્ટર્સની ગેરહાજરીને લીધે બજાર કન્સોલિડેશનની સ્થિતિમાં



શૅરબજારનું ચલકચલાણું

બજાર સાથે સંકળાયેલા વર્ગની અપેક્ષા મુજબ ગઈ કાલે શૅરબજારમાં મર્યાદિત સુધારો જોવા મળ્યો હતો. નવાં હકારાત્મક પરિબળોની ગેરહાજરીને કારણે બજાર કન્સોલિડેશનની સ્થિતિમાં છે. સરકારે વિવિધ આર્થિક સુધારાની જાહેરાત કરી એની અસર ગયા સપ્તાહમાં જોવા મળી હતી. એ હવે પૂરી થઈ ગઈ છે, કારણ કે અર્થતંત્રનાં ફન્ડામેન્ટલ્સ નબળાં છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ હજી ઇકૉનૉમિક ક્રાઇસિસની જ સ્થિતિ પ્રવર્તે છે.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે માત્ર ૨૧.૦૭ વધીને ૧૮,૬૯૪.૪૧ બંધ રહ્યો હતો. સવારમાં સેન્સેક્સ આગલા બંધ ૧૮,૬૭૩.૩૪ની સામે વધીને ૧૮,૭૦૮.૦૧ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૭૯૦.૦૧ અને ઘટીને નીચામાં ૧૮,૬૩૬.૧૬ના લેવલે પહોંચ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૨૯.૬૧ વધીને ૬૪૮૩.૪૯ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩૬.૨૪ વધીને ૬૯૦૩.૧૫ બંધ રહ્યો હતો. નિફ્ટી ફક્ત ૪.૩૦ વધીને ૫૬૭૩.૯૦ બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૯ વધ્યાં હતાં, જ્યારે ૪માં ઘટાડો થયો હતો. એફએમસીજી ઇન્ડેક્સ સૌથી વધુ ૯૬.૭૮ વધીને ૫૩૧૪.૩૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૬ના ભાવ વધ્યા હતા. યુનાઇટેડ સ્પિરિટ્સનો ભાવ સૌથી વધુ ૮.૮૯ ટકા વધીને ૧૧૪૭.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. યુનાઇટેડ બ્રુઅરીઝનો ભાવ ૭.૦૨ ટકા અને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ૨.૩૧ ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૧૪૫.૩૫ ઘટીને ૧૦,૫૬૩.૦૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૯ના ભાવ ઘટ્યાં હતા. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૪.૩૫ ટકા ઘટીને ૪૨૫.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૩૧ ટકા અને સેસાગોવાનો ૧.૬૯ ટકા ઘટ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૭૪.૨૮ ઘટીને ૧૦,૨૭૫.૩૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૬ના ભાવમાં ઘટાડો થયો હતો. મારુતિ સુઝુકીનો ભાવ સૌથી વધુ ૨.૪૨ ટકા ઘટીને ૧૩૨૧.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા મોટર્સનો ભાવ ૧.૬૬ ટકા અને હીરો મોટો કૉર્પનો ૧.૦૬ ટકા ઘટ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ગઈ કાલે ૧૨ના ભાવ વધ્યા હતા અને ૧૮માં ઘટાડો થયો હતો. ભેલનો ભાવ સૌથી વધુ ૨.૬૭ ટકા વધીને ૨૫૩.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૪.૩૫ ટકા ઘટ્યો હતો. મારુતિ સુઝુકીનો ભાવ ૨.૪૨ ટકા અને સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ૨.૩૧ ટકા ઘટ્યો હતો.

૩૫ કંપનીના શૅર ઊંચા લેવલે

મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૩૫ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં યુનાઇટેડ બ્રુઅરીઝ, કાવેરી સીડ, અતુલ, બજાજ ફાઇનૅન્સ, એચડીએફસી બૅન્ક, અલ્ટ્રા ટેક સિમેન્ટ, વીકેએસ પ્રોજેક્ટ્સ, હેવેલ્સ ઇન્ડિયા વગેરેનો સમાવેશ છે. ૧૦ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં જે. જે. એક્સર્પોટ્સ, સૅન્ડ પ્લાસ્ટ, વિકાસ મેટલ વગેરેનો સમાવેશ છે. મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૫૫૨ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા. ૧૩૨૫ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

એસકેએસ માઇક્રો ફાઇનૅન્સ

એસકેએસ માઇક્રો ફાઇનૅન્સના શૅરનો ભાવ ૪.૯૭ ટકા વધીને ૧૨૨.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૨૨.૪૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૧૭.૧૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ગઈ કાલે બ્લૉક ડીલમાં કંપનીના ૫૦ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. આને કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. કુલ ૫૮.૮૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું.

કેઇર્ન ઇન્ડિયા

કેઇર્ન ઇન્ડિયાનો ભાવ ૩.૫૭ ટકા ઘટીને ૩૩૩.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૪૧.૨૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૨૬ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૩૭.૬૨ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કુલ કામકાજ ૧૨૫.૨૯ કરોડ રૂપિયાનું થયું હતું. યુકેની કેઇર્ન એનર્જીએ કંપનીમાંથી એના ૮ ટકા ઇક્વિટી હિસ્સાના શૅર્સનું વેચાણ કર્યું હતું. હવે કંપનીની ઇક્વિટીમાં કેઇર્ન એનર્જીનો ૧૦ ટકા જેટલો હિસ્સો છે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૮૫૮૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૭૪૦.૪૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૫૮૪૫.૫૮ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૦૫૮.૩૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૪૩૨.૪૭ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૩૭૪.૧૧ કરોડ રૂપિયા રહી હતી.

યુ. બી. ગ્રુપના શૅર્સના ભાવ વધ્યા

વિજય માલ્યાના યુ. બી. ગ્રુપની કંપનીઓના શૅરના ભાવમાં ગઈ કાલે વૃદ્ધિ જોવા મળી હતી. યુ. બી. ગ્રુપની કંપની યુનાઇટેડ સ્પિરિટ્સમાં યુ. કે.ની ડ્રિન્ક્સ ક્ષેત્રની કંપની ડિયાજિયો હિસ્સો ખરીદે એવા સમાચારને પગલે શૅરના ભાવ વધ્યા હતા.

મૅન્ગલોર કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સનો ભાવ ૧૨.૩૪ ટકા વધીને ૪૯.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. કુલ ૧૩.૧૮ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કામકાજ ૬.૩૪ કરોડ રૂપિયાનું થયું હતું. યુનાઇટેડ બ્રુઅરીઝનો ભાવ ૭.૦૨ ટકા વધીને ૭૦૮.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. ૬.૦૪ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. ટર્નઓવર ૪૨.૦૪ કરોડ રૂપિયા રહ્યું હતું. યુનાઇટેડ સ્પિરિટ્સનો ભાવ ૮.૮૯ ટકા વધીને ૧૧૪૭.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. ૧૭.૦૩ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કુલ બિઝનેસ ૧૮૮.૪૦ કરોડ રૂપિયાનો થયો હતો. કિંગફિશર ઍરલાઇન્સનો ભાવ ૮.૦૮ ટકા વધીને ૧૪.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. ૧૩૧.૧૯ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કામકાજ ૧૮.૫૮ કરોડ રૂપિયાનું થયું હતું.