રાજકીય અસ્થિરતાને કારણે બજારમાં ઘટાડો ઇકૉનૉમિક રિફોર્મ્સની અસર ધોવાઈ ગઈ

21 September, 2012 05:12 AM IST  | 

રાજકીય અસ્થિરતાને કારણે બજારમાં ઘટાડો ઇકૉનૉમિક રિફોર્મ્સની અસર ધોવાઈ ગઈ



શૅરબજારનું ચલકચલાણું

મંગળવારે મોડી સાંજે જે રાજકીય સ્થિતિ નર્મિાણ થઈ હતી એને ધ્યાનમાં લેતાં અપેક્ષા મુજબ જ ગઈ કાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતા મમતા બૅનરજીએ મંગળવારે સાંજે યુપીએ સરકારને ટેકો પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો એને પગલે રાજકીય અસ્થિરતાની સ્થિતિ ઊભી થવાથી ગઈ કાલે શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ૧૪૬.૭૬ ઘટીને ૧૮,૩૪૯.૨૫ બંધ રહ્યો હતો. સેન્સેક્સ મંગળવારના ૧૮,૪૯૬.૦૧ બંધની સામે સવારમાં જ ૨૦૦ પૉઇન્ટ્સ જેટલો નીચો ૧૮,૨૯૨.૨૨ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૪૪૩.૯૨ અને ઘટીને નીચામાં ૧૮,૨૯૧.૯૩ના લેવલે પહોંચ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૪૧.૪૩ ઘટીને ૬૩૩૦.૨૮ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩૫.૬૯ ઘટીને ૬૭૧૦.૯૭ બંધ રહ્યો હતો. નિફ્ટી ૪૫.૮૦ ઘટીને ૫૫૫૪.૨૫ બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી ૫૫૫૦ પૉઇન્ટ્સની ઉપર બંધ આવ્યો હતો એ સારી બાબત છે. રાજકીય અસ્થિરતાને કારણે આર્થિક સુધારાની બજાર પરની હકારાત્મક અસર ધોવાઈ ગઈ હતી. બજાર સાથે સંકળાયેલા વર્ગનું માનવું છે કે હવે જ્યાં સુધી રાજકીય સ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી બજારમાં અચોક્કસતા રહેવાની અપેક્ષા છે.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે માત્ર ૩ વધ્યા હતા, જ્યારે ૧૦માં ઘટાડો નોંધાયો હતો. મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૨૩૯.૧૬ ઘટીને ૧૦,૨૬૧.૫૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૧ કંપનીના ભાવ ઘટ્યાં હતા. હિન્દુસ્તાન ઝિન્કનો ભાવ સૌથી વધુ ૩.૩૫ ટકા ઘટીને ૧૨૯.૭૫ બંધ રહ્યો હતો. કોલ ઇન્ડિયાનો ભાવ ૨.૯૯ ટકા, સેસાગોવાનો ૨.૮૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલનો ૨.૮૩ ટકા, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ૨.૮૦ ટકા અને તાતા સ્ટીલનો ૨.૭૩ ટકા ઘટ્યો હતો.

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૦૩.૫૪ ઘટીને ૧૦,૩૦૮.૫૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯ કંપનીમાંથી ૧૫ના ભાવ ઘટ્યાં હતા. બીઈએમએલનો ભાવ સૌથી વધુ ૩.૭૭ ટકા ઘટીને ૩૦૫.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. સુઝલોન એનર્જીનો ભાવ ૩.૭૩ ટકા, ભેલનો ૩૦૬૨ ટકા અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૩.૪૨ ટકા ઘટ્યો હતો. અલ્સટૉમ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૪ ટકા વધીને ૩૯૫.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. બૅન્કેક્સ ૧૩૯.૯૦ ઘટીને ૧૨,૫૩૦.૩૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૯ના ભાવમાં ઘટાડો થયો હતો. બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૩.૩૩ ટકા ઘટીને ૨૮૬.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. આઇસીઆઇસીઆઇ બૅન્કનો ભાવ ૨.૫૨ ટકા અને ઍક્સિસ બૅન્કનો ૨.૩૯ ટકા ઘટ્યો હતો. કૅનેરા બૅન્કનો ભાવ સૌથી વધુ ૨.૮૩ ટકા વધીને ૪૦૪.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો.

ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૧૨૫.૬૮ ઘટીને ૮૬૬૦.૪૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી પાંચના ભાવ ઘટ્યાં હતા. ગેઇલ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૩.૫૮ ટકા ઘટીને ૩૭૪ રૂપિયા બંધ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૭૦ ટકા ઘટ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમનો ભાવ સૌથી વધુ ૩.૩૭ ટકા વધીને ૨૯૬.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટનો ભાવ ૨.૨૬ ટકા વધ્યો હતો. આઇટી ઇન્ડેક્સ ૫૦.૨૪ વધીને ૬૦૨૩.૮૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૬ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. એમ્ફેસિસનો ભાવ સૌથી વધુ ૨.૩૮ ટકા વધીને ૩૮૭.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. ટીસીએસનો ભાવ ૧.૬૨ ટકા વધ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ગઈ કાલે ૧૦ના ભાવ વધ્યા હતા અને ૨૦ના ઘટ્યાં હતા. ભેલનો ભાવ સૌથી વધુ ૩.૬૨ ટકા ઘટ્યો હતો. ગેઇલ ઇન્ડિયાનો ૩.૫૮ ટકા, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ૨.૮૦ ટકા અને તાતા સ્ટીલનો ૨.૭૩ ટકા ઘટ્યો હતો. બજાજ ઑટોનો ભાવ સૌથી વધુ ૨.૩૧ ટકા વધીને ૧૭૮૮.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો.

૨૩ કંપનીના શૅર્સ ઊંચા મથાળે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૨૩ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના ઊંચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ત્રિભોવન ભીમજી ઝવેરી, અંજનૈય લાઇફ કૅર, શ્રીરામ સિટી યુનિયન ફાઇનૅન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કાવેરી સીડ વગેરેનો સમાવેશ છે. ૧૫ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં હબટાઉન, સૂર્યા ફાર્મા, ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ્સ, વિકાસ મેટલ, જી. આર. કેબલ્સ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૨૦૪ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૫૯૧ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

સુઝલોન એનર્જી

સુઝલોન એનર્જીનો ભાવ ૩.૭૩ ટકા ઘટીને ૧૬.૫૧ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૬.૯૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૬.૨૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કુલ ૨૧.૮૩ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. ટર્નઓવર ૩.૬૧ કરોડ રૂપિયા રહ્યું હતું. કંપનીએ ફૉરેન કરન્સી કન્વર્ટિબલ બૉન્ડ્સના પૈસાની પરતચુકવણી ઑક્ટોબરમાં કરવાની છે. આ ચુકવણી ચાર મહિના મોડી ફેબ્રુઆરી ૨૦૧૩માં કરવા માટે કંપનીએ બૉન્ડહોલ્ડરોને નોટિસ ઇશ્યુ કરી છે. આ માટે બૉન્ડહોલ્ડર્સની મીટિંગ ૧૦ ઑક્ટોબરે મળશે.

અમર રેમેડીઝ

અમર રેમેડીઝનો ભાવ ૩.૩૪ ટકા ઘટીને ૩૪.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૫.૭૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૪.૫૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧.૧૭ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કામકાજ ૪૧.૦૭ લાખ રૂપિયા થયું હતું. ડાબર ઇન્ડિયાએ કંપની સામે એની ટૂથપેસ્ટ બ્રૅન્ડ મેસ્વાકના ઇન્ટેલેકચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સના ભંગનો કેસ કર્યો છે. ડાબરે આક્ષેપ કર્યો છે કે કંપની સિવાય બ્રૅન્ડનેમ સાથે ટૂથપેસ્ટનું ઉત્પાદન કરે છે અને અલ્જિરિયામાં નિકાસ કરે છે.

એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૩૧૮૭.૦૮ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૩૨૬૦.૭૫ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૭૩.૬૭ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૧૩૬.૬૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૪૬૭.૭૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૩૩૧.૧૧ કરોડ રૂપિયા રહી હતી.