બજાર કન્સોલિડેશનની સ્થિતિમાં

11 September, 2012 05:58 AM IST  | 

બજાર કન્સોલિડેશનની સ્થિતિમાં



શૅરબજારનું ચલકચલાણું

બજાર સાથે સંકળાયેલાઓની અપેક્ષા મુજબ ગઈ કાલે શૅરબજારમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે રોકાણકારો અત્યારે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે એને કારણે કામકાજ મર્યાદિત રહે છે અને બજારની મૂવમેન્ટ પણ રેન્જ બાઉન્ડ રહે છે. અત્યારે બજાર કન્સોલિડેશનની સ્થિતિમાં છે.

આ સપ્તાહમાં ફુગાવા અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાની જાહેરાત થશે. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વની મીટિંગ પણ છે. આ બધા બનાવોની જાહેરાત થાય ત્યાં સુધી કોઈ જોખમ લેવા માગતું નથી એટલે ચાલુ સપ્તાહમાં બજારમાં સાવચેતીભર્યું વલણ જ જોવા મળશે.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ માત્ર ૧૭.૧૩ વધીને ૧૭,૭૬૬.૭૮ બંધ રહ્યો હતો. શનિવારના ૧૭,૭૪૯.૬૫ના બંધ સામે ગઈ કાલે સેન્સેક્સ ૧૭,૭૮૦.૯૩ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૭,૮૧૦.૯૦ અને ઘટીને નીચામાં ૧૭,૭૨૮.૧૫ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી ફક્ત ૪.૭૫ વધીને ૫૩૬૩.૪૫ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૧૭.૦૨ વધીને ૬૧૫૯.૭૬ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૪૫.૪૨ વધીને ૬૫૪૧.૬૫ બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૬ વધ્યાં હતાં, જ્યારે ૭માં ઘટાડો થયો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ સૌથી વધુ ૭૨.૯૮ વધીને ૭૭૧૫.૧૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭માંથી ૧૧ કંપનીના ભાવ વધ્યા હતા. વૉકહાર્ટનો ભાવ સૌથી વધુ ૪.૧૩ ટકા વધીને ૧૪૧૦.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગ્લેક્સો સ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સનો ભાવ ૩.૭૪ ટકા, અરવિંદો ફાર્માસ્યુટિકલ્સનો ૨.૭૪ ટકા અને સન ફાર્માનો ૨.૬૩ ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૬૯.૭૨ વધીને ૯૯૦૬.૮૭ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૬ કંપનીના ભાવ વધ્યા હતા. એનએમડીસીનો ભાવ સૌથી વધુ ૨.૧૩ ટકા વધીને ૧૯૧.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૨.૧૬ ટકા ઘટીને ૩૪૪.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૬૩.૧૮ વધીને ૬૪૬૨.૦૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૪ કંપનીના ભાવ વધ્યા હતા. વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૫.૮૧ ટકા વધીને ૮૦.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. સી. મહિન્દ્ર એક્સર્પોટ્સનો ભાવ સૌથી વધુ ૫.૨૮ ટકા ઘટીને ૯૬ રૂપિયા બંધ રહ્યો હતો. બૅન્કેક્સ સૌથી વધુ ૮૯.૧૪ ઘટીને ૧૧,૫૫૭.૩૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૦ના ભાવ ઘટ્યાં હતા. ઍક્સિસ બૅન્કનો ભાવ સૌથી વધુ ૨.૫૮ ટકા ઘટીને ૯૫૩.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. કૅનેરા બૅન્કનો ભાવ સૌથી વધુ ૧.૦૪ ટકા વધીને ૩૨૬.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો.

અરબિંદો ફાર્મા

અરબિંદો ફાર્માનો ભાવ ૨.૭૪ ટકા વધીને ૧૩૧.૩૫ રૂપિયા બંધ રહ્યો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૩૩.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૨૮.૭૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.

કંપનીની ઍન્ટિ-હાઇપર ટેન્શન ડ્રગને અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનની મંજૂરી મળી છે. છેલ્લા બે દિવસમાં શૅરનો ભાવ ૮ ટકા જેટલો વધ્યો છે.

મેક્સ ઇન્ડિયા

મેક્સ ઇન્ડિયાનો ભાવ ૩.૫૪ ટકા વધીને ૧૯૦.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૯૨.૨૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૮૪.૮૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કંપની પૅકેજિંગ મટીરિયલ્સનું ઉત્પાદન કરતી સબસિડિયરી મેક્સ સ્પેશ્યલિટી ફિલ્મ્સના વેચાણનો પ્લાન ધરાવે છે.

જ્યોતિ લૅબોરેટરીઝ

હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી જ્યોતિ લૅબોરેટરીઝનો ભાવ ૮.૪૦ ટકા વધીને ૧૭૦.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૮૩.૬૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૫૯.૩૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લાં બે સપ્તાહમાં સરેરાશ દૈનિક ૦.૬૭ લાખ શૅર્સના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૪.૯૩ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કુલ ટર્નઓવર ૮.૬૧ કરોડ રૂપિયા રહ્યું હતું.

૧૩ જૂને કંપનીએ હેન્કલ ઇન્ડિયાના મર્જરની જાહેરાત કરી હતી ત્યારથી અત્યારસુધી શૅરનો ભાવ ૫૭ ટકા જેટલો વધ્યો છે. મર્જર બાદ કંપનીની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની બ્રૅન્ડ્સ વધીને ૧૦ જેટલી થઈ છે.

બામર લોરી

બામર લોરી ઍન્ડ કંપનીનો ભાવ ૫.૬૧ ટકા ઘટીને ૫૮૬ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૯૦.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૭૫.૬૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ગઈ કાલે કંપનીનો શૅર એક્સ ડિવિડન્ડ થયો હતો. કંપનીએ ૨૦૧૧-’૧૨ માટે ૨૮૦ ટકા ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

એઆરએસએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

એઆરએસએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો ભાવ ૨૦ ટકા વધીને ૪૪.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સહિત અન્ય બૅન્કો પાસેથી કંપનીને કૉર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગ માટે અપ્રૂવલ લેટર મળ્યો છે.

રિલાયન્સ કૅપિટલ

અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ કૅપિટલના ર્બોડે ૨૫ વર્ષ પૂરાં કર્યાના પ્રસંગને પગલે ૫૦ ટકા સ્પેશ્યલ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. શૅરહોલ્ડરોને ડિવિડન્ડની ચુકવણી ૧૦ ઑક્ટોબર અથવા એ પહેલાં કરી દેવામાં આવશે. અગાઉ ૭૫ ટકાના ડિવિડન્ડની ચુકવણી ઉપરાંતનું આ સ્પેશ્યલ ડિવિડન્ડ છે.

એફઆઇઆઇની ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૦૩૩.૬૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૩૪૦.૯૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૬૯૨.૭૩ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૬૬૫.૧૦ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૯૮૩.૪૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૩૧૮.૩૨ કરોડ રૂપિયા રહી હતી.