૧૨ કંપનીઓએ ૧૦ વર્ષમાં રોકાણકારોને ૩૪થી ૭૦ ટકા જેટલું વાર્ષિક વળતર આપ્યું

02 September, 2012 05:28 AM IST  | 

૧૨ કંપનીઓએ ૧૦ વર્ષમાં રોકાણકારોને ૩૪થી ૭૦ ટકા જેટલું વાર્ષિક વળતર આપ્યું

શૅરબજારની સ્થિતિ અચોક્કસ છે. એમાં કોઈ મોટી તેજી જોવા નથી મળી તો પણ ટૉપની ૨૦૦ કંપનીઓમાંથી ૧૫૮ કંપનીઓએ સેન્સેક્સની વૃદ્ધિ કરતાં રોકાણકારોને વધારે વળતર આપ્યું છે. એમાંથી પણ ૧૨ જેટલી કંપનીઓએ તો ઇન્વેસ્ટરોને ૩૪થી ૭૦ ટકા જેટલું વાર્ષિક વળતર આપ્યું છે.

૨૦૦૨થી ૨૦૧૨ દરમ્યાન સેન્સેક્સમાં ૧૭.૫૦ ટકાની વાર્ષિક વૃદ્ધિ થઈ છે. એની સામે આ કંપનીઓમાં રોકાણકારોને ઘણું જ વધારે રિટર્ન મળ્યું છે. જે ૧૨ કંપનીઓમાં રોકાણકારોને નોંધપાત્ર વળતર મળ્યું છે એની વિગત જોઈએ. સૌથી વધુ રિટર્ન ટીટીકે પ્રેસ્ટિજમાં વાર્ષિક ૭૦ ટકા જેટલું મળ્યું છે. આ કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક સરેરાશ ૬૬ ટકા અને વેચાણમાં ૨૪ ટકાની વૃદ્ધિ થઈ છે.

સૌથી ઓછું વળતર બજાજ ફાઇનૅન્સમાં ૩૪ ટકા મળ્યું છે. આ કંપનીનો ચોખ્ખો નફો ૨૮ ટકા અને આવક ૩૫ ટકા વધી છે. ગૃહ ફાઇનૅન્સમાં રોકાણકારોને વાર્ષિક સરેરાશ ૪૫ ટકા રિટર્ન મળ્યું છે. ચોખ્ખો નફો ૩૧ ટકા અને આવક ૧૯.૭૫ ટકા વધી છે. લુપિનમાં રોકાણકારોને ૪૬.૪૦ ટકા વળતર મળ્યું છે. એનો ચોખ્ખો નફો ૨૮ ટકા અને વેચાણ ૨૨ ટકા વધ્યું છે.

બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટરોને ૬૨.૯૦ ટકા રિટર્ન મળ્યું છે. વેચાણ ૩૦ ટકા અને ચોખ્ખો નફો ૪૬.૫૦ ટકા વધ્યો છે. ગુજરાત ફ્લુરોકેમમાં ઇન્વેસ્ટમેન્ટના મૂલ્યમાં વાર્ષિક ૬૩.૬૬ ટકાનો ગ્રોથ થયો છે. ચોખ્ખો નફો ૩૮ ટકા અને વેચાણ ૩૭ ટકા વધ્યું છે. મધરસન સુમીમાં રોકાણકારોને ૪૭ ટકા રિટર્ન મળ્યું છે. વેચાણ ૪૮ ટકા અને ચોખ્ખો નફો ૩૧.૩૦ ટકા વધ્યો છે. કોરોમાંડલ ઇન્ટરનૅશનલમાં ઇન્વેસ્ટરોને ૪૫.૮૦ ટકા વળતર મળ્યું છે. વેચાણ ૩૧ ટકા અને ચોખ્ખો નફો ૩૧ ટકા વધ્યો છે.

હેવેલ્સ ઇન્ડિયામાં રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટમાં ૫૧ ટકા વૃદ્ધિ થઈ છે. વેચાણ ૩૫ ટકા અને ચોખ્ખો નફો ૪૩ ટકા વધ્યો છે. ટાઇટન ઇન્ડસ્ટ્રીઝમાં રિટર્ન ૫૭ ટકા મળ્યું છે. ચોખ્ખો નફો ૪૭ ટકા અને વેચાણ ૨૯ ટકા થયું છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં રોકાણકારોને રોકાણ પર ૪૧ ટકા વળતર મળ્યું છે. વેચાણમાં ૨૦.૪૦ ટકા અને ચોખ્ખા નફામાં ૩૦.૫૦ ટકાની વૃદ્ધિ થઈ છે. કોટક મહિન્દ્ર બૅન્કમાં ઇન્વેસ્ટરોને ૪૪ ટકા રિટર્ન મળ્યું છે. આવક ૩૮.૬૦ ટકા અને ચોખ્ખો નફો ૩૫ ટકા વધ્યો છે.