બજારમાં વેચવાલી ને હકારાત્મક પરિબળોની ગેરહાજરીમાં ઘટાડો

28 August, 2012 05:55 AM IST  | 

બજારમાં વેચવાલી ને હકારાત્મક પરિબળોની ગેરહાજરીમાં ઘટાડો

શૅરબજારનું ચલકચલાણું

બજાર સાથે સંકળાયેલા વર્ગની ધારણા મુજબ ગઈ કાલે માર્કેટમાં સુધારાની ગેરહાજરી રહી હતી અને બજાર ઘટ્યુ હતું. કોલસાકૌભાંડને પગલે સતત બીજા સપ્તાહમાં પણ સંસદની કામગીરી બંધ રહી હતી. વર્તમાન રાજકીય સ્થિતિને ધ્યાનમાં લેતાં હવે પૉલિસી ઍક્શન અને રિફૉમ્ર્સમાં વિલંબ થશે એની પણ બજાર પર અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય મોરચે પણ કોઈ જ પૉઝિટિવ ન્યુઝ નથી. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે ૧૦૪.૪૦ ઘટીને ૧૭,૬૭૮.૬૧ના લેવલે બંધ રહ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ ૧૭૭૮૩.૨૧ બંધ રહ્યો હતો. એ ગઈ કાલે પ્રારંભમાં ૧૭,૭૬૯.૪૪ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ વધીને ઊંચામાં ૧૭,૮૨૦.૦૭ અને ઘટીને નીચામાં ૧૭,૬૬૨.૨૧ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી ૩૬.૪૫ ઘટીને ૫૩૫૦.૨૫ના લેવલે બંધ રહ્યો હતો. જો આજે પણ બજાર ઘટશે તો નિફ્ટી ૫૩૫૦ પૉઇન્ટ્સની નીચે જતો રહેશે. મિડ કૅપ ઇન્ડેક્સ ૬૨.૧૩ ઘટીને ૬૦૫૭.૦૮ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૬૩.૧૯ ઘટીને ૬૫૧૧.૫૯ના લેવલે બંધ રહ્યા હતા.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૧ ઘટ્યાં હતાં અને માત્ર બે જ વધ્યાં હતાં. બૅન્કેક્સ સૌથી વધુ ૨૧૫.૩૭ ઘટીને ૧૧,૬૫૬.૯૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૪ કંપનીના ભાવ ઘટ્યાં હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧૫૯.૯૯ ઘટીને ૯૭૬૮.૬૩ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯માંથી ૧૫ કંપનીના ભાવ ઘટ્યાં હતા. મેટલ ઇન્ડેક્સ ૧૪૫.૩૧ ઘટીને ૧૦,૨૭૬.૯૭ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૯ કંપનીના ભાવમાં ઘટાડો થયો હતો. ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૨૮.૫૪ વધીને ૮૪૨૬.૩૧ બંધ રહ્યો હતો અને એફએમસીજી ઇન્ડેક્સ માત્ર ૧૧.૫૨ વધીને ૫૩૧૧.૬૫ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦માંથી ૧૧ કંપનીના ભાવ વધ્યા હતા અને ૧૯માં ઘટાડો થયો હતો. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ભાવ સૌથી વધુ ૧.૩૫ ટકા વધીને ૭૭૨.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૫.૧૬ ટકા ઘટીને ૩૭૭.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ભેલનો ભાવ ૨.૭૦ ટકા, એસબીઆઇનો ૨.૫૮ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્કનો ૨.૧૨ ટકા ઘટ્યો હતો.

૩૯ કંપનીના ભાવ સર્વોચ્ચ લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૯ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં શ્રી સિમેન્ટ, અપોલો ટાયર્સ, ટોરન્ટ ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ વગેરેનો સમાવેશ છે. ૩૨ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં સૂર્યા ફાર્મા, વેલસ્પન પ્રોજેક્ટ્સ, સુઝલોન એનર્જી, રિલાયન્સ કમ્યુનિકેશન્સ, હબટાઉન, સૂર્યચક્ર પાવર વગેરેનો સમાવેશ છે.

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૦૨૨ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૭૮૪ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

સિંગર ઇન્ડિયા

સિંગર ઇન્ડિયાનો ભાવ ૭.૧૧ ટકા વધીને ૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૯.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૯.૨૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. કંપનીએ ફોર્થ ક્વૉર્ટરમાં પ્રોત્સાહક કામગીરી રજૂ કરી છે. ચોખ્ખો નફો ૩.૮૦ કરોડ રૂપિયા થયો છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૧.૮૮ કરોડ રૂપિયાની ખોટ કરી હતી. જૂન ૨૦૧૨માં પૂરા થયેલા વર્ષમાં ચોખ્ખો નફો ત્રણ ગણો વધીને ૧૦.૨૧ કરોડ રૂપિયા થયો છે.

જિન્દાલ સ્ટીલ

જિન્દાલ સ્ટીલ ઍન્ડ પાવરનો ભાવ ૫.૧૬ ટકા ઘટીને ૩૭૭.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. કંપનીએ બોલિવિયામાં આયર્ન ઑર માઇન્સ ડેવલપ કરવાનો કૉન્ટ્રૅક્ટ ટર્મિનેટ કર્યો ત્યારથી શૅરનો ભાવ ઘટી રહ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં ભાવ ૧૭ ટકા કરતાં વધુ ઘટ્યો છે.

પંજાબ નૅશનલ બૅન્ક

પંજાબ નૅશનલ બૅન્કનો ભાવ ૪.૪૭ ટકા ઘટીને ૬૮૦.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૧૪.૪૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૭૬.૪૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં કંપનીની કામગીરી પ્રોત્સાહક નથી રહી એટલે છેલ્લા એક મહિનામાં ભાવમાં ૮ ટકા જેટલો ઘટાડો થયો છે. સ્ટ્રેસ્ડ ઍસેટ્સમાં વધારો થવાથી કોટક સિક્યૉરિટીઝે શૅરનું રેટિંગ અક્યુમલેટથી ડાઉનગ્રેડ કરીને રિડ્યુસ કર્યું છે.

એફઆઇઆઇની ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૧૫૦૭.૩૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૩૦૬.૯૬ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૨૦૦.૩૯ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૫૨૦.૭૦ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૦૨૧.૪૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૫૦૦.૭૨ કરોડ રૂપિયા રહી હતી.

અદાણી ગ્રુપના શૅર્સના ભાવ ઘટ્યાં

અદાણી ગ્રુપની કંપની અદાણી ર્પોટ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોનને બે મોટા ર્પોટ પ્રોજેક્ટમાં પાર્ટિસિપેટ કરવાથી ગૃહમંત્રાલયે સિક્યૉરિટીનાં કારણોસર દૂર રાખી છે એવા સમાચારને પગલે આ ગ્રુપની ત્રણ કંપનીના શૅરના ભાવ ઘટ્યાં હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસનો ભાવ ૮.૯૫ ટકા ઘટીને ૧૫૯.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૭૫.૨૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૫૮.૨૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. અદાણી ર્પોટ્સ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોનનો ભાવ ૩.૪૯ ટકા ઘટીને ૧૦૮ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૧૧ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૦૬.૫૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.

અદાણી પાવરનો ભાવ ૩.૩૫ ટકા ઘટીને ૩૯ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૦.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૮.૬૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.