પ્રૉફિટ-બુકિંગ અને યુરોપિયન બજારોમાં ઘટાડાને કારણે માર્કેટમાં જોવા મળેલો ઉછાળો ધોવાઈ ગયો

24 August, 2012 06:38 AM IST  | 

પ્રૉફિટ-બુકિંગ અને યુરોપિયન બજારોમાં ઘટાડાને કારણે માર્કેટમાં જોવા મળેલો ઉછાળો ધોવાઈ ગયો

 

શૅરબજારનું ચલકચલાણું

સ્થાનિક તેમ જ સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને એશિયન બજારોમાં સુધારાને પગલે પ્રારંભમાં માર્કેટમાં વૃદ્ધિ જોવા મળી હતી અને એ બપોર સુધી જળવાઈ રહી હતી. બજાર સાથે સંકળાયેલા વર્ગને આશા હતી કે સેન્સેક્સ ૧૮,૦૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૫૪૫૦ પૉઇન્ટને વટાવી જશે, પરંતુ બપોરે એકાદ વાગ્યા બાદ ઘટાડાની શરૂઆત થઈ. પ્રારંભિક સુધારાને કારણે નફારૂપી વેચવાલીને પગલે તેમ જ યુરોપિયન બજારોમાં ઘટાડાને પગલે બપોર પછી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપિયન બૅન્કો ડેટની સમસ્યા માટે શું પગલાં લેશે એ બાબતે અચોક્કસતા છે.

દિવસ દરમ્યાન સેન્સેક્સ વધીને ઊંચામાં ૧૭,૯૭૨.૫૪ના લેવલે અને ઘટીને નીચામાં ૧૭,૭૯૨.૮૭ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે સેન્સેક્સ માત્ર ૩.૩૬ વધીને ૧૭,૮૫૦.૨૨ અને નિફ્ટી ફક્ત ૨.૫૦ વધીને ૫૪૧૫.૩૫ના લેવલે બંધ રહ્યા હતા. અમેરિકાની સેન્ટ્રલ બૅન્ક ઇકૉનૉમી રિવાઇવલ માટે મૉનિટરી સ્ટિમ્યુલસનાં પગલાં લેશે એવી અપેક્ષાએ આઇટી ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો હતો અને આ સેક્ટરની કંપનીઓના શૅરના ભાવ વધ્યા હતા.

મિડ-કૅપ ઇન્ડેક્સ માત્ર ૫.૧૬ ઘટીને ૬૧૫૫ પૉઇન્ટ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ફક્ત ૮.૨૪ ઘટીને ૬૬૨૬.૫૩ના લેવલે બંધ રહ્યા હતા.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ૧૫ના ભાવ ઘટ્યાં હતા. વિપ્રોનો ભાવ સૌથી વધુ ૨.૬૧ ટકા વધ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૧.૬૮ ટકા ઘટ્યો હતો.

૩૨ કંપનીના શૅર ટૉપ પર ગઈ કાલે મુંબઈ શૅરબજારની ૩૨ કંપનીઓના શૅરના ભાવ છેલ્લા એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ટીસીએસ, શ્રી સિમેન્ટ્સ, અતુલ, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ વગેરેનો સમાવેશ છે. ૨૩ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સ, સેમટેલ કલર, વેલસ્પન પ્રોજેક્ટ્સ, અદાણી પાવર વગેરેનો સમાવેશ છે. મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૩૫૧ કંપનીના ભાવ વધ્યા હતા અને ૧૪૫૭ના ઘટ્યાં હતા. માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે પાંચ વધ્યા હતા, જ્યારે આઠમાં ઘટાડો થયો હતો. આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ ૧૦૩.૧૩ વધીને ૫૮૨૧.૭૦ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૬ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા. વિપ્રોનો ભાવ સૌથી વધુ ૨.૬૧ ટકા વધીને ૩૬૩.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. ટીસીએસનો ભાવ ૨.૨૫ ટકા અને ઇન્ફોસિસનો ૧.૭૩ ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૫૨.૬૦, એફએમસીજી ૪૬.૦૯, ટેક ૪૪.૪૩ અને હેલ્થકૅર ઇન્ડેક્સ ૩૭.૭૨ વધ્યા હતા.

ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ સૌથી વધુ ૮૯.૫૧ ઘટીને ૮૪૨૬.૯૦ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી પાંચ કંપનીના ભાવ ઘટ્યાં હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૧.૬૮ ટકા ઘટીને ૭૯૪.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટનો ભાવ સૌથી વધુ ૪.૨૦ ટકા અને કેઇર્ન ઇન્ડિયાનો ૩.૧૩ ટકા વધ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૮૦.૩૧ ઘટીને ૯૫૯૧.૫૦ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૯ કંપનીના ભાવ ઘટ્યાં હતા. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ભાવ સૌથી વધુ ૧.૫૫ ટકા ઘટીને ૭૭૧.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો.

ટીસીએસ નંબર વન કંપની બની ગઈ

માર્કેટ વૅલ્યુની દૃષ્ટિએ તાતા ગ્રુપની કંપની ટીસીએસ ગઈ કાલે નંબર વન કંપની બની ગઈ હતી, જ્યારે મુકેશ અંબાણી જૂથની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બીજા ક્રમે આવી ગઈ હતી.

ગઈ કાલે ટીસીએસનો ભાવ ૨.૨૫ ટકા વધ્યો હતો એટલે એનું માર્કેટ કૅપિટલાઇઝેશન વધીને ૨,૫૮,૫૭૮ કરોડ રૂપિયા થયું હતું, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૧.૬૮ ટકા ઘટ્યો હતો એટલે એનું માર્કેટ કૅપિટલાઇઝેશન ઘટીને ૨,૫૭,૧૧૧ કરોડ રૂપિયા થયું હતું.

શ્રી સિમેન્ટ

શ્રી સિમેન્ટનો ભાવ ૩.૮૪ ટકા વધીને ૩૩૮૪.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૪૩૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૨૪૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. જૂનમાં પૂરા થયેલા ફૉર્થ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૫૫ કરોડ રૂપિયાથી ૫૪૦ ટકા વધીને ૩૫૨ કરોડ રૂપિયા થયો છે. વેચાણ ૪૩ ટકા વધીને ૧૪૫૫ કરોડ રૂપિયા થયું છે. કંપનીએ ૮૦ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે.

ઍવરોન એજ્યુકેશન

ઍવરોન એજ્યુકેશનનો ભાવ ૩.૭૦ ટકા વધીને ૧૭૫.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૮૩.૫૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૭૦.૮૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કંપની ભારત ગ્રુપની પ્રાઇવેટ કંપની સેન્ટમ લર્નિંગને ઍક્વાયર કરવાની છે. સેન્ટમ લર્નિંગ ટ્રેઇનિંગ પ્રોગ્રામ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ સૉલ્યુશન્સનો બિઝનેસ કરે છે.

સિંગર ઇન્ડિયા

સિંગર ઇન્ડિયાનો ભાવ ૧૯.૯૨ ટકા વધીને ૪૩.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ફૉર્થ ક્વૉર્ટરમાં કંપનીએ ૩.૮૦ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. આગલા વર્ષે આ સમયગાળામાં કંપનીએ ૧.૮૮ કરોડ રૂપિયાની ખોટ કરી હતી. કંપનીનું વેચાણ ૩૪ ટકા વધીને ૪૧.૮૮ કરોડ રૂપિયા થયું છે. જૂન ૨૦૧૨માં પૂરા થયેલા વર્ષમાં ચોખ્ખો નફો ત્રણ ગણો વધીને ૧૦.૨૧ કરોડ રૂપિયા થયો છે.

ઑપ્ટો સર્કિટ્સ

ઑપ્ટો સર્કિટ્સ ઇન્ડિયાનો ભાવ ૧૨.૨૭ ટકા ઘટીને ૧૨૧.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. રેટિંગ એજન્સી ઇકરાએ કંપનીનું રેટિંગ સસ્પેન્ડ કર્યું છે. કંપનીની લિક્વિડિટી સ્થિતિ સારી નથી. છેલ્લા સાત દિવસમાં શૅરનો ભાવ ૨૩ ટકા ઘટ્યો છે.

એફઆઇઆઇની ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૪૭૩.૭૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૧૬૧.૯૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૩૧૧.૭૯ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૯૨૯.૫૯ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૦૯૦.૬૯ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૬૧.૧૦ કરોડ રૂપિયા જોવા મળી હતી.

અદાણી ગ્રુપની કંપનીઓના ભાવ ઘટ્યાં

અદાણી ગ્રુપના કચ્છમાં એસઈઝેડ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારનાં ધોરણોનો ભંગ થયો છે એવા સમાચારને પગલે ગઈ કાલે અદાણી ગ્રુપની કંપનીઓના શૅરના ભાવ ઘટ્યાં હતા. સરકારી નિયમોનો ભંગ કરવાને કારણે આ પ્રોજેક્ટ કૅન્સલ થવાનો ભય ઊભો થયો છે. કંપની ૬૫૦૦ એકર વિસ્તારમાં દેશનો સૌથી મોટો એસઈઝેડ સ્થાપી રહી છે.

અદાણી ર્પોટ્સ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોનનો ભાવ ૪.૯૨ ટકા ઘટીને ૧૧૧.૧૫ રૂપિયા, અદાણી એન્ટરપ્રાઇસિસનો ભાવ ૨.૦૩ ટકા ઘટીને ૧૭૮.૨૫ રૂપિયા અને અદાણી પાવરનો ભાવ ૨.૧૫ ટકા ઘટીને ૪૦.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો.