વધુ સુધારા માટે જરૂરી પરિબળોની ગેરહાજરીને કારણે શૅરબજાર કન્સોલિડેશનની સ્થિતિમાં

23 August, 2012 06:00 AM IST  | 

વધુ સુધારા માટે જરૂરી પરિબળોની ગેરહાજરીને કારણે શૅરબજાર કન્સોલિડેશનની સ્થિતિમાં

શૅરબજારનું ચલકચલાણું

જોકે બજાર સાથે સંકળાયેલા તેમ જ ઍનલિસ્ટ્સનું માનવું છે કે મોટા ઉછાળા બાદ બજારમાં જો કન્સોલિડેશન જોવા મળે તો એ હેલ્ધી સાઇન છે. બજારની અન્ડરલાઇંગ સ્ટ્રેન્થ અપટ્રેન્ડની છે.

ગઈ કાલે સેન્સેક્સ ૩૮.૪૦ ઘટીને ૧૭,૮૪૬.૮૬ અને નિફ્ટી ૮.૧૫ ઘટીને ૫૪૧૨.૮૫ના લેવલે બંધ રહ્યા હતા. નિફ્ટી ૫૪૦૦ પૉઇન્ટ્સની ઉપર બંધ આવ્યો છે એ સારી બાબત છે. મિડ કૅપ ઇન્ડેક્સ ૧૨.૬૮ ઘટીને ૬૧૬૦.૧૬ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૪.૯૧ ઘટીને ૬૬૩૪.૭૭ના સ્તરે બંધ રહ્યા હતા. યુરોપિયન અને એશિયન માર્કેટ્સ પણ ઘટી હતી.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

ગઈ કાલે મુંબઈ શૅરબજારનાં સેક્ટરલ ઇન્ડાઇસિસમાં પણ મર્યાદિત વધ-ઘટ રહી હતી. ૧૩ ઇન્ડાઇસિસમાંથી ૫ વધ્યાં હતાં, જ્યારે ૮ ઘટ્યાં હતાં. હેલ્થકૅર ઇન્ડેક્સ સૌથી વધુ ૨૭.૬૨ વધીને ૭૩૬૩.૯૭ના લેવલે બંધ રહ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૨૩.૧૦ વધ્યો હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૪૨ પૉઇન્ટ્સ ઘટીને ૧૦,૦૮૪.૩૨ના સ્તરે બંધ રહ્યો હતો. ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૨૨.૯૬ ઘટ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦માંથી ૧૨ કંપનીના ભાવ વધ્યા હતા, જ્યારે ૧૮ના ઘટ્યાં હતા. ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝનો ભાવ સૌથી વધુ ૧.૦૫ ટકા વધીને ૧૬૭૬.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. ભારતી ઍરટેલનો ભાવ સૌથી વધુ ૩.૮૫ ટકા ઘટીને ૨૪૮.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. એનટીપીસીનો ભાવ ૧.૩૨ ટકા અને સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ૧.૩૨ ટકા ઘટ્યો હતો.

એનએમડીસી

એનએમડીસીનો ભાવ ૩.૩૪ ટકા વધીને ૧૮૭.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૯૦.૪૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૮૩ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. કંપનીએ વર્તમાન ક્વૉર્ટર માટે વિવિધ પ્રોડક્ટ્સના ભાવમાં ૮થી ૧૩ ટકાનો વધારો કર્યો છે. સતત બીજા ક્વૉર્ટરમાં કંપનીએ ભાવ વધાર્યા છે. આગલા ક્વૉર્ટરમાં પણ ભાવમાં ૮થી ૧૦ ટકાની વૃદ્ધિ કરી હતી.

પ્લીથિકો ફાર્મા

પ્લીથિકો ફાર્માસ્યુટિકલ્સનો ભાવ ૨૦ ટકા ઘટીને ૨૧૪.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં ભાવમાં ૩૭.૫૦ ટકાનું ગાબડું પડ્યું છે. કંપનીના પ્રમોટરોએ તેમનું સંપૂર્ણ હોલ્ડિંગ ગિરવી મૂકી દીધું છે. ઇક્વિટીમાં પ્રમોટરોનો હિસ્સો ૮૨ ટકા છે. તેમણે ૨.૭૯ કરોડ શૅર્સ ગિરવી મૂક્યા છે. જેમની પાસે શૅર્સ ગિરવી મૂક્યા છે એ લેન્ડર્સ બજારમાં શૅરનું મોટા પાયે વેચાણ કરી રહ્યા છે.

આઇએલ ઍન્ડ એફએસ

આઇએલ ઍન્ડ એફએસ એન્જિનિયરિંગ ઍન્ડ કન્સ્ટ્રક્શન કંપનીનો ભાવ ૧૯.૯૬ ટકા વધીને ૬૨.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. કંપનીને બિલ્ડિંગ્સ અને સ્ટ્રક્ચરલ સેગમેન્ટમાં ૪૯૪ કરોડ રૂપિયાના મૂલ્યના બે પ્રોજેક્ટ્સના કૉન્ટ્રૅક્ટ્સ મળ્યાં છે.

એજીસી નેટવર્ક્સ

એસ્સાર ગ્રુપની કંપની એજીસી નેટવર્ક્સનો ભાવ ૧૯.૯૯ ટકા વધીને ૩૬૪.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૩૦૮.૪૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ગઈ કાલે કંપનીના શૅર્સના ટ્રેડિંગ વૉલ્યુમમાં ૧૦ ગણો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનામાં શૅરનો ભાવ ૪૧ ટકા વધ્યો છે. ફર્સ્ટ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૨.૩૦ કરોડ રૂપિયાથી વધીને ૧૮ કરોડ રૂપિયા થયો છે. આવક ૧૯૬ કરોડ રૂપિયાથી વધીને ૨૪૬ કરોડ રૂપિયા થઈ છે.

ભારતી ઍરટેલ

ભારતી ઍરટેલનો ભાવ ૩.૮૫ ટકા ઘટીને ૨૪૮.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગ્લોબલ ફાઇનૅન્શિયલ ગ્રુપ મૉર્ગન સ્ટૅનલીએ કંપનીના શૅરને ઓવરવેઇટથી ડાઉનગ્રેડ કરીને ઇક્વલ વેઇટનું રેટિંગ આપ્યું છે. કંપનીએ ૮ ઑગસ્ટે ફર્સ્ટ ક્વૉર્ટરની નાણાકીય કામગીરી જાહેર કરી હતી. અત્યાર સુધી ભાવ ૧૫ ટકા જેટલો ઘટ્યો છે. સતત ૧૦મા ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ઘટ્યો છે. કંપનીની કામગીરી બજારની અપેક્ષા કરતાં નબળી રહી છે.

એફઆઇઆઇની લેવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૧૫૫૪.૭૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૪૫૮.૧૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૯૬.૬૪

કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૮૦૯.૯૯ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૦૪૦.૧૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૨૩૦.૧૪ કરોડ રૂપિયા જોવા મળી હતી.

૩૬ શૅર્સ ઊંચા મથાળે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૬ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના ઊંચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અતુલ, અપોલો ટાયર્સ, સાસુન ફાર્મા, વકરાંગી સૉફ્ટવેર વગેરેનો સમાવેશ છે. ૨૦ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં એશિયન ઇલેક્ટ્રિકલ્સ, કલર ચિપ્સ, યુરો સિરૅમિક્સ, બિરલા પૅસિફિક મેડસ્પાનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૩૪૧ શૅર્સના ભાવ વધ્યા હતા અને ૧૪૫૯ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.