ઇન્વેસ્ટરોની ખરીદી અને વરસાદની સ્થિતિ સુધરવાથી બજારમાં ઉછાળો

22 August, 2012 05:43 AM IST  | 

ઇન્વેસ્ટરોની ખરીદી અને વરસાદની સ્થિતિ સુધરવાથી બજારમાં ઉછાળો

શૅરબજારનું ચલકચલાણું

બજારના પ્રારંભથી જ ગઈ કાલે રોકાણકારોની લેવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી વધીને ખૂલ્યા હતા. બાદમાં રોકાણકારોની લેવાલીના સપોર્ટને કારણે સુધારો આગળ વધ્યો હતો. આ ઉપરાંત ચોમાસાની સ્થિતિમાં અપેક્ષા કરતાં સારો સુધારો થવાથી પણ બજારમાં વૃદ્ધિ જોવા મળી હતી. વરસાદની સ્થિતિ સુધરવાથી દુકાળનો ભય પણ ઓછો થયો છે. આ ઉપરાંત યુરોપિયન અને એશિયન માર્કેટ્સમાં પણ સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ગઈ કાલે પાંચ મહિનાના ઊંચા મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૬ માર્ચ પછી પ્રથમ વાર ૫૪૦૦ પૉઇન્ટ્સની ઉપર બંધ આવ્યો હતો.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ૧૯૪.૧૮ વધીને ૧૭,૮૮૫.૨૬ અને નિફ્ટી ૫૪.૭૦ વધીને ૫૪૨૧ પૉઇન્ટ્સના સ્તરે બંધ રહ્યો હતો. જોકે મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો ન હતો. મિડ કૅપ ઇન્ડેક્સ માત્ર ૧૪.૮૮ વધીને ૬૧૭૨.૮૪ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ફક્ત ૩૪.૪૩ વધીને ૬૬૪૯.૬૮ના લેવલે બંધ રહ્યા હતા.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૨માં વૃદ્ધિ થઈ હતી. માત્ર એક જ હેલ્થકૅર ઇન્ડેક્સ ફક્ત ૨.૧૭ ઘટીને ૭૩૩૬.૩૫ના સ્તરે બંધ રહ્યો હતો. ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ ૧૧૩.૨૪ વધીને ૯૬૪૮.૭૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી પાંચના ભાવ વધ્યા હતા. તાતા મોટર્સનો ભાવ સૌથી વધુ ૨.૩૭ ટકા વધીને ૨૪૬.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. અશોક લેલૅન્ડનો ભાવ સૌથી વધુ બે ટકા ઘટીને ૨૨ રૂપિયા બંધ રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૧૦૯.૬૨ વધીને ૧૦,૪૩૭.૦૮ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૮ના ભાવ વધ્યા હતા. હિન્દુસ્તાન ઝિન્કનો ભાવ સૌથી વધુ ૬.૬૯ ટકા વધીને ૧૩૨.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૪.૪૬ ટકા અને સેસાગોવાનો ૩.૪૨ ટકા વધ્યો હતો. આઇટી ઇન્ડેક્સ ૯૮.૫૫ વધીને ૫૭૧૦.૩૩ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૦ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા. ટેક મહિન્દ્રનો ભાવ સૌથી વધુ ૨.૫૩ ટકા વધીને ૮૬૯.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ઇન્ફોસિસનો ભાવ ૨.૩૭ ટકા અને ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીનો ભાવ ૨.૨૨ ટકા વધ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦માંથી ૨૩ કંપનીના ભાવ ગઈ કાલે વધ્યા હતા. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૪.૪૬ ટકા વધીને ૧૧૩.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૧.૪૫ ટકા ઘટીને ૧૧૨.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો.

૩૩ શૅરો ટૉપ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૩ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અતુલ, શ્રી સિમેન્ટ, વૉકહાર્ટ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, બજાજ કૉર્પ, ક્લેરિસ લાઇફ સાયન્સિસ વગેરેનો સમાવેશ છે. ૨૨ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં સેમટેલ કલર, જી. આર. કેબલ્સ, યુરો સિરૅમિક્સ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૩૦૪ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા. ૮૦૬ના ઘટuા હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ

વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૧૭.૦૩ ટકા વધીને ૧૭૦.૪૫ રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૭૪.૭૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૩૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૫૯ ટકા વધીને ૧૩.૭૮ કરોડ રૂપિયા થયો છે. કુલ આવક ૨૫ ટકા વધીને ૧૩૩.૩૭ કરોડ રૂપિયા થઈ છે. કંપની વિસ્તરણ અને આધુનિકીકરણ પાછળ ૩૦.૬૨ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન ધરાવે છે.

કૅનેરા બૅન્ક

કૅનેરા બૅન્કનો ભાવ ૩.૮૦ ટકા ઘટીને ૩૪૪.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૫૫.૮૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં કંપનીની કામગીરી અપેક્ષા કરતાં સારી નથી રહી. ચોખ્ખો નફો ૬.૮૦ ટકા અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ માત્ર ૨.૮૦ ટકા વધી છે.

ક્લેરિસ લાઇફસાયન્સિસ

ક્લેરિસ લાઇફસાયન્સિસનો ભાવ ગઈ કાલે ૧.૭૫ ટકા વધીને ૨૨૧.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. ભાવ છેલ્લા એક વર્ષના ઊંચા લેવલે પહોંચ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૪૪.૩૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૧૬.૫૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. વિદેશી રોકાણકારો ઓપન માર્કેટમાંથી કંપનીના શૅર્સ ખરીદી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં ભાવ ૫૧ ટકા જેટલો વધ્યો છે.

ગ્લોડિન ટેક્નૉસર્વ

ગ્લોડિન ટેક્નૉસર્વનો ભાવ ૪.૯૫ ટકા ઘટીને ૧૦૧.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. પ્રમોટરોએ ૮૧ ટકા શૅર ગિરવી મૂક્યા છે. આ શૅર્સ બજારમાં વેચાવા માટે આવી રહ્યા છે એટલે ભાવ સતત ઘટી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ભાવ ૭૦ ટકા જેટલો ઘટ્યો છે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૨૨૦.૯૧ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૦૭૯.૫૪ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૧૪૧.૩૭ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૦૨૨.૭૩ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૬૪.૩૭ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૪૧.૬૪ કરોડ રૂપિયા રહી હતી.

ટાયર્સ શૅરોમાં ઉછાળો

નૅચરલ રબરના ભાવ ઘટીને ૨૩ મહિનાના નીચા લેવલે પહોંચી ગયા છે. રબરના ભાવ ઘટવાથી ટાયર કંપનીઓની નફાશક્તિમાં  નોંધપાત્ર વૃદ્ધિ થવાની ગણતરીએ ગઈ કાલે ટાયર કંપનીઓના ભાવ વધ્યા હતા. સિયાટનો ભાવ ૯.૪૩ ટકા વધીને ૧૨૦.૦૫ રૂપિયા, જે.કે. ટાયર ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝનો ૭.૦૪ ટકા વધીને ૧૧૫.૬૦ રૂપિયા, ફાલ્કન ટાયર્સનો ૬.૯૯ ટકા વધીને ૨૭.૫૫ રૂપિયા, ગુડયર ઇન્ડિયાનો ૨.૯૫ ટકા વધીને ૩૪૭ રૂપિયા અને અપોલો ટાયર્સનો ભાવ ૪.૨૨ ટકા વધીને ૯૫.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો.