વૈશ્વિક બજારોમાં સુધારો ને વ્યાપક ખરીદીને પગલે માર્કેટમાં મોટો જમ્પ

07 August, 2012 05:43 AM IST  | 

વૈશ્વિક બજારોમાં સુધારો ને વ્યાપક ખરીદીને પગલે માર્કેટમાં મોટો જમ્પ

શૅરબજારનું ચલકચલાણું

જોકે મહત્વની વાત એ છે કે અગાઉની જેમ બપોર પછી બજારમાં ઘટાડો થવાને બદલે વ્યાપક ખરીદીને પગલે ઉછાળો બજાર બંધ થયું ત્યાં સુધી જળવાઈ રહ્યો હતો. આને કારણે સેન્ટિમેન્ટમાં પણ સુધારો જોવા મળ્યો છે. હવે આગામી દિવસોમાં આ ઉછાળો કેટલો જળવાઈ રહે છે એ જોવાનું રહેશે.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે ૨૫૧.૦૩ વધીને ૧૭,૪૧૨.૯૬ અને નિફ્ટી ૬૬.૮૫ વધીને ૫૨૮૨.૫૫ના લેવલે બંધ રહ્યા હતા. મિડ કૅપ ઇન્ડેક્સ માત્ર ૩૨.૪૪ વધીને ૬૧૦૪.૯૭ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ફક્ત ૫૧.૫૧ વધીને ૬૫૯૭.૨૧ના સ્તરે બંધ રહ્યા હતા. ગઈ કાલે બજારમાં જે વૃદ્ધિ જોવા મળી હતી એ સેન્સેક્સ અને નિફ્ટીમાં સમાવિષ્ટ અગ્રણી કંપનીઓમાં જ હતી. જ્યારે મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅર્સના ભાવમાં મોટી તેજી જોવા મળી નહોતી.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ૨૧ના ભાવ વધ્યા હતા, જ્યારે ૯ના ઘટ્યાં હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૫.૭૧ ટકા વધીને ૭૮૫.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા મોટર્સનો ભાવ ૩.૫૧ ટકા અને ગેઇલ ઇન્ડિયાનો ૨.૪૯ ટકા વધ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

ગઈ કાલે મુંબઈ શૅરબજારનાં ૧૩માંથી ૧૦ સેક્ટરલ ઇન્ડાઇસિસમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે ત્રણમાં ઘટાડો થયો હતો.

ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ સૌથી વધુ ૨૪૫.૮૯ વધીને ૮૩૫૨.૦૧ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી પાંચ કંપનીના ભાવ વધ્યા હતા. મુકેશ અંબાણી જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૫.૭૧ ટકા વધીને ૭૮૫.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટનો ભાવ ૪.૩૪ ટકા અને ગેઇલ ઇન્ડિયાનો ૨.૪૯ ટકા વધ્યો હતો.

બૅન્કેક્સ ૧૬૩.૧૯ વધીને ૧૧,૯૯૮.૧૭ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૦ના ભાવ વધ્યા હતા. કોટક મહિન્દ્ર બૅન્કનો ભાવ સૌથી વધુ ૨.૫૧ ટકા વધીને ૫૬૦.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. ઍક્સિસ બૅન્કનો ભાવ ૨.૧૯ ટકા વધ્યો હતો.

ઑટો ઇન્ડેક્સ ૧૫૩.૫૭ વધીને ૯૧૭૨.૫૭ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૦ કંપનીના ભાવ વધ્યા હતા. તાતા મોટર્સનો ભાવ સૌથી વધુ ૩.૫૧ ટકા વધીને ૨૨૮.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. ભારત ર્ફોજનો ભાવ ૨.૧૮ ટકા વધ્યો હતો.

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧૩૩.૨૮ વધીને ૯૮૭૦.૫૮ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯માંથી ૧૦ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. આશિયા બ્રાઉન બોવેરીનો ભાવ સૌથી વધુ ૨.૧૮ ટકા વધીને ૭૯૭.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. પીપાવાવ ડિફેન્સનો ભાવ સૌથી વધુ ૨૧.૬ ટકા ઘટીને ૬૧.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો.

૨૦ શૅર્સ ઊંચા મથાળે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૨૦ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં બાટા ઇન્ડિયા, એચડીએફસી બૅન્ક, બજાજ કૉર્પ, ઍલેમ્બિક ફાર્મા વગેરેનો સમાવેશ છે.

૧૬ કંપનીના ભાવ છેલ્લા એક વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં જી. આર. કેબલ્સ, કિંગફિશર ઍરલાઇન્સ, યુરો સિરેમિક્સ, સી. મહિન્દ્ર એક્સર્પોટ્સ વગેરેનો સમાવેશ છે.

મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૬૭૬ કંપનીના શૅર્સના ભાવ વધ્યા હતા અને ૧૧૬૨ના ભાવ ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

એસકેએસ માઇક્રો ફાઇનૅન્સ

એસકેએસ માઇક્રો ફાઇનૅન્સનો ભાવ ગઈ કાલે ૧૦.૦૪ ટકા વધીને ૯૯.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૦૪.૨૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૯૨.૪૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. છેલ્લા એક મહિનામાં શૅરનો ભાવ ૩૮ ટકા જેટલો વધ્યો છે.

જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ફર્સ્ટ કવૉર્ટરમાં કંપનીની ખોટ ઘટીને ૩૯ કરોડ રૂપિયા થઈ છે. આગલા વર્ષે આ સમયગાળામાં ખોટ ૨૧૯ કરોડ રૂપિયા થઈ હતી.

રિલાયન્સ મિડિયા વર્ક્સ

અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ મિડિયા વર્ક્સના શૅરનો ભાવ ૨૦ ટકા વધીને ૬૬.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. કંપનીએ એના બિઝનેસિસનું બે ડિવિઝનમાં રિસ્ટ્રક્ચરિંગ કરવાની જાહેરાત કરી છે. આ બે ડિવિઝન્સ ફિલ્મ અને મિડિયા સર્વિસિસ તેમ જ એક્ઝિબિશનનાં હશે. આ બન્ને ડિવિઝન્સ માટે બે અલગ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર્સની નિમણૂક કરવામાં આવી છે.

કેસ્ટ્રોલ ઇન્ડિયા

કેસ્ટ્રોલ ઇન્ડિયાનો ભાવ ૩.૫૫ ટકા વધીને ૬૨૫.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૬૩૪ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૧૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.

છેલ્લા છ દિવસમાં ભાવમાં ૧૪ ટકા વૃદ્ધિ થઈ છે. કંપનીએ એક શૅર સામે એક બોનસ શૅરની જાહેરાત કરી છે. આ ઉપરાંત ડિસેમ્બર ૨૦૧૨માં પૂરા થનારા વર્ષ માટે ૭૦ ટકા ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

વૉકહાર્ટ લિમિટેડ

વૉકહાર્ટ લિમિટેડનો ભાવ ૪.૨૭ ટકા વધીને ૧૦૫૩.૭૫ રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૦૮૪.૬૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૦૨૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.

ફર્સ્ટ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૯૫ ટકા વધીને ૩૭૮ કરોડ રૂપિયા અને ઑપરેટિંગ નફો ૬૨ ટકા વધીને ૫૧૧ કરોડ રૂપિયા થયો છે. આવક ૩૫ ટકા વધીને ૧૪૩૫ કરોડ રૂપિયા થયું છે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૧૭૩૮.૧૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૮૨.૪૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૫૫૫.૭૩ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૮૭૬.૮૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૮૮૧.૦૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ફક્ત ૪.૨૩ કરોડ રૂપિયા જોવા મળી હતી.

એસકેએસ = સ્વયં કૃષિ સંગમ,  એચડીએફસી = હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન, એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર

આજે પણ બજારમાં ઉછાળો જોવા મળશે

સેન્સેક્સમાં ગઈ કાલે ૨૧૫ પૉઇન્ટ્સનો જમ્પ જોવા મળ્યો હતો. આજે પણ બજારમાં મોટો ઉછાળો જોવા મળવાની અપેક્ષા છે. ગઈ કાલે નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ઇકૉનૉમીના રિવાઇવલ તેમ જ ઇન્વેસ્ટર્સ કૉન્ફિડન્સ પાછો મેળવવા માટે પૉલિસિસમાં સુધારાની તેમ જ બજેટમાં બજાર માટે કરવેરાની જે પ્રતિકૂળ જોગવાઈઓની જાહેરાત કરવામાં આવી હતી એનો રિવ્યુ કરવાની પણ વાત કરી હતી.

બજાર સાથે સંકળાયેલા વર્ગનું માનવું છે કે નાણાપ્રધાનની આવી જાહેરાતને કારણે બજારમાં આજે પણ સુધારો જોવા મળશે.

ઓડિશા મિનરલ્સના ભાવમાં જમ્પ

જાહેર ક્ષેત્રની કંપની ઓડિશા મિનરલ્સ ડેવલપમેન્ટ કંપનીના શૅરનો ભાવ ગઈ કાલે પાંચ ટકા વધીને ૫૭,૫૧૬.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. છેલ્લાં નવ ટ્રેડિંગ સેશનમાં શૅરના ભાવમાં ૯૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

કંપનીની બૉર્ડ મીટિંગ શુક્રવારે મળવાની છે એમાં બોનસ શૅર્સ આપવાની તેમ જ ૧૦ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅરનું એક રૂપિયાની મૂળ કિંમત ધરાવતા ૧૦ શૅર્સમાં વિભાજન કરવાની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત બિસરા સ્ટોન લાઇમ લિમિટેડનું કંપનીમાં મર્જર કરવામાં આવશે અને જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ફર્સ્ટ ક્વૉર્ટરનાં નાણાકીય પરિણામોની જાહેરાત કરવામાં આવશે.