બજારમાં ઉછાળો આવે એવાં ટ્રિગર્સની ગેરહાજરીથી સેન્સેક્સમાં આવી સુસ્તી

03 August, 2012 06:13 AM IST  | 

બજારમાં ઉછાળો આવે એવાં ટ્રિગર્સની ગેરહાજરીથી સેન્સેક્સમાં આવી સુસ્તી

શૅરબજારનું ચલકચલાણું

શૅરબજારમાં મોટો સુધારો આવે એવાં ટ્રિગર્સની ગેરહાજરીને કારણે ગઈ કાલે બજારમાં નિષ્ક્રિયતા જેવી સ્થિતિ જોવા મળી હતી. અમેરિકન ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અર્થતંત્રના રિવાઇવલ માટે પગલાં લેશે એવી અપેક્ષાએ છેલ્લા ચાર દિવસથી બજારમાં વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ ગઈ કાલે બજાર ઘટ્યું હતું. અમેરિકાની સેન્ટ્રલ બૅન્ક ફેડરલ રિઝર્વે રેટ્સમાં કોઈ જ ફેરફાર નથી કર્યા. ભારતમાં રિઝર્વ બૅન્કે પણ પૉલિસી રેટ્સમાં મંગળવારે કોઈ જ ફેરફાર કર્યા નહોતા. હવે બજારની નજર યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગ પર છે. એ શું પગલાં જાહેર કરે છે એના આધારે આજે બજારમાં મૂવમેન્ટ જોવા મળશે.

છેલ્લાં ચાર ટ્રેડિંગ-સેશનમાં સેન્સેક્સ ૬૦૦ પૉઇન્ટ્સ જેટલો વધ્યો હતો એ ગઈ કાલે ૩૩.૦૨ ઘટીને ૧૭,૨૨૪.૩૬ અને નિફ્ટી ૧૨.૭૫ ઘટીને ૫૨૨૭.૭૫ના લેવલે બંધ રહ્યા હતા. મિડ કૅપ ઇન્ડેક્સ ૧૩.૮૯ વધીને ૬૦૮૩.૫૬ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩૦.૪૯ વધીને ૬૫૫૦.૭૯ના સ્તરે બંધ રહ્યા હતા.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે પાંચ વધ્યા હતા, જ્યારે આઠમાં ઘટાડો થયો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૭૨.૨૧ વધીને ૬૩૯૦.૯૭ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી પાંચ કંપનીના ભાવ વધ્યા હતા. ટાઇટન ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૩૦ ટકા વધીને ૨૨૬.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૬૬.૭૦ વધીને ૯૭૬૯.૬૪ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯માંથી ૧૨ કંપનીના ભાવ વધ્યા હતા.

ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ સૌથી વધુ ૭૮.૧૨ ઘટીને ૮૦૫૧.૩૪ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૮ કંપનીના ભાવ ઘટ્યાં હતા. કેઇર્ન ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૧૩ ટકા ઘટીને ૩૩૦.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. બૅન્કેક્સ ૪૨.૭૩ ઘટીને ૧૧,૯૦૮.૭૯ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૦ના ભાવ ઘટ્યાં હતા. ઇન્ડસઇન્ડ બૅન્કનો ભાવ સૌથી વધુ ૧.૩૬ ટકા ઘટીને ૩૨૬ રૂપિયા બંધ રહ્યો હતો.

૧૬ શૅર્સ ઊંચા મથાળે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૬ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ટીટીકે પ્રેસ્ટિજ, ઍલેમ્બિક ફાર્મા, ઑલિમ્પિક કાર્ડ્સ, વીકેએસ પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

૧૬ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીમાં સી. મહિન્દ્ર એક્સર્પોટ્સ, રિસર્જર માઇન્સ ઍન્ડ મિનરલ્સ, ડેક્કન ક્રૉનિકલ, કિંગફિશર ઍરલાઇન્સ, સેજલ ગ્લાસ વગેરેનો સમાવેશ થાય છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૫૦૮ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૧૭૯ના ભાવમાં ઘટાડો થયો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ગઈ કાલે ૧૯ના ભાવ ઘટ્યાં હતા અને ૧૧ના વધ્યા હતા. તાતા મોટર્સનો ભાવ સૌથી વધુ ૧.૮૦ ટકા ઘટીને ૨૨૩.૨૦ રૂપિયા અને એનટીપીસીનો સૌથી વધુ ૩.૭૮ ટકા વધીને ૧૬૩.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો.

એનઆઇઆઇટી ટેક્નૉલૉજીઝ

એનઆઇઆઇટી ટેક્નૉલૉજીઝનો ભાવ ૫.૧૫ ટકા ઘટીને ૨૮૨.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૨.૬૭ રૂપિયા અને વધીને ઊંચામાં ૩૦૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કુલ ટ્રેડિંગ ૧૫૬.૦૨ કરોડ રૂપિયાનું થયું હતું અને ૫૭.૭૦ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. કંપનીના બે પ્રમોટરો રાજેન્દ્ર એસ. પવાર અને વિજય કે. થડાણીએ ૪૪.૩૬ લાખ શૅર્સ ૧૨૦ કરોડ રૂપિયામાં વેચ્યા હતા. આ શૅર્સ કંપનીની ઇક્વિટીના ૭.૪૦ ટકા જેટલા હતા. કંપનીની ઇક્વિટીમાં પ્રમોટર ગ્રુપનો હિસ્સો ૩૧ ટકા કરતાં વધુ રહેશે. પ્રમોટરો આ પૈસાનો વપરાશ એનઆઇઆઇટી યુનિવર્સિટીના એક્સપાન્શન પ્લાનના ફન્ડિંગ માટે કરશે.

ડેક્કન ક્રૉનિકલ

ડેક્કન ક્રૉનિકલ હોલ્ડિંગ્સના શૅરનો ભાવ ગઈ કાલે વધુ ૪.૬૬ ટકા ઘટીને ૧૩.૩૦ રૂપિયાના નવા નીચા લેવલે પહોંચ્યો હતો. હૈદરાબાદના કાર્વી ગ્રુપે કંપનીના પ્રમોટરો સામે ફૉર્જરી અને મિસરિપ્રેઝન્ટેશનના આક્ષેપ મૂકીને પોલીસ-ફરિયાદ કરી હોવાના સમાચારે શૅરનો ભાવ સતત ઘટી રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં ભાવમાં પંચાવન ટકા જેટલું ગાબડું પડ્યું છે.

ફેરફીલ્ડ ઍટલસ

ઑટોમોટિવ ટ્રાન્સમિશન ગિયર્સ અને ગિયર-બૉક્સિસનું ઉત્પાદન કરતી કંપની ફેરફીલ્ડ ઍટલસના શૅરનો ભાવ ૬.૨૫ ટકા વધીને ૧૫૯.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૬૩.૬૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૪૬.૧૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૩.૬૯ કરોડ રૂપિયાથી ૧૭૬ ટકા વધીને ૧૦.૧૮ કરોડ રૂપિયા થયો છે. કુલ આવક ૩૧ ટકા વધીને ૬૬.૮૧ કરોડ રૂપિયા થઈ છે.

કમિન્સ ઇન્ડિયા

કમિન્સ ઇન્ડિયાનો ભાવ ૬.૭૯ ટકા વધીને ૪૬૭.૩૫ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૪૩૧.૪૫ રૂપિયા અને વધીને ઊંચામાં ૪૭૫.૮૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કંપનીની કામગીરી ઍનલિસ્ટ્સ અને બજારની અપેક્ષા કરતાં સારી રહી છે. ૧૫૦ કરોડ રૂપિયાના ચોખ્ખા નફાના અંદાજ સામે ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૧૮૦.૫૫ રૂપિયા થયો છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૧૭૭.૧૭ કરોડ રૂપિયા થયો હતો. આવક ૧૦૬૧.૮૦ કરોડ રૂપિયાથી ૨૨ ટકા વધીને ૧૨૯૭.૨૪ કરોડ રૂપિયા થઈ છે.

એફઆઇઆઇની લેવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૧૬૫૩.૬૩ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૫૧૩.૫૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૧૪૦.૧૩ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૮૩૮.૩૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૯૦૪.૮૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૬૬.૪૮ કરોડ રૂપિયા જોવા મળી હતી.

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર

એનટીપીસી = નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન

ગોલ્ડાઇન ટેક્નૉસર્વના ભાવમાં ૫૯ ટકાનો કડાકો

ટેક્નૉલૉજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપની ગોલ્ડાઇન ટેક્નૉસર્વના શૅરનો ભાવ ગઈ કાલે ૪.૯૮ ટકા ઘટીને ૧૭૮.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. છેલ્લા એક મહિના જેટલા સમયગાળામાં ભાવ ૫૭ ટકા ઘટ્યો છે. ૩ મે ૨૦૧૨ના રોજ શૅરનો ભાવ છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે ૪૩૪.૯૫ રૂપિયા હતો. એની સરખામણીએ ત્રણ મહિનામાં ભાવ ૫૯ ટકા ઘટ્યો છે.

માર્ચ ૨૦૧૨ના અંત સુધીમાં કંપનીના પ્રમોટરોએ ૮૪ ટકા શૅર્સ ગિરવી મૂક્યા હતા. માર્જિન કૉલના પ્રેશરને કારણે રોકાણકારો છેલ્લા કેટલાક દિવસથી શૅર્સનું મોટા પાયે વેચાણ કરી રહ્યા છે. એવા સમાચાર છે કે કંપનીની વાર્ષિક સામાન્ય સભા ૨૪ જુલાઈએ રાખવાની હતી, પરંતુ એ મોકૂફ રાખી છે અને હવે ઑગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં મળશે.