ગ્લોબલ માર્કેટ્સમાં સ્ટેબિલિટીને કારણે શૅરબજારમાં રિકવરી

01 August, 2012 05:45 AM IST  | 

ગ્લોબલ માર્કેટ્સમાં સ્ટેબિલિટીને કારણે શૅરબજારમાં રિકવરી

શૅરબજારનું ચલકચલાણું

રિઝર્વ બૅન્કે ગઈ કાલે મૉનિટરી પૉલિસીના રિવ્યુમાં પૉલિસી રેટ્સમાં ઘટાડો ન કર્યો, ફુગાવાના અંદાજમાં વધારો કર્યો અને ગ્રોથરેટનો અંદાજ ઘટાડ્યો એને પગલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ગ્લોબલ માર્કેટ્સમાં સ્ટેબિલિટીને પગલે બજારમાં રિકવરી જોવા મળી હતી અને સેન્સેક્સ સતત ત્રીજા દિવસે વધીને બંધ રહ્યો હતો.

યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને ફેડરલ રિઝર્વ વૈશ્વિક અર્થતંત્રના રિવાઇવલ માટે વધુ પગલાં લેશે એવી અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં સ્ટેબિલિટી જોવા મળી હતી. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ૯૨.૫૦ વધીને ૧૭,૨૩૬.૧૮ના લેવલે બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ કુલ ૧૪૦ પૉઇન્ટ્સ ઘટ્યો હતો. નીચામાં સેન્સેક્સ ૧૭,૦૦૪.૦૯ અને ઊંચામાં ૧૭,૨૫૩.૬૭ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સે ૧૭,૦૦૦ પૉઇન્ટ્સનું લેવલ તોડ્યું ન હતું.

નિફ્ટી પણ ૫૨૦૦ પૉઇન્ટ્સના સાયકૉલૉજિકલ લેવલની ઉપર જ બંધ રહ્યો હતો. નિફ્ટી ૨૯.૨૦ વધીને ૫૨૨૯ પૉઇન્ટ્સના સ્તરે બંધ રહ્યો હતો. આરબીઆઇએ મૉનિટરી પૉલિસીમાં જે નિર્ણય લીધો છે એને કારણે ઇન્ડસ્ટ્રી કે ઇકૉનૉમીના ગ્રોથમાં મોમેન્ટમની અપેક્ષા નથી. મિડ કૅપ ઇન્ડેક્સ ૩૪.૪૪ વધીને ૬૦૧૨.૨૮ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ માત્ર ૮.૧૦ વધીને ૬૪૪૭.૮૯ના સ્તરે બંધ રહ્યા હતા.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

ગઈ કાલે મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૧૦ વધ્યાં હતાં, જ્યારે ત્રણમાં ઘટાડો નોંધાયો હતો. ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૪૪.૫૬ વધીને ૮૧૫૮.૧૮ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૭ કંપનીના ભાવ વધ્યા હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમનો ભાવ સૌથી વધુ ૩.૩૩ ટકા વધીને ૩૪૪.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. ઓએનજીસીનો ભાવ ૩.૩૪ ટકા અને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનનો ૩.૦૫ ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૭૦.૬૭ વધીને ૧૦,૪૭૭.૬૧ અને હેલ્થકૅર ઇન્ડેક્સ ૪૮.૯૬ વધીને ૭૧૪૧.૬૪ના સ્તરે બંધ રહ્યો હતો.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૧૧૭.૭૭ ઘટીને ૬૨૯૬.૮૫ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૬ કંપનીના ભાવ વધ્યા હતા. બ્લુસ્ટારનો ભાવ સૌથી વધુ ૩.૩૧ ટકા વધીને ૧૯૨ રૂપિયા અને ટાઇટન ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૪.૨૪ ટકા ઘટીને ૨૨૨.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ૧૭ના ભાવ વધ્યા હતા, જ્યારે ૧૩ના ઘટ્યાં હતા. ઓએનજીસીનો ભાવ સૌથી વધુ ૩.૩૪ ટકા વધીને ૨૮૫.૮૦ રૂપિયા અને ભારતી ઍરટેલનો ભાવ સૌથી વધુ ૨.૭૭ ટકા ઘટીને ૩૦૦.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો.

બૅન્કિંગ સેક્ટર

બૅન્કેક્સ ૩૨.૯૬ ઘટીને ૧૧,૯૧૦.૪૬ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪માંથી ૭ બૅન્કના ભાવ વધ્યા હતા અને ૭ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. કૅનેરા બૅન્કનો ભાવ સૌથી વધુ ૨.૦૭ ટકા વધીને ૩૬૫.૭૫ રૂપિયા અને બૅન્ક ઑફ બરોડાનો સૌથી વધુ ૨.૪૬ ટકા ઘટીને ૬૫૬.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો.

૨૨ શૅર્સ ટૉપ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૨૨ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. એમાં લુપિન, ગુજરાત હોટેલ્સ, રિલેક્સો ફૂટવેર, ઑલિમ્પિક કાર્ડ્સ, વીકેએસ પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ છે. ૨૧ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા એમાં ડેક્કન ક્રોનિકલ, સૂર્યચક્ર પાવર, સેજલ ગ્લાસ, સી. મહિન્દ્ર એક્સર્પોટ્સ, ત્રિભોવન ભીમજી ઝવેરી વગેરેનો સમાવેશ છે.

મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૪૩૫ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૨૯૬ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

સ્પાઇસ જેટ

સ્પાઇસ જેટનો ભાવ ગઈ કાલે વધુ ૪.૨૧ ટકા વધીને ૩૨.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૩.૪૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૧.૬૦ રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો. ૧૦૯.૦૯ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. કુલ ૩૫.૨૭ કરોડ રૂપિયાનું ટ્રેડિંગ થયું હતું. બિલ્યનેર અને અગ્રણી ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ કંપનીના ૨૫ લાખ શૅર શૅરદીઠ ૩૦.૭૭ રૂપિયાના ભાવે કુલ ૭.૬૯ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

ભારતી ઍરટેલ

ભારતી ઍરટેલનો ભાવ ૨.૭૭ ટકા ઘટીને ૩૦૦.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૧૧.૪૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૯૯ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કુલ ૧૦.૭૧ કરોડ રૂપિયાનાં કામકાજ થયાં હતાં. ૩.૫૫ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું.

બ્લુસ્ટાર

બ્લુસ્ટારના શૅરનો ભાવ ૩.૩૧ ટકા વધીને ૧૯૨ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૯૪.૨૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૮૪.૯૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ફર્સ્ટ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૯.૭૯ કરોડ રૂપિયાથી ૧૧૦ ટકા વધીને ૨૦.૫૪ કરોડ રૂપિયા થયો છે. આવક ૭૦૪.૦૩ કરોડ રૂપિયાથી માત્ર ૪ ટકા વધીને ૭૩૧.૪૨ કરોડ રૂપિયા થઈ છે.

આરબીઆઇ = રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

ઓએનજીસી = ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન