ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓની કામગીરી નબળી રહેવાની શક્યતા

29 July, 2012 04:44 AM IST  | 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓની કામગીરી નબળી રહેવાની શક્યતા

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અગ્રણી કંપનીઓની ફર્સ્ટ ક્વૉર્ટરમાં નાણાકીય કામગીરી પ્રોત્સાહજનક રહેવાની અપેક્ષા નથી. આ કંપનીઓના વેચાણમાં વધારો થશે, પરંતુ ચોખ્ખા નફામાં ઘટાડો થવાની ગણતરી છે.

વર્તમાન પ્રોજેક્ટ્સના અમલીકરણમાં વિલંબ, નવા ઑર્ડર્સમાં ઘટાડો તેમ જ ઊંચા વ્યાજદરને કારણે ઇન્ટરેસ્ટ કૉસ્ટમાં વધારો થવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓની કામગીરી સારી રહેવાની અપેક્ષા નથી. અગ્રણી બ્રોકરેજ હાઉસ નર્મિલ બંગ ઇક્વિટીઝના રિપોર્ટ મુજબ અગ્રણી ચાર કંપનીઓની આવક જૂન ૨૦૧૧માં પૂરા થયેલા ક્વૉર્ટરની સરખામણીએ જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં ૧૫ ટકા વધીને ૧૧,૫૧૩.૯૦ કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો ૨૪.૫૦ ટકા ઘટીને ૩૬૨.૭૦ કરોડ રૂપિયા જેટલો થવાનો અંદાજ છે.

વેચાણ

નર્મિલ બંગ ઇક્વિટીઝના રિપોર્ટ મુજબ જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં આરબીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વેચાણ ૭.૮૦ ટકા વધીને ૮૬૩.૫૦ કરોડ રૂપિયા, જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ૧૦.૪૦ ટકા વધીને ૨૦૫૭.૨૦ કરોડ રૂપિયા, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ૨૧.૪૦ ટકા વધીને ૬૩૦૩.૯૦ કરોડ રૂપિયા અને આઇવીઆરસીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ૧૨.૪૦ ટકા વધીને ૧૨૬૦.૮૦ કરોડ રૂપિયા જેટલું થવાનો અંદાજ છે.

ચોખ્ખો નફો

આઇઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ચોખ્ખો નફો ૧૧.૪૦ ટકા ઘટીને ૧૧૯ કરોડ રૂપિયા અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ૨૩ ટકા ઘટીને ૩૧૨ કરોડ રૂપિયા જેટલો થવાની ગણતરી છે. આઇઆરસીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ચોખ્ખો નફો ૫૫.૫૦ ટકા વધીને ૬.૬૦ કરોડ રૂપિયા જેટલો થશે. જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૫૮.૩૦ કરોડ રૂપિયાની ખોટ કરે એવી ગણતરી છે.