બજારની દિવાળીનો આધાર ગ્લોબલ ફટાકડા ફૂટવા પર

17 October, 2011 09:01 PM IST  | 

બજારની દિવાળીનો આધાર ગ્લોબલ ફટાકડા ફૂટવા પર



(શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા)

હજી ગયા સપ્તાહમાં શૅરબજારમાં ફરી ગંભીરપણે ગ્લોબલ ક્રાઇસિસની વાતો ચાલી રહી હતી અને બજાર વધુ તૂટી જવાની અને કમસે કમ ૧૪ હજાર સુધી જવાની ભીતિ વ્યક્ત થતી હતી એને બદલે વીતેલા સપ્તાહમાં બજાર કૂદકા મારી રહેલું જોવા મળ્યું. ગયા બુધવારે તો સેન્સેક્સ ૧૭ હજારની નજીક પણ પહોંચી ગયો અને ગુરુવારે ૧૭ હજારની ઉપર પણ ગયો હતો. એક સપ્તાહમાં જ આશરે એક હજાર પૉઇન્ટ વધી ગયું. અમે પહેલાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે બજારની ચાલ બદલાતી રહે છે, એ અત્યારે સમાચાર કે સેન્ટિમેન્ટને વધુ અનુસરે છે. ગ્લોબલ ક્રાઇસિસ હજી પતી નથી. એમ છતાં એના સમાચાર પર જે રીતે બજાર તૂટતું હતું એ સમાચાર ડિસ્કાઉન્ટ થઈ જતાં હવે અસરહીન થઈ ગયું છે અને વિદેશોનાં બજારો વધવા પર અહીં પણ વધવા લાગે છે. શું બજારનો આ તેજીતરફી ટ્રેન્ડ દિવાળી સુધારી નાખશે? અચાનક બજાર ઊંચે કેમ જવા લાગ્યું? શું હવે કરેક્શન પાછું આવશે કે હજી વધતું જ રહેશે? તો હવે બજાર પાછું ઘટવાની રાહ જોવી કે પછી જે છે એ લેવલે ખરીદી શરૂ કરી દેવી અથવા પછી હવે નફો બુક કરી લેવામાં સાર છે? આવા અનેકવિધ સવાલો ઊભા થઈ ગયા છે.

રોકાણકારો ફરી મૂંઝવણમાં

છેલ્લા કેટલાક દિવસોથી બજારનો બહુ મોટો વર્ગ બજાર વધુ ઘટે તો દિવાળીનું ડિસ્કાઉન્ટ સેલ ગણી ખરીદી કરવાનો સમય નજીક આવી ગયો હોવાનું માનતો હતો, પરંતુ થયું છે એવું કે બજાર ઘટવાને બદલે વધી ગયું છે. તો હવે પછી બૉટમ શું રહેશે? રોકાણકારો માની રહ્યા છે કે હવે બૉટમ બહુ નીચે મૂકી શકાશે નહીં એ તો સ્પષ્ટ થઈ ગયું છે. પરિણામે રોકાણકારોનો અમુક વર્ગ પોતે નીચા ભાવે ખરીદવાનું ચૂકી ગયો હોવાનું પણ માનવા લાગ્યો છે, જ્યારે કેટલોક વર્ગ હવે પછી પાછો બજાર ઘટવાની રાહમાં ઊભો રહી ગયો છે. જોકે આ મૂંઝવણ સારી છે, કેમ કે એને લીધે રોકાણકારો કોઈ આડેધડ નર્ણિય લેશે નહીં તેમ જ સમજી-વિચારીને આગળ વધશે.

આ ઉછાળા કામચલાઉ હોઈ શકે

આ સમજવાની-વિચારવાની વાત આવી છે ત્યારે એ યાદ રાખો કે આ ઉછાળા છેતરામણા પણ સાબિત થઈ શકે છે. બજાર જે ગતિએ અચાનક વધ્યું છે એ જ ગતિએ પુન: ઘટી પણ શકે છે. ગ્લોબલ ક્રાઇસિસ વધુ ગંભીર બની જવાની સંભાવના વ્યક્ત થાય છે. જાણકારો ત્યાં સુધી કહે છે કે ૨૦૦૮ની કટોકટી કંપનીઓની હતી જેમાં લીમન બ્રધર્સ સહિત અનેક કંપનીઓ-બૅન્કોએ ઉઠમણાં નોંધાવ્યાં હતાં, જ્યારે આ વખતે કન્ટ્રીઝ (રાષ્ટ્રો) ક્રાઇસિસમાં હોવાનું બહાર આવ્યું છે. આખા ને આખા દેશો દેવાના ડુંગર તળે છે. વાસ્તે આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે અને કેટલો આવે છે એ જોવું રહ્યું. ઇન શૉર્ટ, આપણા બજારને વધુ ખતરો બહારનો એટલે કે અન્ય દેશોનો છે. આપણા બજારમાં સ્થાનિક સ્તરે એકંદરે સુધારાતરફી સંજોગો છે.

વૈશ્વિક ક્રાઇસિસમાં ભારતને તક

નિષ્ણાતો કહે છે કે અત્યારે જ્યારે અમેરિકા અને યુરોપના દેશો તકલીફમાં છે ત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી તરીકે ભારતને ઇન્વેસ્ટમેન્ટ આકર્ષવાની વધુ તકો છે. ભારત પોતાના આર્થિક સુધારા ઝડપથી આગળ વધારીને આ કામ વહેલી તકે કરે એ સમયનો તકાજો છે. જે અન્ય દેશોની નબળાઈ છે એને આપણી શક્તિ બનાવવી જોઈએ. અર્થતંત્રના અભ્યાસીઓ કહે છે કે ભારતે અમેરિકા, યુરોપ જેવા દેશો પરની નિર્ભરતા ઘટાડતાં રહેવું જોઈએ તેમ જ આફ્રિકા અને એશિયન બજારો પર ધ્યાન વધારતાં રહેવું જોઈએ. આ દિશામાં સરકાર સક્રિય બની છે અને તાજેતરમાં જ નિકાસકારોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે તેમ જ વધુ માટે તૈયારી બતાવે છે, જેથી તેમની સ્પર્ધાશક્તિને ટેકો મળે. આ ઉપરાંત દેશમાં વધુ રોકાણ આવતું રહે એ માટે વીમા સહિત ફાઇનૅન્શિયલ સેક્ટરના સુધારા, કામદાર ધારાના સુધારા, રીટેલ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) સંબંધી રિફૉર્મ અમલમાં મૂકવાં જોઈએ. જગતને ભારત દેશ ઇન્વેસ્ટમેન્ટ માટે સેફ-સલામત ડેસ્ટિનેશન લાગે એ માટે કેટલાક વ્યાપક અને વ્યવહારુ સુધારા જરૂરી છે જે ભારતને વધુ સક્ષમ બનાવવાની ભૂમિકા ભજવશે એવી આશા છે.