તમામ સેક્ટોરલના ઘટાડા સાથે સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ ડૂલ

25 April, 2026 07:57 AM IST  |  Mumbai | Anil Patel

ચેન્નઈ પેટ્રોના નફામાં ૧૮૯ ટકા ઉછાળા સાથે શૅરદીઠ ૫૪નું ડિવિડન્ડ છતાં ભાવ ત્રણ ટકા ડાઉન : અમેરિકન ઑર્ગોનનને ૧૨ અબજ ડૉલરમાં ટેકઓવર કરવાની યોજના પાછળ સનફાર્મા બમણા વૉલ્યુમે ૩.૭ ટકા ગગડી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ટ્રમ્પની નાકાબંધી સામે ઈરાન અણનમ છે. હોર્મુઝ ખાડીને તાળાં લાગી ગયાં છે. ઇઝરાયલ-લેબૅનન વચ્ચે ૧૦ દિવસના સીઝફાયરને વધુ ત્રણ સપ્તાહ લંબાવવામાં આવ્યું છે. આ જાહેરાત ઇઝરાયલ તરફથી નહીં પણ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. ઈરાન ખાતે લીડરશિપમાં ભાગલા પડી ગયા છે અને હાર્ડ લાઇનર્સ ટોચની નેતાગીરીને ગાંઠતા નથી એવો (અપ)પ્રચાર કેટલાક દિવસથી ચાલુ થયો છે. ઈરાને એકમતે એને વાહિયાત ગણાવીને પોતાની લોખંડી એકતા દર્શાવી છે. યુરોપ પછી ગલ્ફ કન્ટ્રીઝ પણ દિવસે-દિવસે અમેરિકાથી, ખાસ કરીને ટ્રમ્પથી વિમુખ થતાં જાય છે. હવે માત્ર બે જ રસ્તા છે, અમેરિકા વહેલી તકે ગલ્ફમાંથી એના ઉચાળા ભરે અગર તો ઈરાનને નામશેષ કરી નાખે, અખાતી વિસ્તારમાં એ સિવાય શાંતિ અશક્ય છે. દરમ્યાન ક્રૂડ વધીને ૧૦૭ ડૉલર નજીક સરક્યું છે. હાજર સોનું ૪૭ની અંદર ૪૬૯૦ ડૉલર તથા કૉમેક્સ સિલ્વર ૭૫ ડૉલરે આવી ગઈ છે. બિટકૉઇન અડધો ટકો ઘટી ૭૭,૮૪૫ ડૉલર ચાલતો હતો. એશિયન બજારો બહુધા સાંકડી વધ-ઘટે મિશ્ર હતાં. ઇન્ડોનેશિયા સાડાત્રણ ટકા ગગડ્યું છે. બાકી સિંગાપોર, થાઇલૅન્ડ અને ચાઇના સામાન્યથી અડધો ટકો નરમ હતાં. સામે તાઇવાન ૩૮,૯૯૦ની લાઇફટાઇમ ટૉપ બતાવી સવાત્રણ ટકાની તેજીમાં ૩૮,૯૩૨ બંધ હતું. જપાન એકાદ ટકો તથા હૉન્ગકૉન્ગ અડધો ટકો પ્લસ હતું. સાઉથ કોરિયા ૬૫૧૧ની ટોચે જઈ ફ્લૅટ રહ્યું છે. પાકિસ્તાની શૅરબજાર નબળાઈ આગળ ધપાવતાં રનિંગમાં ૪૫૦ પૉઇન્ટ ખરડાયું છે. ડૉલર સામે રૂપિયો ૯૪.૧૨ના આગલા બંધ સામે ૯૪.૩૨ થઈ ૯૪.૨૮ જેવો જોવા મળ્યો છે.

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૮૦ પૉઇન્ટ નરમ ૭૭,૪૮૪ ખૂલી છેવટે ૧૦૦૦ પૉઇન્ટ ગગડીને ૭૬,૬૬૪ તો નિફ્ટી ૨૭૫ પૉઇન્ટ ગગડી ૨૩,૮૯૮ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૭૭,૭૧૧ તથા નીચામાં ૭૬,૪૦૪  દેખાયો હતો. નિફ્ટીમાં ૨૩,૮૧૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બની છે. ખરાબ માર્કેટ-બ્રેડ્થમાં NSEમાં વધેલા ૮૬૩ શૅર સામે ૨૪૨૯ કાઉન્ટર ઘટ્યાં છે. માર્કેટકૅપ ૪.૯૦ લાખ કરોડ રૂપિયા ઘટી ૪૬૧.૫૦ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ નિફ્ટીના સવા ટકા જેવા ઘટાડા સામે ગઈ કાલે IT ઇન્ડેક્સ ૧૪૯૬ પૉઇન્ટ કે પાંચ ટકા ધોવાયો છે. ટેક મહિન્દ્ર, TCS, HCL ટેક્નો તથા ઇન્ફી ચાર ટકાથી સાત ટકા ગગડી બન્ને બજારમાં ટૉપ લૂઝર બની કુલ ૪૫૯ પૉઇન્ટ નડ્યાં છે. નિફ્ટી ડિફેન્સ ૧.૬ ટકા, નિફ્ટી મીડિયા ૧.૯ ટકા, નિફ્ટી ફાર્મા ૧.૮ ટકા ડૂલ થયો છે. કન્ઝ્યુ ડ્યુરેબલ હેલ્થકૅર, રિયલ્ટી, ટેલિકૉમ ઇન્ડેક્સ એક-દોઢ ટકા નરમ હતા.

શૈલી એન્જિનિયરિંગ ઉપરમાં ૨૫૩૦ થઈ ૧૦.૭ ટકા કે ૨૩૮ની તેજીમાં ૨૪૨૪ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. રત્નમણિ મેટલ્સ ૭.૩ ટકા, હિમાદ્રિ સ્પેશ્યલ કેમિકલ્સ ૫.૨ ટકા, વેબસોલ એનર્જી સવાચાર ટકા, કોચીન શિપયાર્ડ પાંચ ટકા મજબૂત હતી. UTI ઍસેટ મૅનેજમેન્ટ ૮ ટકા તૂટી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર હતી. ઇન્ફી સાત ટકા, ફર્સ્ટસોર્સ સૉલ્યુશન્સ ૬.૮ ટકા, અનંતરાજ સાડાછ ટકા ડૂલ થઈ છે. હિન્દુસ્તાન ઝિન્કે ૬૮ ટકા વધારામાં ૪૯૯૭ કરોડ નેટ નફો મેળવી ૧૧ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર અડધો ટકો ઘટીને ૫૮૮ હતો. ચેન્નઈ પેટ્રોએ ૧૮૯ ટકા વધારામાં ૧૩૦૧ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૫૪ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ૩ ગણા વૉલ્યુમે ત્રણ ટકા ઘટી ૧૦૩૮ બંધ થયો છે.

ગાઇડન્સિસના વસવસામાં ઇન્ફોસિસ ૬૫ મહિનાના તળિયે

ITમાં ખરાબી આગળ વધી રહી છે. IT ઇન્ડેક્સ સતત ત્રીજા દિવસે ગગડી નીચામાં ૨૭,૫૫૮ થઈ ૫.૧ ટકા કે ૧૪૯૬ પૉઇન્ટ તૂટીને ૨૭,૬૪૯ ગઈ કાલે બંધ થયો છે. નિફ્ટી IT બેન્ચમાર્ક ૧૦માંથી ૯ શૅરની નરમાઈમાં ૫.૩ ટકા ગગડી ૨૮,૫૩૦ રહ્યો છે. ૩ દિવસમાં કુલ ૩૨૨૦ પૉઇન્ટ સાફ થઈ ગયા છે. BSEના આઇટી ઇન્ડેક્સના ૮૦માંથી ૭૦ શૅર ડાઉન હતા. ઇન્ફોસિસે પરિણામ ધારણાથી સારાં આપ્યાં છે, પરંતુ ગાઇડન્સિસ નબળું છે એને લીધે શૅર સાડાચાર ગણા વૉલ્યુમે ૧૧૫૨ની લગભગ ૬૫ મહિનાની બૉટમ બનાવી ૭.૧ ટકા તૂટી ૧૧૫૪ બંધ થયો છે. HCL ટેક્નૉલૉજીઝ ૧૧૯૮ની ૩૧ મહિનાની નીચી સપાટી નોંધાવી પોણાછ ટકાના ઘટાડે ૧૨૦૩ થયો છે. TCS નીચામાં ૨૩૮૯ થઈ ૪.૮ ટકાની નબળાઈમાં ૨૪૦૨, ટેક મહિન્દ્ર ૧૩૪૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ચાર ટકા ઘટીને ૧૩૬૩ બંધ રહ્યો છે. વિપ્રો નીચામાં ૧૯૮ થઈ ૧.૭ ટકા ઘટીને ૧૯૯ હતો. લાર્સન માઇન્ડ-ટ્રી કે લાટિમે સાડાપંદર ટકાના વધારામાં ૧૧૨૯૨ કરોડની આવક પર ૧૮.૮ ટકા વૃદ્ધિદરથી ૧૩૪૧ કરોડ ચોખ્ખો નફો મેળવી શૅરદીઠ ૫૪ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. આટલાં સારાં રિઝલ્ટ છતાં શૅર નીચામાં ૪૨૪૨ બતાવી પોણાપાંચ ટકા કે ૨૧૪ રૂપિયા ગગડીને ૪૩૦૬ બંધ થયો છે.

સેકન્ડ લાઇન IT કંપની સિએન્ટની માર્ચ ક્વૉર્ટરની આવક સવાચાર ટકા વધીને ૧૯૨૭ કરોડ થઈ છે પણ ૬૭.૭ ટકા ગગડી પંચાવન કરોડની અંદર આવી જતાં શૅર ૮૬૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૬.૯ ટકા ખરડાઈને ૮૭૧ બંધ થયો છે. અન્યમાં આર. સિસ્ટમ્સ ૪.૨ ટકા, કોફોર્જ સાડાપાંચ ટકા, સિગ્નિટી ટેક્નો ૪.૬ ટકા, જેનેસિસ સાડાછ ટકા, એમ્ફાસિસ ૪ ટકા, બિરલા સૉફ્ટ ૪.૨ ટકા, પર્સિસ્ટન્ટ ૬.૧ ટકા ડૂલ થઈ હતી. ઑરેકલ આગલા દિવસની ૬૫૯ રૂપિયાની તેજી બાદ ૨.૪ ટકા વધીને ૯૦૦૨ રહી છે. તાતા ઍલેક્સી નીચામાં ૪૧૫૯ થઈ એક ટકો ઘટીને ૪૧૯૦ હતી. લાર્સન ટેક્નૉલૉજીઝ પણ બે ટકા ઘટી છે.

UTI ઍસેટ મૅનેજમેન્ટ ખોટમાં આવતાં ખરડાઈ

અમેરિકન કૉમર્સ ડિપાર્ટમેન્ટ તરફથી ભારતથી આયાત થતા સોલર સેલ્સ તથા પૅનલ્સ પર ૧૨૩ ટકા ઍન્ટિ ડમ્પિંગ ડ્યુટી કામચલાઉ ધોરણે નાખી છે. આખરી નિર્ણય જુલાઈ કે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. આને પગલે ગઈ કાલે વારિ એનર્જીઝ નીચામાં ૩૨૪૦ બતાવી ૨.૭ ટકા ઘટી ૩૩૨૧ રહી છે. અન્યમાં વિક્રમ સોલર સવાબે ટકા ઘટી ૨૨૨, સીજી પાવર દોઢ ટકો, ટૉરન્ટ પાવર ૨.૨ ટકા, વારિ રિન્યુએબલ ૩.૭ ટકા, સાત્ત્વિક ગ્રીન ૩.૫ ટકા ઘટી છે. પાવર શૅરમાં રિલાયન્સ પાવર ખરડાઈ હતી. KPI ગ્રીન, KP એનર્જી, ઇકો રીસાઇક્લિંગ, JSW એનર્જી, EMS લિમિટેડ, એન્વિરો ઇન્ફ્રા, JP પાવર, ગ્રીન પાવર, NTPC ગ્રીન વગેરે બેથી પાંચ ટકા ગગડ્યાં હતાં. પ્રીમિયર એનર્જીઝ નીચામાં ૯૫૭ થઈ એક ટકો વધીને ૧૦૧૧ થઈ છે.

હિમાદ્રિ સ્પેશ્યલ કેમિકલ્સે સાડાતેર ટકા વધારામાં ૧૨૮૮ કરોડ આવક પર ૨૯ ટકા વધારામાં ૨૦૧ કરોડનો નેટ નફો દર્શાવતાં શૅર ૬૦૫ના શિખરે જઈ ૫.૨ ટકા વધી ૫૬૪ બંધ હતો. ટિપ્સ મ્યુઝિકની આવક ૩૨ ટકા વધીને ૧૦૪ કરોડ તથા નફો ૯૩ ટકા વધીને ૫૯ કરોડ આવ્યો છે. ભાવ ૧૪ ગણા કામકાજે ઉપરમાં ૬૯૨ વટાવી સવાબે ટકા વધીને ૬૬૦ થયો છે. UTI ઍસેટ મૅનેજમેન્ટની ત્રિમાસિક આવક ૪ ટકા વધીને ૩૯૦ કરોડ થઈ છે, પણ કંપની ૧૦૨ કરોડના નફામાંથી ૫૧ કરોડથી વધુની નેટ ખોટમાં સરી પડી છે. શૅર ૧૩ ગણા વૉલ્યુમે નીચામાં ૯૧૫ થઈ આઠેક ટકા લથડી ૯૫૪ બંધ રહ્યા છે. યુનિયન બૅન્ક આગલા દિવસના સાડાસાત ટકાનો ઘટાડો આગળ વધારતાં ૧.૭ ટકા ઘટીને ૧૭૬ થઈ છે.

અંબા ઑટો સેલ્સનો SME ઇશ્યુ સોમવારે ખૂલશે

સોમવારે બૅન્ગલોર અર્બનની અંબા ઑટો સેલ્સ ઍન્ડ સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૧૩૫ની અપરબૅન્ડમાં કુલ ૬૫ કરોડ રૂપિયાનો NSE SME ઇશ્યુ કરવાની છે. એમાંથી માર્કેટમેકરને ૩ કરોડના શૅર અપાશે. ઇશ્યુમાં QIB પોર્શન ૧૦.૧ ટકા, HNI પોર્શન ૪૯.૯ ટકા તથા રીટેલ પોર્શન ૪૦ ટકા જેવો છે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની બજાજ ઑટો તથા LG ઇલેક્ટ્રૉનિક્સની ઑથોરાઇઝડ ડીલર છે. એ બજાજનાં વાહનની સાથોસાથ LG ઇલેક્ટ્રૉનિક્સની પ્રોડક્ટસ પણ વેચે છે. કંપનીએ ૨૦૨૪-’૨૫માં પોણાપંદર ટકા નજીકના વધારામાં ૨૪૨ કરોડ પ્લસનું વેચાણ કરી ૧૬૯ ટકાના વધારામાં ૭૭૮ લાખ નેટ નફો બતાવ્યા પછી ગયા વર્ષે પ્રથમ ૯ મહિનામાં ૨૦૪ કરોડની આવક પર ૧૨૧૨ લાખ નેટ નફો રળી લીધો છે. દેવું છેલ્લાં પોણાબે વર્ષમાં ૩૭ કરોડથી વધીને ૫૭.૪૨ કરોડ થયું છે. ઇશ્યુમાંથી ૪૩ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા ૬૩૨ લાખ નવો શોરૂમ ઊભો કરવા અને હાલના શોરૂમને રિનોવેટ કરવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. પુણેની ખાદી સૉફ્ટ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૧૭૨ની અપરબૅન્ડ સાથે ૭૪ કરોડનો NSE SME IPO ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ સવાત્રણ ગણો ભરાઈ ચૂક્યો છે. ગ્રેમાર્કેટમાં ૧૦વાળું પ્રીમિયમ હાલમાં ત્યાં જ છે. કર્ણાટકના બૅન્ગલોરની લીપફ્રોંગ એન્જિનિયરિંગનો એકના શૅરદીઠ ૨૩ની અપરબૅન્ડમાં આશરે ૮૯ કરોડનો BSE SME ઇશ્યુ મૂળ ગુરુવારે ખૂલવાનો હતો. કોઈક કારણસર ભરણું હાલ મોકૂફ રખાયું છે. દરમ્યાન રાજકોટની મેહુલ ટેલિકૉમ ૧૦ના શૅરદીઠ ૯૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં છેલ્લે બોલાતા પોણાચારના પ્રીમિયમ સાથે ગઈ કાલે BSEમાં ૧૦૮ ખૂલી ૧૧૩ બંધ થતાં ૧૫.૭ ટકા લિસ્ટિંગ ગેઇન એમાં મળ્યો છે. 

પરિણામ પૂર્વે રિલાયન્સની નરમાઈ આગળ વધી

રિલાયન્સ પરિણામ પૂર્વે સરેરાશ કરતાં ૩૦ ટકાના કામકાજમાં નીચામાં ૧૩૨૫ અને ઉપરમાં ૧૩૪૫ થઈ છેવટે ૦.૯ ટકા ઘટીને ૧૩૩૧ બંધ થયો છે. પરિણામ રાબેતા મુજબ બજાર બંધ થયા પછી મોડી સાંજે આવવાની ધારણા હતી. કંપની કન્સોલિડેટેડ ધોરણે ૨.૮૮ લાખ કરોડ પ્લસની આવક તથા ૧૯,૩૯૦ કરોડ નેટ નફો બતાવશે એવી એકંદર અપેક્ષા રખાતી હતી. જિયો ફાઇનૅન્શિયલ બે દિવસની મજબૂતી બાદ ગઈ કાલે નીચામાં ૨૪૪ થઈ સવા ટકો ઘટીને ૨૪૬ રહી છે. સનફાર્મા અમેરિકા ખાતે ૧૨ અબજ ડૉલરમાં ઑર્ગોનનના ટેકઓવર માટે તત્પર થઈ હોવાના અહેવાલના પગલે શૅર બમણા કામકાજે નીચામાં ૧૬૧૪ થઈ ૩.૭ ટકા ગગડી ૧૬૧૮ બંધ થયો છે. હાલ સનફાર્મા આશરે ૭૩૦ કરોડ ડૉલરની કૅશ પોઝિશન ધરાવે છે એ આ ટેકઓવરના પગલે નેટ ડેટ પોઝિશનમાં ફેરવાઈ જવાનો ડર છે. ડૉ. રેડ્ડીઝ લૅબ આગલા દિવસે સાડાનવ ટકા જેવી  તેજીમાં નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યા પછી ગઈ કાલે ઉપરમાં ૧૩૪૯ થઈ એક ટકો ઘટી ૧૩૧૭ રહી છે. જ્યારે સાડાપાંચ ટકા મજબૂત બનેલી સિપ્લા ગઈ કાલે ૧૩૦૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણો ટકો ઘટી નિફ્ટીમાં ૧૨૯૫ બંધ રહી છે.

ICICI બૅન્ક પોણાબે ટકા ઘટી ૧૩૨૪ બંધમાં સેન્સેક્સને ૧૪૧ પૉઇન્ટ નડી છે. HDFC બૅન્ક એક રૂપિયો તો સ્ટેટ બૅન્ક ચાર રૂપિયા પ્લસ અને ઍક્સિસ બૅન્ક અડધો ટકો નરમ હતી. કોટક બૅન્ક ફ્લૅટ રહી છે. નેસ્લે ૧૪૩૧ ઉપર નવી સર્વોચ્ચ સપાટી દેખાડી અડધો ટકો વધી ૧૪૧૯ હતી. હિન્દુસ્તાન યુનિલીવર ઉપરમાં ૨૩૮૨ બનાવી પોણાબે ટકા ઘટી ૨૩૨૫ થઈ છે. મારુતિ સુઝુકી અડધો ટકો તથા મોટર પૅસેન્જર અડધો ટકો નરમ હતી. આઇશર ૦.૬ ટકા અને બજાજ ઑટો અડધો ટકો સુધરી છે. સાઇડ ઑટો શૅરમાં ફોર્સ મોટર દોઢ ટકો ગગડીને ૨૦,૪૪૯ હતી. તાતા મોટર શૅરમાં ફોર્સ મોટર દોઢ ટકો ગગડી ૨૦,૪૪૯ હતી. તાતા મોટર દોઢ ટકો ઘટી ૪૨૫ રહી છે. હ્યુન્દાઇ મોટર ત્રણ ટકા ખરડાઈ હતી. કોલ ઇન્ડિયા સવા ટકો વધીને નિફ્ટીમાં મોખરે હતી. એટર્નલ સવા ટકો તો અદાણી પોર્ટ્સ પોણો ટકો ઘટી છે. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange