ફરી સ્વીટ સિક્સ્ટીન બનીને શૅરબજાર ઉજાણીના મૂડમાં

27 December, 2011 05:42 AM IST  | 

ફરી સ્વીટ સિક્સ્ટીન બનીને શૅરબજાર ઉજાણીના મૂડમાં



(શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ)

ખૂલ્યા બાદ નીચામાં ૧૫,૭૬૧ થઈ ત્વરિત બાઉન્સબૅક પછી સતત સારી સરસાઈ જળવાઈ રહી હતી ને ઉપરમાં ૧૫,૯૯૮ વળોટી ગયો હતો. છેલ્લે માર્કેટ ૨૩૨ પૉઇન્ટની મજબૂતીમાં ૧૫,૯૭૧ નજીક તથા નિફ્ટી ૬૫ પૉઇન્ટ વધીને ૪૭૭૯ બંધ હતા. અમેરિકન ઇકૉનૉમી વિશેના ધોરણા કરતાં સારા નિર્દેશાંકથી યુરો-ઝોન વિશેની ચિંતા હાલ બાજુએ હડસેલાઈ ગઈ છે. ડૉલર ફરી મજબૂત થવા માંડ્યો છે. રૂપિયાની સામે ડૉલરની મજબૂતીમાં યુએસનો આશાવાદ ભળતાં આઇટી શૅરોમાં ફૅન્સી આવી છે, જે હજી વધવા સંભવ છે. ગઈ કાલે સેન્સેક્સના દોઢ ટકાથી ઓછા સુધારા સામે આઇટી ઇન્ડેક્સ અઢી ટકા તથા ટેક્નૉલૉજી ઇન્ડેક્સ પોણાત્રણ ટકા અપ હતા. રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકા જેવો, મેટલ તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સવા ટકાથી વધુ પ્લસ હતા. કૅપિટલ ગુડ્ઝ તેમ જ ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧.૧ ટકો વધેલા હતા.

ચાર શૅરનો ફાળો ૧૨૫ પૉઇન્ટ

સેન્સેક્સના ૨૩૨ પૉઇન્ટના સુધારામાં ઇન્ફોસિસ ૨.૯ ટકા વધી ૨૭૩૫ રૂપિયા બંધ રહેતાં બજારને સર્વાધિક ૪૮ પૉઇન્ટનો લાભ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બે ટકાની મજબૂતીમાં ૩૨ પૉઇન્ટ (બંધ ૭૬૦ રૂપિયા), ભારતી ઍરટેલ ૪.૩ ટકાની તેજીમાં ૨૩ પૉઇન્ટ (બંધ ૩૪૫ રૂપિયા) તથા ટીસીએસ દ્વારા પોણાત્રણ ટકાના સુધારામાં બાવીસ પૉઇન્ટનો (બંધ ૧૧૮૮ રૂપિયા) એમાં ઉમેરો કરાયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૨૭ શૅર અને બજારના ૨૧ બેન્ચમાર્કમાંથી ૨૦ ઇન્ડેક્સ પ્લસમાં હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ સમખાવા પૂરતો ડાઉન હતો. માર્કેટકૅપ ૪૯,૦૦૦ કરોડ રૂપિયા વધીને હવે ૫૪.૭૩ લાખ કરોડ રૂપિયા થયું છે. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં ૧૭૩૫ શૅર વધેલા તો ૯૭૦ જાતો નરમ હતી. એ ગ્રુપના ૭૦ ટકા શૅર પ્લસમાં હતા. ૨૨૪ જાતોમાં તેજીની સર્કિટ લાગેલી હતી, સામે ૧૬૪ કાઉન્ટર્સ મંદીની સર્કિટમાં બંધ હતાં. ક્રિસિલમાં સવાછ ગણું તથા વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝમાં ૩૦ ગણાથી વધુનું વૉલ્યુમ હતું. જોકે છેલ્લે આ બન્ને શૅર નહીંવત્ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે જીવીકે પાવર ૭.૯ ટકા પ્લસમાં ૧૧.૮૮ રૂપિયા બંધ હતો. મારુતિ સુઝુકી અને હિન્દાલ્કો એક ટકો તો સિપ્લા ૧.૩ ટકા નરમ બંધ હતા.

અંજનૈયા લાઇફ નવા શિખરે

અંજનૈયા લાઇફકૅર સોમવારે ઇન્ટ્રા-ડેમાં ૫૨૫ રૂપિયાની ઑલટાઇમ હાઈ બતાવી છેલ્લે પોણા ટકાની નરમાઈમાં ૫૧૪ રૂપિયાની આસપાસ બંધ હતો. ૨૭ મેના રોજ એમાં ૨૨૪ રૂપિયાનો વર્ષનો નીચો ભાવ બનેલો છે. આ ધોરણે સાત મહિનામાં આ કાઉન્ટર સવાસો ટકા વધ્યું છે. બીએસઈ ખાતે આ ઉપરાંત ભાવની રીતે બ્લુ સર્કલ, સુલભ એન્જિનિયરિંગ, ટ્રેન્ડી નીટવેર, ટીસીએલ ટેક્નૉલૉજીઝ તથા ક્રિષ્ના વેન્ચર્સ, ઑલટાઇમ હાઈ થયા હતા. સામે ૩૯ શૅરમાં ઑલટાઇમ લો બની હતી, જેમાં પૃથ્વી ઇન્ફો, ઇન્ડોવિન્ડ એનર્જી, ર્કોડ્સ કેબલ, યુનાઇટેડ બૅન્ક, હીરા ફેરો ઍલૉય્ઝ, બેડમૂથા ઇન્ડસ્ટ્રીઝ, ઓરિયેન્ટ ગ્રીન પાવર, જીએસએસ ઇન્ફોટેક, ઑબરૉય રિયલ્ટી, અગ્ર ડેવલપર્સ, ઍલેમ્બિક ફાર્મા, જૈન ઇરિગેશન, બિરલા પૅસિફિક, એપીએલ અપોલો ટ્યુબ્સ, આરડીબી રિયલ્ટી, એમબી સ્વિચ ગિયર્સ વગેરે સામેલ છે.

આઇટી ટેક્નો સ્ટૉક ઝળક્યા

અમેરિકન ઇકૉનૉમી વિશે બદલાયેલા આઉટલુકની સાનુકૂળ અસર ત્વરિત આઇટી તથા ટેક્નૉલૉજી શૅરો પર જોવા મળી રહી છે. ગઈ કાલે આ બન્ને બેન્ચમાર્ક સેન્સેક્સના મુકાબલે સારા એવા વધીને બંધ હતા. ટેક્નૉલૉજી ઇન્ડેક્સના ૩૦માંથી ૨૩ શૅર તો આઇટી ઇન્ડેક્સના ૧૦માંથી આઠ શૅર વધીને બંધ હતા. ભારતી ઍરટેલ સવાચાર ટકા જેવા જમ્પમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર હતો. આઇડિયા સેલ્યુલર ચાર ટકા અને આર. કૉમ સાડાત્રણ ટકા અપ હતા. રોલ્ટા સાડાત્રણ ટકા, ઇન્ફોસિસ ૨.૮ ટકા, ટીસીએસ પોણાત્રણ ટકા, ઓરેકલ ૨.૭ ટકા, જાગરણ પ્રકાશન અઢી ટકા, રિલાયન્સ મિડિયા ૨.૧ ટકા, ડિશ ટીવી તથા ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ બે ટકા ઊંચકાયા હતા. ટેક મહિન્દ્ર એકાદ ટકો તથા વિપ્રો નામ કે વાસ્તે પ્લસ હતા. એમટીએનએલ પણ પાછળથી બે ટકા વધીને બંધ આવ્યો હતો.

જીવીકેમાં ચાંગીનો સર્પોટ

જીવીકે પાવર ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના ઍરર્પોટ બિઝનેસમાં આશરે ૨૦૦૦ કરોડ રૂપિયામાં ચાંગી ઍરર્પોટ ગ્રુપ તૈયાર હોવાના અહેવાલે શૅર છ ગણા વૉલ્યુમમાં ઉપરમાં બાર ટકાના ઉછાળે ૧૨.૧૫ રૂપિયા થયો હતો. એક રૂપિયાની ફેસ વૅલ્યુવાળા આ શૅરનો વર્ષનો ઊંચો ભાવ ૬ જાન્યુઆરીના રોજ ૪૩.૪૦ રૂપિયા તથા નીચો ભાવ ૧૯ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ ૯.૫૬ રૂપિયા થયેલો છે. જીવીકેના ઍરર્પોટ બિઝનેસની વૅલ્યુ ૮૦૦૦ કરોડ રૂપિયાની મુકાય છે. કંપની ઉક્ત ભંડોળનો ઉપયોગ એના ૫૦૦૦ કરોડ રૂપિયાના દેવાની આંશિક પરત ચુકવણીમાં કરશે, તો આર. કૉમનો ટેલિકૉમ ટાવર બિઝનેસ હસ્તગત કરવા બ્લૅક સ્ટોન તથા કાર્લાઇલ નામનાં બે વિદેશી પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડની સક્રિયતા આખરી તબક્કામાં હોવાના સમાચારથી શૅર ચાર ટકા વધીને ૭૦.૪૦ રૂપિયા જેવો થયો હતો. આર. કૉમ ૫૦,૦૦૦ ટેલિકૉમ ટાવર ધરાવે છે.

પાવર-ટેલિકૉમ માટે સારા સમાચાર

પાવર, ટેલિકૉમ, એવિયેશન તથા ટેક્સટાઇલ્સ ઉદ્યોગ માટે કંઈક સારા સમાચાર છે. આ ચારેય સેક્ટર અત્યારે ભારે •ણબોજથી પીડાય છે. કેન્દ્ર સરકાર એમના માટે ડેટ-રીસ્ટ્રક્ચરિંગ તેમ જ નવા ધિરાણની સુવિધા અર્થે જાહેર ક્ષેત્રની તમામ બૅન્કો એક ચોક્કસ અને સમાન વ્યૂહનીતિ ઘડી કાઢે એ દિશામાં સક્રિય બની છે. આ હેતુસર હમણાં જ નાણાસચિવ ડી. કે. મિત્તલના વડપણ હેઠળ પીએસયુ બૅન્કોના ટોચના પદાધિકારીઓ સાથેની પ્રથમ બેઠક યોજાઈ ગઈ. બીજી બેઠક નજીકમાં વિચારાઈ છે : રૂપિયાના મૂલ્યમાં ડૉલર સામે ૨૦ ટકાના ઘટાડાના કારણે પાવર પ્લાન્ટો, ખાસ કરીને થર્મલ પાવર કંપનીઓની હાલત કથળી છે. નવા પ્લાન્ટ વિવિધ કારણસર ઢીલમાં છે. વ્યાજદરના વધારાથી જૂના ધિરાણમાં મુશ્કેલી વધી છે ત્યાં નવાની તો વાત જ ક્યાં રહી? ટેલિકૉમ ઑપરેટરોને સ્પેક્ટ્રમ ફીપેટે કરેલી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની ઉધારી કે લોન તેમ જ ૨ઞ્ સ્કૅમના કારણે નવા ધિરાણમાં તકલીફ પડવા માંડી છે. સ્લો-ડાઉન તથા ફ્યુઅલ કૉસ્ટથી એવિયેશન ઉદ્યોગ ખાડે ગયો છે. ટેક્સટાઇલ્સની હાલત પણ વૈશ્ચિક ડિમાન્ડને લઈ ખરાબ છે. આ ચારેય સેક્ટરને વસમા સમયમાં બોજમાં રાહત આપવાની વ્યૂહનીતિ સાકાર થાય તો એની અસર સંબંધિત ક્ષેત્રના શૅરો પર અવશ્ય વર્તાશે.

વિદેશી રોકાણમાં ૫૦ ટકાનું ગાબડું


વિશ્વિસ્તરે આર્થિક સ્લો-ડાઉનની અસરમાં ભારત ખાતે ઑક્ટોબર મહિના દરમ્યાન વિદેશી રોકાણ ૧૧૬૦ કરોડ ડૉલર થયું છે, જે ઑક્ટોબર ૨૦૧૦ના ૨૩૩૦ કરોડ ડૉલરના મુકાબલે અડધું કહી શકાય. વિદેશી રોકાણમાં સતત બીજા મહિનાના આ ઘટાડા પછી પણ જોકે એપ્રિલથી ઑક્ટોબરના સાત મહિનામાં કુલ વિદેશી રોકાણનો આંકડો અગાઉના વર્ષના સમાનગાળાની તુલનામાં ૫૦.૩ ટકા વધીને ૨૦૮૦ કરોડ ડૉલરે પહોંચ્યો છે. આ માટેનું કારણ અગાઉના મહિનાઓમાં વિદેશી રોકાણનો તગડો પ્રવાહ હતો. સમગ્ર ચિત્ર જોતાં ચાલુ નાણાકીય વર્ષે વિદેશી રોકાણ કે એફડીઆઇનો આંક ૩૫ અબજ ડૉલરે પહોંચવા વકી છે, જે અગાઉના વર્ષે ૧૯.૪ અબજ ડૉલર હતો. આ વૃદ્ધિ બહુધા રિલાયન્સ-બ્રિટિશ પેટ્રોલિયમ તેમ જ પાસ્કો જેવી મોટી દરખાસ્તોને મળેલી બહાલીને આભારી હશે.