15 June, 2025 01:45 PM IST | Mumbai | Rajendra Bhatia
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં રોકાણ માટેનાં વિવિધ સાધનો ઉપલબ્ધ કરી આપવા માટે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ સ્પેશ્યલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ્સ (SIF) નામની નવી શ્રેણી રજૂ કરી છે. SEBIનાં ધારાધોરણોમાં પહેલી એપ્રિલથી લાગુ થયેલા ફેરફારોના આધારે આ સાધન ઉપલબ્ધ થયું છે. પરંપરાગત મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસિસ (PMS) એ બન્નેનો સમન્વય થાય એ પ્રકારનું સાધન છે જેના પર નિયમનકાર એટલે કે SEBI વધુ સારી રીતે દેખરેખ રાખી શકશે.
SIFનું સ્વરૂપ : કેટલાક રોકાણકારોને પરંપરાગત મ્યુચ્યુઅલ ફન્ડ કરતાં કંઈક વિશેષ જોઈતું હોય છે, પરંતુ સાથે-સાથે નિયમનકારી રક્ષણ અને વધુ ખર્ચ ભોગવ્યા વગરનું સાધન મળે એવું પણ અપેક્ષિત હોય છે. આ ફન્ડ્સ ડેરિવેટિવ્ઝ, લૉન્ગ-શૉર્ટ પોઝિશન અને સેક્ટર સ્પેસિફિક ફાળવણી જેવા અદ્યતન વિકલ્પોનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે આવી સ્ટ્રૅટેજી PMS કે હેજ ફન્ડ અપનાવતાં હોય છે. હવે મ્યુચ્યુઅલ ફન્ડની વ્યવસ્થા હેઠળ આ સ્ટ્રૅટેજી ઉપલબ્ધ થશે.
SIF કોણ લૉન્ચ કરી શકે? : SEBIએ નક્કી કરેલી પાત્રતા ધરાવતી ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ (AUM) જ SIF લૉન્ચ કરી શકે છે. જે AMC ઓછામાં ઓછાં ત્રણ વર્ષથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ સરેરાશ ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ (AUM) ધરાવતી હોય અથવા તો જેણે ૫૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધારેની AUMનું સંચાલન કરવામાં ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસરની નિમણૂક કરી હોય અને જેમાં ૫૦૦ કરોડ રૂપિયાની AUMનું સંચાલન કરવાનો ઓછામાં ઓછાં ત્રણ વર્ષનો અનુભવ હોય એવા ફન્ડ મૅનેજરને સાથે રાખ્યા હોય એવી AMC આ ફન્ડ લૉન્ચ કરી શકે છે.
SEBIએ SIF માટે રોકાણની કેટલીક નિશ્ચિત સ્ટ્રૅટેજી માન્ય રાખી છે જેમાં ઇક્વિટી ઓરિએન્ટેડ, ડેટ ઓરિએન્ટેડ અને હાઇબ્રિડ સ્ટ્રૅટેજીનો સમાવેશ થાય છે. દરેક સ્ટ્રૅટેજી માટે એક્સપોઝરની મર્યાદા રાખવામાં આવી છે અને રોકાણકારોનું રક્ષણ થાય એ માટેની માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે.
લઘુતમ રોકાણ અને સબસ્ક્રિપ્શન : SIFમાં દરેક રોકાણકારે લઘુતમ ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. જો કોઈ દિવસ રિડમ્પશન કરાવવાને લીધે રોકાણ ૧૦ લાખની મર્યાદા કરતાં નીચું જતું રહેશે તો આખા રોકાણનું આપોઆપ રિડમ્પશન થઈ જશે. આમાં SIP, SWP અને STP કરી શકાય છે; પરંતુ લઘુતમ રોકાણની મર્યાદાનું પાલન થવું જરૂરી છે. આ ફન્ડમાંથી રિડમ્પશન કરાવવું હોય તો ૧૫ કામકાજી દિવસની નોટિસ આપ્યા બાદ દૈનિક, માસિક કે નિશ્ચિત સમયાંતરે રિડમ્પશન કરાવી શકાય છે.
ડેરિવેટિવ્ઝ, એક્સપોઝર અને બેન્ચમાર્કિંગ : SIFને ડેરિવેટિવ્ઝમાં નેટ ઍસેટના પચીસ ટકા સુધી હેજિંગ વગરની શૉર્ટ પોઝિશન લેવાની મંજૂરી છે. ડેટ અને મની માર્કેટ સિક્યૉરિટીઝના એક્સપોઝરની મહત્તમ મર્યાદા ક્રેડિટ રેટિંગના આધારે નક્કી કરવામાં આવે છે, જેમાં ડાઇવર્સિફિકેશન રહે એ માટે દરેક સેક્ટરની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.
અહીં જણાવવું રહ્યું કે મ્યુચ્યુઅલ ફન્ડ્સનું વેચાણ કરવાની માન્યતા ધરાવતા ડિસ્ટ્રિબ્યુટર્સ SIF પણ ઑફર કરી શકે છે. જોકે તેમણે NISM સિરીઝ ૧૩ ડેરિવેટિવ્ઝ સર્ટિફિકેશન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ.