૨૬૦ હસ્તીઓ સામે સેબીનો પ્રતિબંધ

21 December, 2014 05:31 AM IST  | 

૨૬૦ હસ્તીઓ સામે સેબીનો પ્રતિબંધ



શૅરબજારના માધ્યમથી કાળાં નાણાં ધોળાં કરવાની, લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સનો ગેરવાજબી લાભ લેવાની અને રોકડ-બિનહિસાબી નાણાં બજારમાં ઘુસાડવાની પ્રવૃત્તિ કરવા બદલ મૂડીબજારના નિયમન તંત્ર સેબીએ ૨૬૦ જેટલી હસ્તીઓ પર મૂડીબજારમાં પરોક્ષ કે પ્રત્યક્ષ  કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ૨૬૦ હસ્તીઓમાં બે કંપનીઓ, એના પ્રમોટર્સ, બ્રોકર્સ અને કેટલાક ઇન્વેસ્ટરોનો સમાવેશ છે.

પ્રેફરન્સ શૅરોના નામે સેબીએ જારી કરેલા ઑર્ડર મુજબ ફર્સ્ટ ફાઇનૅન્શિયલ સર્વિસિસ અને રેડર્ફોડ ગ્લોબલ નામની કંપનીઓ તથા એના પ્રમોટરોએ ચોક્કસ રોકાણકારોને પ્રેફરન્સ શૅરો ઇશ્યુ કર્યા હતા, જે પ્રેફરન્શિયલ ધોરણે ઇશ્યુ કરાયા હતા અને એ એક વર્ષથી વધુ સમય બાદ વેચાય એટલે એના પર લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇનનો લાભ પણ મળે. આ ૨૬૦ હસ્તીઓ આ બે કંપનીઓના આ પ્રેફરન્સ શૅર ઇશ્યુ સાથે સંકળાયેલા હતા. આ માર્ગે ઊભું કરાયેલું ભંડોળ પણ કંપની દ્વારા જે હેતુસર કહેવાયું હતું એના કરતાં જુદા હેતુ માટે વાપર્યું હતું. વધુમાં આ ખરીદી પણ જુદી-જુદી હસ્તીઓ મારફત નાણાં ફેરવીને થઈ હતી.

આ બધા એકબીજા સાથે ભળેલા

આ આખા પ્રકરણમાં સામેલ લોકો એકબીજા સાથે ભળેલા હોવાથી તેમની વચ્ચે જ સોદા થયા કરતા હતા અને ભાવોનું મેનિપ્યુલેશન પણ કરતા હતા. આમાંથી અમુક લોકો તો એવા હતા જે પ્રમોટરો વતી કામકાજ કરતા હતા. આ કંપનીઓના સેબી દ્વારા કરાયેલા ઇન્સ્પેક્શન બાદ એ પણ જાણવામાં આવ્યું કે આમાં ફર્સ્ટ ફાઇનૅન્શિયલ સર્વિસિસ કંપની તેમની રજિસ્ટર્ડ ઑફિસ કે કૉર્પોરેટ ઑફિસના સરનામે અસ્તિત્વ જ ધરાવતી નહોતી. જયારે રેડર્ફોડ ગ્લોબલના કિસ્સામાં પણ શંકાસ્પદ સોદા-વ્યવહાર નોંધાયા હતા. આ લોકો ગેરવાજબી કરલાભ લેવા, મની-લૉન્ડરિંગ કરવા અને કાળાં નાણાં ધોળાં અથવા બિનહિસાબી નાણાંના વ્યવહાર માટે આ બધી પ્રવૃત્તિ કરતા હતા.

પરસ્પર સંબંધોના પુરાવા

આ બધી હસ્તીઓના પરસ્પર સંબંધોના પુરાવા તેમના બૅન્ક-સ્ટેટમેન્ટ, KYC (નો યૉર કસ્ટમર) ઑફ માર્કેટ વ્યવહારો પરથી પકડાયા હતા. જયારે ચોક્કસ માહિતી કૉર્પોરેટ અર્ફેસ મિનિસ્ટ્રી પાસેથી પણ મળી હતી.