રીટેલમાં એફડીઆઇ પર ચર્ચાને પગલે શૅરબજારમાં સાવચેતીનો માહોલ

05 December, 2012 06:48 AM IST  | 

રીટેલમાં એફડીઆઇ પર ચર્ચાને પગલે શૅરબજારમાં સાવચેતીનો માહોલ




(શૅરબજારનું ચલકચલાણું -  નીરવ સાંગાણી)

મલ્ટિ બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇ પર પાર્લમેન્ટમાં ચર્ચાને કારણે માર્કેટમાં ગઈ કાલે સાવચેતીભર્યું વલણ જોવા મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારોમાંથી પૉઝિટિવ ફૅક્ટરને અભાવે બજાર ખૂલતાંની સાથે જ મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ મિડ કૅપ-સ્મૉલ કૅપ શૅર્સના સુધારાની સાથે-સાથે સેન્સેક્સ-નિફ્ટી પણ આશરે ૦.૨૦ ટકા વધ્યા હતા, પરંતુ બપોરે યુરોપના માર્કેટમાં ખૂલતાંની સાથે જ નબળાઈ જોવા મળતાં સ્થાનિક બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

કામકાજના છેલ્લા કલાકમાં બજારમાં રિકવરી જોવા મળી હતી અને સેશનના અંતે મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ અગાઉના ૧૯,૩૦૫.૩૨ના બંધ સામે ૪૨.૮૦ પૉઇન્ટ (૦.૨૨ ટકા) વધીને ૧૯,૩૪૮.૧૨ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૮.૩૦ પૉઇન્ટ (૦.૩૧ ટકા) સુધરીને ૫૮૮૯.૨૫ બંધ રહ્યો હતો. બીએસઈનું માર્કેટ કૅપ ૬૭.૬૯ લાખ કરોડ રૂપિયાથી વધીને ૬૭.૮૮ લાખ કરોડ રૂપિયા થયું હતું. બીએસઈની કુલ ૩૦૬૧ સ્ક્રિપ્સમાંથી ૧૬૦૭ સ્ક્રિપ્સ અપ હતી, જ્યારે ૧૩૨૭ સ્ક્રિપ્સ ડાઉન રહી હતી.

ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ

બીએસઈના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૬ ઇન્ડેક્સમાં ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડાઇસિસમાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સૌથી વધુ ૧.૫૭ ટકા વધ્યો હતો. ત્યાર બાદ રિયલ્ટી, પાવર અને બૅન્ક ૦.૮૪-૦.૭૫ ટકા અપ હતા.

ઑઇલ-ગૅસ સેક્ટરના રિલાયન્સ ૨.૪૯ ટકા, બીપીસીએલ ૧.૪૨ ટકા, ઓએનજીસી ૦.૯૭ ટકા, ગુજરાત સ્ટેટ પેટ્રો ૦.૯૩ ટકા, ગેઇલ ૦.૮૭ ટકા સુધર્યા હતા. પાવર ઇન્ડેક્સની ૧૭માંથી ૧૩ કંપનીઓ વધી હતી. આ ઇન્ડેક્સના તાતા પાવર ૪ ટકા, ટૉરન્ટ પાવર ૭.૭૯ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા ૧.૯૧ ટકા, પાવર ગ્રીડ ૧.૨૬ ટકા, અદાણી પાવર ૧.૦૧ ટકા વધ્યા હતા.

રિયલ્ટી ઇન્ડેક્સના યુનિટેક ૩.૭૦ ટકા, એચડીઆઇએલ ૧.૮૪ ટકા, ડીએલએફ ૧.૦૨ ટકા સુધર્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સૌથી અધિક ૫૮ પૉઇન્ટ (૦.૭૨ ટકા) ઘટ્યો હતો. ત્યાર બાદ આઇટી ઇન્ડેક્સ ૦.૬૮ ટકા ડાઉન હતો. ઑટો અને મેટલ ઇન્ડેક્સમાં ૦.૪૩ ટકા અને ૦.૩૫ ટકાની નબળાઈ જોવા મળી હતી. બૅન્ક ઇન્ડેક્સ ૧૦૪ પૉઇન્ટ વધ્યો હતો. બૅન્ક ઇન્ડેક્સની ૧૪માંથી ૧૧ સ્ક્રિપ્સ વધીને બંધ રહી હતી. આ ઇન્ડેક્સના યુનિયન બૅન્ક ૩.૪૯ ટકા, કૅનેરા બૅન્ક ૨.૧૭ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧.૭૭ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૧૦ ટકા સુધર્યા હતા. મિડ કૅપ ઇન્ડેક્સ નજીવો (૦.૧૦ ટકા) વધ્યો હતો, જ્યારે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૫૯ ટકા અપ હતો. મિડ કૅપની ૨૪૬ સ્ક્રિપમાંથી ૧૧૫ વધી હતી. સ્મૉલ કૅપ ઇન્ડેક્સના કુલ ૫૨૭ સ્ટૉકમાંથી ૨૮૫ અપ હતા અને ૨૨૩ ડાઉન રહ્યા હતા.

રીટેલ શૅર્સ

લોકસભાસ્થિત રીટેલમાં એફડીઆઇ વિશેની ચર્ચા વચ્ચે અગ્રણી રીટેલ શૅરો જેમ કે પૅન્ટૅલૂન રીટેલ ૦.૨૪ ટકા, શૉપર્સ સ્ટૉપ ૨.૨૭ ટકા, ટ્રેન્ટ ૧.૪૬ ટકા ઘટ્યા હતા; જ્યારે સ્ટોર વન ૪.૯૨ ટકા, વીટુ રીટેલ ૮.૩૫ ટકા અને અરુણ જ્યોતિ એન્ટરપ્રાઇઝિસ ૭.૯૬ ટકા અપ હતા.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સની ૧૧ કંપનીઓના શૅરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ૧૯ સ્ક્રિપ્સ ઘટી હતી. સેન્સેક્સ સમાવિષ્ટ શૅર્સમાં તાતા પાવર ૪ ટકા વધ્યો હતો. ત્યાર બાદ રિલાયન્સ ૨૦ રૂપિયા (૨.૪૯ ટકા) અપ હતો.

બજારના જાણકારોના મતે કેજી-ડી૬ બ્લૉક માટે કંપનીની રોકાણ યોજનાને ઑઇલ મંત્રાલય મંજૂરી આપી એવી અટકળોને પગલે રિલાયન્સના શૅર્સના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.

એસબીઆઇ, બજાજ ઑટો, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૫૯-૧.૫૩ ટકા સુધર્યા હતા. એમઍન્ડએમ સૌથી અધિક ૧.૭૫ ટકા ડાઉન હતો. ત્યાર બાદ વિપ્રોમાં ૧.૬૫ ટકાની નબળાઈ જોવા મળી હતી. એનટીપીસી, સ્ટરલાઇટ અને ટીસીએસ ૧.૩૪-૧.૨૫ ટકા ડાઉન હતા.

૨૮ કંપનીઓ ટી ગ્રુપમાં

રોકાણકારોનાં હિતો અને બજારની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જે ૭ ડિસેમ્બર, ૨૦૧૨થી ૨૮ સ્ક્રિપ્સને ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓમાં બીએજી ફિલ્મ્સ ઍન્ડ મિડિયા લિમિટેડ, જીઈઆઇ ઇન્ડસ્ટિÿયલ સિસ્ટમ્સ લિમિટેડ, ગ્લોબલ વેક્ટ્રા હેલિકૉર્પ લિમિટેડ, ઇન્ડિયાબુલ્સ હોલસેલ સર્વિસિસ લિમિટેડ, ઇન્ફો ડ્રાઇવ સૉફ્ટવેર લિમિટેડ, એમઆઇસી ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ, રિલાયન્સ મિડિયાવર્ક્સ લિમિટેડ, શેખાવતી પૉલિ યાર્ન લિમિટેડ, શ્રી અષ્ટવિનાયક સિનેવિઝન લિમિટેડ, એસટીઆઇ ઇન્ડિયા લિમિટેડ, વીટુ રીટેલ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે.

૧૫૧ સ્ક્રિપ્સ વર્ષની ઊંચાઈએ

ગઈ કાલે બીએસઈની ૧૫૧ સ્ક્રિપ્સ એના એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં બૉમ્બે ડાઇંગ, અતુલ, સિપ્લા, ફિનોલેક્સ કેબલ્સ, રેમન્ડ, રમા ન્યુઝપ્રિન્ટ, પ્રીમિયર, એશિયન પેઇન્ટ્સ, ઝી એન્ટરટેઇનમેન્ટ, તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ, રિગા શુગર, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ, પૅન્ટૅલૂન રીટેલ, સુવેન લાઇફસાયન્સિસ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, ઍક્સિસ બૅન્ક, એમ ઍન્ડ બી સ્વિચગિયર્સ વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ૭૦ કંપનીઓ ઘટીને બાવન સપ્તાહના નીચા સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં મૅજેસ્ટિક ઑટો, પૅરેમાઉન્ટ પ્રિન્ટ પૅકેજિંગ, રેલિગેર ટેક, ઝુઆરી એગ્રો, એવીટી પ્રોજેક્ટ્સ, જયપ્રભાત ટેક્સ., પેનાર ઍલ્યુમિનિયમ, સધર્ન ઑનલાઇન, ઓરિપ્રો વગેરેનો સમાવેશ થાય છે.

પેપર શૅર્સમાં તેજી

ઇન્ટરનૅશનલ પેપર વેસ્ટ કૉસ્ટ પેપરમાં હિસ્સો ખરીદે એવી અટકળો વચ્ચે વેસ્ટ કૉસ્ટ પેપરમાં પાંચ ટકાની તેજીની સર્કિટ જોવા મળી હતી.

આ ઉપરાંત અન્ય પેપર કંપનીઓ જેમ કે જેકે પેપર ૪.૭૨ ટકા, એપી પેપર ૨.૨૦ ટકા, તામિલનાડુ ન્યુઝપ્રિન્ટ ૧.૮૨ ટકા, રમા ન્યુઝપ્રિન્ટ ૧૨.૨૨ ટકા અપ હતા.

ગ્લોબલ માર્કેટ

ગઈ કાલે એશિયન માર્કેટ સતત બીજા દિવસે કોઈ મોટી વધ-ઘટ જોવા મળી નહોતી. નિક્કી, કોસ્પી, સ્ટ્રેટ ટાઇમ્સ ૦.૨૫-૦.૧૦ ટકા ડાઉન હતા. જોકે સાંઘાઈ કમ્પોઝિટ ૦.૮૦ ટકા અપ હતો.

યુરોપિયન માર્કેટ ખૂલવાની સાથે જ ઘટ્યા હતા. જોકે ત્યાર બાદ ત્યાંનાં બજારોમાં રિકવરી જોવા મળી હતી. ગઈ કાલે સાંજ સુધીમાં યુરોપના સીએસી અને ડેક્સ અનુક્રમે ૦.૭૫ ટકા અને ૦.૩૦ ટકા વધ્યા હતા, જ્યારે એફટીએસઈ સ્થિર હતો.

એફઆઇઆઇ

એફઆઇઆઇએ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) ગઈ કાલે ફરી એક વાર ભારતીય બજારમાંથી ચોખ્ખી ખરીદી કરી હતી. બીએસઈ અને એનએસઈમાં મળીને એફઆઇઆઇની ૨૩૭૧.૩૪ કરોડ રૂપિયાની લેવાલી તથા ૧૮૩૧.૩૯ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક નાણાસંસ્થાઓની ૧૦૬૨.૨૧ કરોડ રૂપિયાની લેવાલી અને ૧૪૯૬.૩૧ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી. આમ એફઆઇઆઇની ૫૩૯.૯૬ કરોડ રૂપિયાની ચોખ્ખી લેવાલી અને સ્થાનિક નાણાસંસ્થાઓની ૪૩૪.૧૦ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી રહી હતી.