રૂપિયો હજી વધુ ઘટીને ૫૪ના લેવલે પહોંચશે

23 November, 2011 09:09 AM IST  | 

રૂપિયો હજી વધુ ઘટીને ૫૪ના લેવલે પહોંચશે

 

જો શૅરબજારને અર્થતંત્રનું બૅરોમીટર ગણીએ તો કરન્સી એ સમગ્ર દેશનું બૅરોમીટર છે. રૂપિયાની નબળાઈ ભારત પર કેટલું પ્રેશર છે એ દર્શાવે છે.

આરબીઆઇ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા)ના ગવર્નર ડી. સુબ્બારાવે ગઈ કાલે હૈદરાબાદમાં કહ્યું હતું કે ‘રૂપિયાના ઘટાડાને રોકવા માટે ફૉરેક્સ માર્કેટમાં દરમ્યાનગીરી કરવાનો નિર્ણય હજી આરબીઆઇએ નથી લીધો. રૂપિયામાં જે વધઘટ થઈ રહી છે એ ગ્લોબલ ફૅક્ટર્સને કારણે થઈ રહી છે. જો દેશના અર્થતંત્ર પર અસર થશે તેમ જ રૂપિયામાં મોટી અફરાતફરી જોવા મળશે તો જ આરબીઆઇ દરમ્યાનગીરી કરશે.’

નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ ગઈ કાલે દિલ્હીમાં કહ્યું હતું કે ‘આરબીઆઇની દરમ્યાનગીરીથી રૂપિયાનો ઘટાડો અટકાવી નહીં શકાય, કારણ કે ગ્લોબલ ફૅક્ટર્સ તેમ જ વિદેશી રોકાણકારોએ પૈસા પાછા લઈ લીધા છે એને કારણે રૂપિયો ઘટ્યો છે.’

રૂપિયો ૧૫ પૈસા ઘટ્યો

બૅન્કો અને ઇમ્પોર્ટ્સ દ્વારા ડૉલરની ખરીદીને કારણે ગઈ કાલે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસ દરમ્યાન રૂપિયો ઘટીને અત્યાર સુધીના સૌથી નીચા લેવલ ૫૨.૭૩ સુધી પહોંચી ગયો હતો, પરંતુ બાદમાં આરબીઆઇ બજારમાં દરમ્યાનગીરી કરશે એવી ધારણાને પગલે રિકવરી જોવા મળી હતી. છેલ્લે રૂપિયો ૧૫ પૈસા ઘટીને ૫૨.૨૯ના લેવલે બંધ રહ્યો હતો.