13 December, 2025 08:43 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ફેડ-રેટમાં ઘટાડાને પગલે અમેરિકન શૅરબજારનો ડાઉ ઇન્ડેક્સ બીજા દિવસે પણ મજબૂત વલણમાં ૪૮૭૫૬ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી સવા ટકો કે ૬૪૬ પૉઇન્ટ વધી ૪૮,૭૦૪ ગુરુવારની મોડી રાતે બંધ થયો છે. નૅસ્ડૅક સુસ્તી જાળવી રાખતાં નહીંવત્ નરમ હતું. ચાંદી નવા બેસ્ટ લેવલ સાથે ૬૫ ડૉલર નજીક સરક્યા પછી રનિંગમાં અડધો ટકો ઘટી ૬૪.૫૦ ડૉલર પર ચાલતી હતી. સોનું હાજર અને વાયદામાં પોણો ટકો વધી ૪૩૦૦ ડૉલર ઉપર ચાલી ગયું છે. બ્રેન્ટ ક્રૂડ અડધો ટકો સુધરી ૬૧.૭૫ ડૉલર દેખાતું હતું. અમેરિકન ડાઉની હૂંફમાં તમામ અગ્રણી એશિયન બજાર શુક્રવારે સુધર્યાં છે. હૉન્ગકૉન્ગ ૧.૬ ટકા, જપાન અને સિંગાપોર દોઢેક ટકો, સાઉથ કરિયા ૧.૪ ટકા, તાઇવાન અડધા ટકાથી વધુ તો ચાઇના અને ઇન્ડોનેશિયા અડધા ટકા નજીક પ્લસ હતું. યુરોપ પણ રનિંગમાં અડધો-પોણો ટકો ઉપર ચાલતું હતું. બિટકૉઇન નજીવા ઘટાડે ૯૨,૨૦૧ ડૉલર દેખાયો છે. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૯૫૬ પૉઇન્ટના સુધારામાં ૧૬,૯૫૩૦ થયું છે. ડૉલર સામે રૂપિયો સૌથી ખરાબ લેવલે ગયો છે. જોકે ઘરઆંગણે શુક્રવાર સારો ગયો છે. બજાર ફરી પાછું ૮૫ની પાર થયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૩૩ પૉઇન્ટ પ્લસ, ૮૫,૦૫૧ ખૂલી નીચામાં ૮૪,૯૫૬ અને ઉપરમાં ૮૫,૩૨૧ નજીક જઈ છેવટે ૪૪૯ પૉઇન્ટની આગેકૂચમાં ૮૫,૨૬૮ તથા નિફ્ટી ૧૪૮ પૉઇન્ટ વધી ૨૬,૦૪૭ બંધ થયો છે. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. મેટલ ઇન્ડેક્સ ૨.૬ ટકા, રિયલ્ટી દોઢ ટકો, ઑઇલ-ગૅસ સવા ટકો, પાવર એક ટકો, યુટિલિટીઝ એક ટકો વધ્યો છે. FMCG ઇન્ડેક્સ નજીવો નરમ હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૦૭૨ શૅરની સામે ૧૦૩૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩.૬૫ લાખ કરોડ વધી ૪૭૦.૨૯ લાખ કરોડે પહોંચ્યું છે. ડૉલર સામે રૂપિયો ૯૦.૫૦ ભણી ધસતાં નવા વર્સ્ટ લેવલે ગયો છે.
તાતા સ્ટીલ ૩.૩ ટકાની તેજીમાં ૧૭૨ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. હિન્દાલ્કો ૩.૩ ટકા ઊંચકાઈ ૮૫૨ હતી. એટર્નલ તથા અલ્ટ્રાટેક ૨.૩ ટકાથી વધુ, નેસ્લે બે ટકા નજીક, JSW સ્ટીલ પોણાબે ટકા, લાર્સન ૧.૬ ટકા, મારુતિ સુઝુકી અને ભારતી ઍરટેલ દોઢેક ટકો, ગ્રાસિમ અને અપોલો હૉસ્પિટલ્સ સવા ટકાથી વધુ અપ હતી. TCS, ટાઇટન, બજાજ ફાઇનૅન્સ, ઍક્સિસ બૅન્ક, અદાણી પોર્ટ્સ, SBI લાઇફ એકાદ ટકા જેવી સુધરી છે. રિલાયન્સ વધુ અડધા ટકાની આગેકૂચમાં ૧૫૫૪ હતી. જિયો ફાઇનૅન્સ પણ અડધા ટકા આસપાસ વધી ૩૦૦ વટાવી ગઈ છે. હિન્દુસતાન યુનીલિવર બે ટકા નજીકની ખરાબીમાં ૨૨૬૧ બંધ થઈ બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર હતી. સનફાર્મા ૦.૭ ટકા, આઇટીસી ૦.૬ ટકા અને એશિયન પેઇન્ટ્સ અડધો ટકો ઘટી છે.
ટ્રાન્સફૉર્મર્સ બૅન્ક રેક્ટિફાયર્સ ૧૨ ગણા કામકાજે સાડાસત્તર ટકાની તેજીમાં ૨૮૧ બંધ આપી એ-ગ્રુપમાં મોખરે હતી. શૅર ઇન્ડિયા ૧૦ ટકા વધી ૧૭૪ તથા અને તરાજ સવાનવ ટકાની મજબૂતીમાં ૫૫૦ થઈ છે. રિફેક્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૦ ટકાના કડાકામાં ૨૫૪ની વર્ષની સૌથી નીચી સપાટીએ બંધ રહી એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. ભાવ વર્ષ પૂર્વે ૫૪૭ હતો. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન્સ ૧૭.૫૩નું વર્ષનું તળિયું દેખાડી પાંચ ટકા ગબડી ૧૮ બંધ રહી છે. તાતા ટેલિ સાડાત્રણ ટકા નજીક નરમ હતી. લગભગ ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇન સાથે આગલા દિવસે ૧૬૩ ઉપર બંધ થયેલી લક્ઝરી ટાઇમ ગઈ કાલે ૧૬૮ની ઑલટાઇમ હાઈ બનાવી પાંચ ટકા તૂટી ૧૫૫ બંધ આવી છે. વેસ્ટર્ન ઓવરસીઝ પાંચ ટકાની નીચલી સર્કિટે બાવનના નવા તળિયે ગઈ છે.
ફન્ડામેન્ટલ્સવિહોણી કચ્છની નૅપ્ચ્યુન લૉજિસ્ટિકનો ઇશ્યુ સોમવારે
સોમવારે SME સેગમેન્ટમાં કચ્છની લૉજિસ્ટિક કંપની નૅપ્ચ્યુન લૉજિસ્ટિક ૧૦ના શૅરદીઠ ૧૨૬ના ભાવથી ૪૬૬૨ લાખનો BSE SME ઇશ્યુ કરશે. કંપનીએ ગયા વર્ષે ૪૮ ટકા વધારામાં ૨૬૧ કરોડની આવક પર ૯૧૬ લાખ નેટ નફો બતાવી દીધો છે. જ્યારે અગાઉના ૨૦૨૩-૨૪ના વર્ષે ૧૭૬ કરોડની આવક પર ઝીરો પ્રૉફિટ હતો. એની અગાઉ ૧૮૮ કરોડની આવક પર ૧૮ લાખની નેટ લૉસ કરી હતી. ચાલુ વર્ષે પાંચ મહિનામાં આવક ૧૦૫ કરોડ અને નફો ૪૦૨ લાખ કર્યો છે. દેવું ૫૬૪૦ લાખ છે. ઇશ્યુના ભંડોળમાંથી કંપની ૩૪ કરોડ નવી ટ્રક્સ તેમ જ ઇક્વિપમેન્ટ્સની ખરીદીમાં વાપરશે. ગ્રેમાર્કેટમાં હાલમાં પ્રીમિયમ નથી.
દરમ્યાન ગઈ કાલે ૩ SME ઇશ્યુ લિસ્ટેડ થયા છે જેમાં ગોરેગામની સ્કેલસોસ અર્થાત્ એન્કમ્પાસ ડિઝાઇન ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૦૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ભરણું છેક બંધ થયું ત્યારે ત્રણ રૂપિયાથી શરૂ થઈ જબ્બર સ્પાઇકમાં છેલ્લે બોલાતા ૮૦ના પ્રીમિયમ સામે ૨૦૩ ખૂલી ૧૯૩ બંધ થતાં ૮૦.૫ ટકા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. કુલ ૪૦૨૧ લાખનો આ NSE SME IPO રીટેલમાં ૧.૭ ગણા સહિત માંડ ૨.૨ ગણો ભરાયો હતો. બૅન્ગલોરની મેથડહબ સૉફ્ટવેર ૧૦ના શૅરદીઠ ૧૯૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૫થી શરૂ થઈ ઉપરાંત ૩૫ થયા બાદ છેલ્લે ૧૭ થયેલા પ્રીમિયમ સામે ૧૫૫ ખૂલી ૧૬૩ બંધ થતાં ૧૬ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. ગુડગાંવની ફ્લાયવિંગ્સ સીમ્યુલેટર ટ્રેઇનિંગ સેન્ટર ૧૦ના શૅરદીઠ ૧૯૧ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ પહેલેથી ઝીરો કામકાજ સાથે ૧૯૫ ખૂલી ૨૦૫ બંધ રહેતાં એમાં સવાસાત ટકા લિસ્ટિંગ ગેઇન મળે છે.
સોમવારે મેઇનબોર્ડમાં અમદાવાદની કોરોના રેમેડીઝ તેમ જ બૅન્ગલોરની વેકફિટ ઇનોવેશન્સનું લિસ્ટિંગ છે. હાલમાં કોરોનામાં ૩૧૦ રૂપિયા અને વેકફિટમાં ઝીરો પ્રીમિયમ બોલાય છે. આ ઉપરાંત SME સેગમેન્ટમાં થાણેની કેવી ટૉય્ઝ, અંધેરી-ઈસ્ટની પોડોક્સ સૉલ્યુશન્સ તથા ગુજરાતના ગોંડલની રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સનું લિસ્ટિંગ સોમવારે થવાનું છે. હાલમાં કેવી ટૉય્ઝમાં પ્રીમિયમ ૧૫૧ રૂપિયા બોલાય છે. પ્રોડોક્સમાં ઝીરો અને રિદ્ધિમાં ઝીરો પ્રીમિયમ છે.
ICICI પ્રુડેન્શિયલ AMCના મેગા ઇશ્યુનું પ્રીમિયમ ઊછળીને ૧૯૨ રૂપિયે
મેઇનબોર્ડમાં ગઈ કાલે હાઈ-પ્રોફાઇલ ICICI પ્રુડેન્શિયલ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીનો એકના શૅરદીઠ ૨૬૫ની ભારે અપરબૅન્ડ સાથે લગભગ ૧૦,૬૦૭ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ખૂલ્યો છે જે પ્રથમ દિવસે રીટેલમાં ૨૧ ટકા સહિત કુલ ૫૪ ટકા ભરાયો છે. પ્રીમિયમ છેલ્લે ૧૫૦ હતું એ ઊછળીને અત્યારે ૧૯૨ ચાલે છે. જ્યારે હૈદરાબાદની નેફ્રોકૅર હેલ્થ સર્વિસિસનો બેના શૅરદીઠ ૪૬૦ની ઇશ્યુ પ્રાઇસવાળો ૮૭૧ કરોડનો IPO એના આખરી દિવસે રીટેલમાં ૨.૨ ગણા સહિત કુલ ૧૪ ગણા પ્રતિસાદમાં અને નવી દિલ્હીની પાર્ક મેડિવર્લ્ડનો બેના શૅરદીઠ ૧૬૨ની ઇશ્યુ પ્રાઇસવાળો ૯૨૦ કરોડનો ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં સવાત્રણ ગણા અને કુલ ૮.૫ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. નેફ્રોકૅરમાં ૧૨વાળું પ્રીમિયમ હાલમાં વધીને ૧૪, તો પાર્કે મેડિવર્લ્ડમાં ૯વાળું પ્રીમિયમ ઘટીને અત્યારે ૪ બોલાય છે.
SME સેગમેન્ટમાં ગઈ કાલે ત્રણ ભરણાં ખૂલ્યાં છે. પ્રથમ દિવસે અમદાવાદી સ્ટેનબીક ઍગ્રોનો ૧૦ના શૅરદીઠ ૩૦ના ભાવનો ૧૨૨૮ લાખનો BSE SME ઇશ્યુ કુલ પાંચ ટકા, હરિયાણાના ગુડગાંવની એક્ઝિમ રાઉટ્સનો પાંચના શૅરદીઠ ૮૮ના ભાવનો ૪૩૭૩ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૫૦ ટકા તથા થાણેની અશ્વિની કન્ટેઇનર મૂવર્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૨ના ભાવનો ૭૧ કરોડનો NSE SME IPO કુલ ૨૦ ટકા ભરાયો છે. હાલમાં એક્ઝિમમાં ૯, અશ્વિનીમાં ૯ અને સ્ટેનબીકમાં ઝીરો પ્રીમિયમ ક્વોટ થાય છે.
અમદાવાદી HRS એલ્યુગ્લેઝનો ૧૦ના શૅરદીઠ ૯૬ના ભાવનો ૫૦૯૨ લાખનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૮ ગણો તથા નવી દિલ્હીની પેજ સન ઍગ્રો ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૭૪૪૫ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૨.૩ ગણો ભરાયો છે. હાલમાં HRSમાં ૧૪ અને પેજસનમાં ૬ રૂપિયા પ્રીમિયમ સંભળાય છે. જ્યારે કર્ણાટકાના હાવેરી ખાતેની યુનિસેમ ઍગ્રોટેકનો પાંચના શૅરદીઠ ૬૫ના ભાવનો ૨૧૪૫ લાખનો BSE SME ઇશ્યુ ગઈ કાલે એના આખરી દિવસે રીટેલમાં ૨.૩ ગણા સહિત કુલ બે ગણા પ્રતિસાદમાં અને મૅન્ગલોરની શિપવેવ્સ ઑનલાઇનનો એકના શૅરદીઠ ૧૨ના ભાવનો ૫૬૩૫ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ત્રણ ગણા સહિત કુલ ૧.૭ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. હાલમાં યુનિસેમમાં ઝીરો અને શિપવેવ્સમાં પણ ઝીરો પ્રીમિયમ છે.
મિનરલ્સ શૅરોમાં વૉલ્યુમ સાથે ખાસ્સી તેજી
મામા અર્થવાળી હોનાસા કન્ઝ્યુમર દ્વારા મેન્સ પર્સનલ કૅર પ્રોડક્ટ્સ બ્રૅન્ડ રેજિનાલ્ડ મેનનો ૯૫ ટકા હિસ્સો ૧૯૫ કરોડમાં હસ્તગત કરવાની જાહેરાત કરવામાં આવતાં શૅર ઉપરમાં ૨૬૯ થઈ બે ટકા વધી ૨૬૨ ગઈ કાલે બંધ થયો છે. બજાજ કન્ઝ્યુમર કૅર તરફથી ૧૦૮ કરોડની એન્ટરપ્રાઇઝિસ વૅલ્યુ સાથે બંજારા બ્રૅન્ડથી હેર ઍન્ડ સ્કિન કૅર પ્રોડક્ટસ વેચતી વિશાલ પર્સનલ કૅર પ્રાત્તસેટ લિમિટેડને ૧૨૦ કરોડમાં બે તબક્કે પૂર્ણતઃ ટેકઓવર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. શૅર ઉપરમાં ૨૫૯ બતાવી એક ટકો ઘટી ૨૫૪ રહ્યો છે. ભારત રસાયણ શૅરદીઠ એક બોનસ અને એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ઉપરમાં ૨૮૪૪ થઈ સાડાસાત ટકા કે ૧૮૬ રૂપિયા ઊછળી ૨૬૬૨ બંધ થયો છે. મિસિસ બેક્ટર ફૂડ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ઉપરમાં ૨૭૮ થઈ અઢી ટકા વધી ૨૬૮ હતો. નાગાર્જુના ઍગ્રીકેમ અર્થાત્ NACL ઇન્ડસ્ટ્રીઝ ૩૧ શૅરદીઠ પાંચના પ્રમાણમાં શૅરદીઠ ૭૬.૭૦ના ભાવે રાઇટમાં એક્સ-રાઇટ થતાં પોણાબે ટકા ઘટી ૧૭૪ થયો છે. ભાવ NSEમાં ૧૦.૨ ટકા ગગડી ૧૭૨ હતો. ચાંદીના બુલરનના સથવારે હિન્દુસ્તાન ઝિન્ક ૫૬૭ની ૧૬ મહિનાની નવી ટૉપ હાંસલ કરી પાંચ ગણા વૉલ્યુમે ૭.૫ ટકા ઊછળી ૫૬૧ થઈ છે. ૨૦૨૪ની ૨૦ મેએ અહીં ૮૦૮ નજીકની ઑલટાઇમ હાઈ બની હતી. એની પાછળ વેદાન્તા પણ ચાર ગણા કામકાજે ૫૪૬ની ઉપર સર્વોચ્ચ સપાટી નોંધાવી ૨.૭ ટકા વધીને ૫૪૩, તો હિન્દાલ્કો ૨૧ ગણા ભારે વૉલ્યુમમાં ૩.૪ ટકા ઊંચકાઈ ૮૫૨ થઈ છે. અન્ય મેટલ શૅરોમાં પણ ગઇ કાલે નોંધપાત્ર તેજી રહેતાં મેટલ ઇન્ડેક્સ ૧૩માંથી ૧૩ શૅર પ્લસમાં આપી ૨.૬ ટકા કે ૮૭૮ પૉઇન્ટ મજબૂત બન્યો છે. નાલ્કો ૨૮૦ની વિક્રમી સપાટી બતાવી ૫.૩ ટકાના જોરમાં ૨૭૯ થઈ છે. તાતા સ્ટીલ સેન્સેક્સમાં અને હિન્દાલ્કો નિફ્ટીમાં ટૉપ ગેઇનર હતી. NMDC ૩.૪ ટકા, સેઇલ બે ટકા, JSW સ્ટીલ ૧.૮ ટકા, જિન્દલ સ્ટીલ ૧.૮ ટકા, જિન્દલ સ્ટેનલેસ અડધો ટકો વધ્યા છે. મિનરલ્સ શૅરમાં GMDC ૫.૨ ટકાનો જમ્પ મારી ૫૨૦ થઈ છે. MOIL ૫.૪ ટકા, ગ્રેવિટા ઇન્ડિયા ૪.૩ ટકા, આશાપુરા માઇનકેમ ૬.૧ ટકા, ઓડિશા મિનરલ્સ ૨.૮ ટકા પ્લસ હતી. સાંડૂર મૅન્ગેનીઝ બાર ગણા કામકાજે ઉપરમાં ૨૨૧ થઈ નવ ટકાના ઉછાળે ૨૧૬ બંધ રહી છે. હિન્દુસ્તાન કૉપર ૩૮૫ની દોઢ વર્ષ કરતાં વધુની નવી ટોચે જઈ સાત ટકાની લાલીમાં ૩૮૨ થયો છે.
વોડાફોન દોઢા કામકાજે ૧૧.૬૭ની નવી ઐતિહાસિક ટૉપ સિસ્ટમ્સ ૫૮૦ ગણા ચિક્કાર વૉલ્યુમે ઉપરમાં ૯૯૯ બતાવી ૧૩.૪ ટકા કે ૧૧૫ રૂપિયાના જમ્પમાં ૯૭૮ બંધ આવી છે. આગલા દિવસના તગડા ઉછાળા બાદ શક્તિ પમ્પ્સ ઉપરમાં ૬૬૧ બતાવી ત્રણ ટકા વધી ૬૫૦ તો નિઓજેમ કેમિકલ્સ ૧૧૪૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણો ટકો ઘટી ૧૦૯૧ રહી છે. ઇન્ડસ્ટ્રિયલ ગૅસ બનાવતી રિફેક્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૫૪ના વર્ષના તળિયે જઈ ૨૦ ટકા તૂટી ત્યાં જ બંધ થઈ છે.