16 May, 2026 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગઈ કાલે ૧૫ મેએ ડૉલરની સરખામણીએ રૂપિયો વધુ ૫૦ પૈસા ગગડીને પહેલી વાર ૯૬ રૂપિયાના સ્તરને પાર કરીને રેકૉર્ડબ્રેક નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ પહેલાં ગુરુવારે રૂપિયો ૯૫.૬૪ રૂપિયા પહોંચ્યો હતો. છેલ્લા થોડાક મહિનાથી રૂપિયાની કિંમત સતત ઘટી રહી છે. ૨૦૨૬ની શરૂઆતથી જ રૂપિયો દબાણમાં છે. ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં પહેલી વાર રૂપિયો ૯૦ રૂપિયાના સ્તરને પાર પહોંચ્યો હતો. એ પછી રૂપિયાની કિંમતમાં સતત અને અતિશય ઝડપી ઘટાડો થયો છે. માર્કેટના એક્સપર્ટ્સનું માનવું છે કે જો હજી પણ કાચા તેલની કિંમતો વધતી જ રહી અને જિયોપૉલિટિકલ તનાવ ઘટ્યો નહીં તો બહુ જલદીથી રૂપિયો ૧૦૦ના આંકડાને પણ પાર કરી જઈ શકે છે.
અમેરિકા-ઈરાન યુદ્ધ : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે હોર્મુઝ રૂટ પર સપ્લાય અવરોધાવાને કારણે બજારમાં ડર પેદા થઈ ગયો છે. રોકાણકારો સુરક્ષિત રોકાણો માટે ડૉલર તરફ ભાગી રહ્યા છે.
કાચા તેલના ભાવ : ભારતની કુલ જરૂરિયાતનું ૮૫ ટકા કાચું તેલ આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રૅન્ટ ક્રૂડ ૧૦૭ ડૉલર પ્રતિ બૅરલને પાર નીકળી ગયું છે. તેલ મોંઘું થવાથી ભારતને વધુ ડૉલર ચૂકવવા પડી રહ્યા છે અને રૂપિયા પર દબાણ વધ્યું છે.
ડૉલરની મજબૂતી : દુનિયાની મુખ્ય છ કરન્સીની સરખાણીમાં ડૉલરની મજબૂતી માપતો ઇન્ડેક્સ ૯૯.૦૫ના સ્તર પર પહોંચી ગયો છે. ગ્લોબલ માર્કેટમાં ડૉલર મજબૂત થતાં રૂપિયો અને અન્ય એશિયન કરન્સી નબળી પડે છે.
વિદેશી રોકાણકારો છૂટી રહ્યા : વિદેશી રોકાણકારો ભારતીય શૅરબજારમાંથી સતત પૈસા કાઢી રહ્યા છે. બજારમાંથી ડૉલર બહાર જવાને કારણે રૂપિયાની વૅલ્યુ ઘટી રહી છે.