17 December, 2025 08:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં પહેલી વાર રૂપિયો ૩૬ પૈસા ગગડીને અમેરિકન ડૉલર સામે ૯૧ના સ્તરને પાર કરી ગયો હતો, જે ફૉરેન ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન (FII)ના સતત આઉટફ્લો અને ભારત-અમેરિકા ટ્રેડ-ડીલ અંગે સ્પષ્ટતાના અભાવને કારણે ઘટ્યો હતો. છેલ્લાં ૧૦ ટ્રેડિંગ-સત્રોમાં રૂપિયો ૯૦ પ્રતિ ડૉલરથી ઘટીને ૯૧ પર આવી ગયો છે. સવારે ૧૧.૪૫ વાગ્યે અમેરિકન ડૉલર સામે રૂપિયો ૯૧.૧૪ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આંતરબૅન્ક વિદેશી વિનિમય પર રૂપિયો ૯૦.૮૭ પર ખૂલ્યો હતો અને સત્ર આગળ વધતાં સતત ઘટતો રહ્યો હતો. સોમવારે પણ રૂપિયો અમેરિકન ડૉલર સામે ૯૦.૭૮ના નવા સર્વકાલીન નીચલા સ્તરે સ્થિર થયો હતો, જે એના પાછલા બંધ કરતાં ૨૯ પૈસાનો ઘટાડો દર્શાવે છે.
જોકે નિષ્ણાતો માને છે કે રૂપિયાના ઘટાડામાં સરકારનો સક્રિય હસ્તક્ષેપનો અભાવ એ એક ઇરાદાપૂર્વકની રણનીતિનો ભાગ હોઈ શકે છે. તેઓ માને છે કે આ નિકાસ સ્પર્ધાત્મકતા જાળવવાનો હેતુ હોઈ શકે છે. જો રૂપિયો અમુક અંશે ઘટે તો આ શક્ય છે.
ભારતીય રૂપિયો રેકૉર્ડ નીચા સ્તરે પહોંચી જતાં એ એશિયન ચલણોમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારું ચલણ બન્યો છે. વેપાર સંતુલન ડેટામાં સુધારો થયો હોવા છતાં રૂપિયાને કોઈ ટેકો મળ્યો નથી. આ વર્ષે રૂપિયામાં ૬ ટકાનો ઘટાડો થયો છે.