16 May, 2026 07:57 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બ્રેન્ટ ક્રૂડ રાબેતા મુજબ ૧૦૭-૧૦૮ ડૉલરની આસપાસ મક્કમ છે. વિશ્વબજારમાં સોનું વાયદામાં અઢી ટકા અને હાજરમાં પોણાબે ટકા ઘટી ૪૫૭૦ ડૉલર ઉપર દેખાયું છે. ચાંદી વાયદો સાડાઆઠ ટકા તૂટી ૭૮ ડૉલર નીચે જોવા મળ્યો છે. બિટકૉઇન ૮૧,૦૦૦ ડૉલરની અંદર અટકેલો છે. ડૉલર સામે રૂપિયો ૯૫.૭૭ના આગલા વરવા વર્સ્ટ ક્લોઝિંગ સામે ગઈ કાલે ૯૬.૧૫ થઈને ૯૫.૯૬ આસપાસ ચાલતો હતો. અગ્રણી એશિયન શૅરબજાર શુક્રવારે ડાઉન થયાં છે. સાઉથ કોરિયા ૮૦૪૭ની ઑલટાઇમ હાઈ બનાવી ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં ૬ ટકા પ્લસની ખુવારીમાં ૭૪૯૩ હતું. જપાન પ્રારંભિક સુધારા બાદ અઢી ટકા કે ૧૬૪૯ પૉઇન્ટ ગગડી ૬૧,૦૦૫ રહ્યો છે. તાઇવાન ૪૨,૪૦૯ નજીક સર્વોચ્ચ સપાટી બનાવી ૧.૪ ટકાની નરમાઈમાં ૪૧,૧૭૨ બંધ આવ્યું છે. હૉન્ગકૉન્ગ દોઢ ટકો, થાઇલૅન્ડ અને ચાઇના એક-એક ટકો નરમ હતા. ઇન્ડોનેશિયા રજામાં હતું. યુરોપ નબળા ઓપનિંગ બાદ રનિંગમાં અડધાથી એક ટકો નીચે ચાલતું હતું.
ઘરઆંગણે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટરે ત્રણેક રૂપિયાનો વધારો કર્યો છે. વાત આટલેથી નહીં અટકે, આ તો શરૂઆત છે. સેન્સેક્સ આગલા બંધથી ૯૮ પૉઇન્ટ પ્લસ ખૂલી અંતે ૧૬૧ પૉઇન્ટની પીછેહઠમાં ૭૫૨૩૮ તથા નિફ્ટી ૪૬ પૉઇન્ટ ઘટી ૨૩,૬૪૩ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૭૫,૮૭૦ થઈ નીચામાં ૭૫,૧૩૯ થયો હતો. માર્કેટકૅપ ૨.૨૬ લાખ કરોડ ઘટી ૪૬૦.૫૯ લાખ કરોડ થયું છે. હેલ્થકૅર ઇન્ડેક્સ નવા બેસ્ટ લેવલે જઈ ૯૫ પૉઇન્ટ વધ્યો હતો. મેટલ બેન્ચમાર્ક નવી સર્વોચ્ચ સપાટી બતાવી બે ટકા ગગડ્યો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ અડધો ટકો વધી વર્ષના નવા શિખરે ગયો છે. IT ઇન્ડેક્સ ખરાબીમાં વિરામ લેતાં એક ટકો વધ્યો છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧.૮ ટકા, તો એનર્જી ઇન્ડેક્સ ૧.૧ ટકા નરમ થયો છે. બૅન્ક નિફ્ટી પોણો ટકો માઇનસ હતો. નિફ્ટી મીડિયા બે ટકા તથા નિફ્ટી FMCG અડધો ટકો પ્લસ હતો.
ચાંદીના ભાવમાં વિશ્વ સ્તરે નબળાઈના પગલે ઘરઆંગણે હિન્દુસ્તાન ઝિન્ક પોણાપાંચ ટકા, નાલ્કો ત્રણ ટકા, વેદાન્તા સવાબે ટકા, હિન્દુસ્તાન કૉપર ૬ ટકા ગગડી છે. તો હિન્દાલ્કો ૩.૩ ટકા માઇનસ થઈ છે. MCX બુલરન જાળવી રાખતાં ૩૪૨૧ની ટોચે જઈ દોઢ ટકો વધી ૩૩૯૧ હતી. BSE લિમિટેડ ૪૦૮૪ના નવા શિખરે જઈ એક ટકો ઘટી ૪૦૦૦ રહી છે. નઝારા ટેક્નૉલૉજીઝ ૭૧૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૨.૭ ટકા ઊછળીને ૩૦૦ બંધમાં એ-ગ્રુપમાં ઝળકી હતી. સારેગામા ઇન્ડિયા પરિણામનો કરન્ટ જાળવી રાખતાં ૪૪૩ નજીક જઈ ૮.૨ ટકાના આગેકૂચમાં ૪૧૭ થઈ છે.
પેટ્રોલ-ડીઝલનો લીટરે ૩ રૂપિયાનો વધારો પૂરતો ન હોય એમ ગઈ કાલે ઇન્ડિયન ઑઇલ ચાર ટકા, ભારત પેટ્રોલિયમ ૩.૬ ટકા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૨.૯ ટકા ઘટીને બંધ રહી છે. પરિણામ પૂર્વે તાતા સ્ટીલ ૨૨૪ ઉપર નવી વિક્રમી સપાટી નોંધાવી બે ટકા ઘટી ૨૧૭ રહી છે, તો સેઇલ ૩.૪ ટકા ડાઉન થઈ છે.
હુડકોનો ત્રિમાસિક નેટ નફો ૧૭૨ ટકા વધ્યો છે પણ વેરા પૂર્વેનો નફો ૩૯ ટકા ઘટ્યો છે. એમાં શૅર નીચામાં ૨૦૫ થઈ ૭.૭ ટકા લથડી ૨૦૬ થયો છે.
ફ્રન્ટલાઇન IT શૅરમાં ગઈ કાલે ખરાબી અટકી છે. ટેક મહિન્દ્ર બે ટકા, ઇન્ફોસિસ ૨.૧ ટકા, TCS પોણો ટકા વધીને બજારને કુલ ૯૮ પૉઇન્ટ ફળી છે. લાટિમ સવા ટકો, વિપ્રો પોણો ટકો પ્લસ હતો. HCL ટેક્નૉલૉજીઝ ૦.૭ ટકા સુધરી છે. ભારતી ઍરટેલ આગલા દિવસની મજબૂતી આગળ વધારતાં ૧.૧ ટકા વધી ૧૯૦૪ હતી. પાવરગ્રિડ, મારુતિ, હિન્દુસ્તાન યુનિલીવર, કોટક બૅન્ક એકથી સવા ટકો સુધરી હતી. નિફ્ટી ખાતે તાતા મોટર્સ પૅસેન્જર બ્રોકર્સ હાઉસિસના બેરિશ વ્યુને અવગણી સવા પાંચ ટકાની તેજીમાં ૩૫૬ બંધ આપી ટૉપ ગેઇનર બની છે. કોલ ઇન્ડિયા ૧.૮ ટકા પ્લસ હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ સુધારાની હૅટ ટ્રિકમાં અઢી ટકા વધી ૧૩૩૭ રહી છે.
રિલાયન્સ દોઢા કામકાજે નીચામાં ૧૩૨૯ બતાવી ૧.૯ ટકા ઘટી ૧૩૩૬ બંધમાં સેન્સેક્સને ૧૪૫ પૉઇન્ટ નડી છે. જિયો ફાઇનૅન્સ અડધો ટકો નરમ હતી. સ્ટેટ બૅન્ક ૧.૭ ટકા, મહિન્દ્ર દોઢ ટકો, અલ્ટ્રાટેક ૧.૮ ટકા, ભારત ઇલેક્ટ્રિક સવા ટકો ઘટી હતી. નિફ્ટી ખાતે હિન્દાલ્કો ૩.૨ ટકા અને સેન્સેક્સમાં તાતા સ્ટીલ બે ટકા ખરડાઈ છે.
IT કંપની ઝગલ પ્રી-પેઇડ આગલા દિવસના ૨૦ ટકાના કડાકા પછી ગઈ કાલે નીચામાં ૨૦૭ થઈને ૭.૫ ટકા ખરડાઈને ૨૧૦ હતી. કાયનેસ ટેક્નૉલૉજીઝ પણ ૨૦ ટકાની મંદીની સર્કિટને આગળ વધારતાં ગઈ કાલે ૩૧૮૨ની બોટમ બતાવી બે ટકા ઘટીને ૩૭૭૨ થઈ છે. હિન્દુસ્તાન ઍરોનોટિક્સ રિઝલ્ટના પગલે નીચામાં ૪૩૭૦ થઈ ૪.૯ ટકા કે ૨૨૪ રૂપિયા ગગડી ૪૩૮૬ થઈ છે. ઓલા ઇલેક્ટ્રિકનાં રિઝલ્ટ ૧૮મીએ છે. શૅર ગઈ કાલે પોણો ટકો ઘટી ૩૫.૭૦ હતો.
અપોલો ટાયર્સની ત્રિમાસિક આવક સવાચૌદ ટકા વધી ૭૩૩૬ કરોડ થઈ છે. નફો ૨૪૨ ટકા વધીને ૬૩૧ કરોડ આવ્યો છે. શૅર ઉપર ૪૨૯ થઈ ૧.૮ ટકા ઘટી ૩૯૪ થયો છે. દાવત ફેમ LT ફૂડ્સે ૩૦.૪ ટકા વધારામાં ૨૯૦૭ કરોડની આવક મેળવી છે, પણ નફો ૧૫.૫ ટકા ઘટી ૧૩૬ કરોડ નીચે ગયો છે. ભાવ નીચામાં ૩૯૫ થઈ સામાન્ય ઘટાડે ૪૦૯ હતો. દિલીપ બિલ્ડકોનની આવક ૨૫.૭ ટકા ઘટી ૨૩૦૦ કરોડની નજીક તથા નેટ નફો ૬૩.૭ ટકા ગગડી ૬૨ કરોડ નોંધાયો છે. શૅર નીચામાં ૪૪૦ બતાવી ૬.૮ ટકા તૂટી ૪૪૦ હતો. શીલા ફોમ્સની આવક ૨૩.૬ ટકા વધીને ૧૦૫૦ કરોડ થઈ છે. નફો ૧૩ કરોડથી વધીને સાતેક ગણો, ૯૧.૩ કરોડ જોવા મળ્યો છે. શૅર ઉપરમાં ૬૫૨ થઈ ૧૧.૪ ટકા ઊછળી ૬૦૫ હતો.
ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગની ત્રિમાસિક આવક ૨૩.૬ ટકા વધી ૧૫૧૧ કરોડ તથા નેટ પ્રૉફિટ ૧૮૮ ટકા વધી ૧૦૪૪ કરોડ નોંધાયો છે. શૅર ૧૬૪૩ની ટોચે જઈ ૪.૭ ટકા વધી ૧૫૫૪ હતો. વૉલ્ટાસે અઢી ટકાના વધારામાં ૪૮૪૩ કરોડની આવક પર ૫૧.૮ ટકાના વૃદ્ધિદરથી ૧૧૬ કરોડ નફો મેળવ્યો છે. શૅર નીચે ૧૨૨૫ થઈ પાંચેક ટકા ગગડી ૧૨૩૧ રહ્યા છે. વેલસ્પન એન્ટરપ્રાઇઝિસની આવક પોણાચૌદ ટકા વધી ૧૧૯૯ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૪૫ ટકા જેવા વધારામાં ૧૪૫ કરોડને વટાવી ગયો છે. શૅર ઉપરમાં ૫૩૦ બતાવી સવાબે ટકા ઘટી ૫૦૬ બંધ હતો. તાતા મોટર્સ પૅસેન્જરમાં પરિણામ બાદ સિટી તરફથી ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૩૧૦ કરવામાં આવી છે. શૅર જોકે સવાપાંચ ટકા વધીને ૩૫૬ બંધ આવ્યો છે.
બ્લૂમબર્ગનો અહેવાલ જોતાં લાગે છે કે ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપ માટે બહુ સારા સમાચાર નજીકમાં છે. આ અહેવાલ જણાવે છે કે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ તથા સિક્યૉરિટીઝ એક્સચેન્જ કમિશન (સેક) તરફથી ગૌતમ અદાણી, સાગર અદાણી તથા અદાણી ગ્રુપની સંબંધિત કંપની પર ૨૬૫૦ લાખ ડૉલર (આશરે ૨૨૦૦ કરોડ રૂપિયા)ની લાંચરુશત તેમ જ છેતરપિંડીના આક્ષેપ સાથે જે કાનૂની કારવાઈ હાથ ઘરવામાં આવી હતી એને પડતી મૂકવાનું વિચારાયું છે. કથિત ફ્રૉડના કેસમાં કારવાઈ પડતી મૂકવાના બદલામાં ગૌતમ અદાણી ૬૦ લાખ ડૉલર તથા સાગર અદાણી ૧૨૦ લાખ ડૉલર અર્થાત્ કુલ ૧૭૨ કરોડ રૂપિયા અમેરિકન સેકને ચૂકવવા સહમત થયા છે. જો આ અહેવાલ સાચો ઠરે તો એ ગૌતમ અદાણી આણિ મંડળી માટે જબરી રાહત પુરવાર થશે.
બ્લૂમબર્ગનો અહેવાલ ગુરુવારે બજાર બંધ થયા પછી મોડી સાંજે આવ્યો હતો, પરંતુ ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો શૅર એ પહેલાં જ પાંચ ગણા વૉલ્યુમે ૨૭૨૦ નજીકની દોઢ વર્ષની ટૉપ બનાવી સાડાઆઠ ટકા કે ૨૧૪ રૂપિયા ઊછળીને ૨૭૧૩ બંધ થયો હતો. ગઈ કાલે એ ૨૮૦૦ની નવી ટોચે જઈને નજીવો સુધરી ૨૭૧૭ રહ્યો છે. અદાણી પોર્ટ્સ આગલા દિવસે બે ટકા વધ્યા બાદ ગઈ કાલે ૧૮૨૪નું શિખર બતાવી સવા ટકો વધી ૧૭૯૬ હતી. અદાણી પાવર ઉપરમાં ૨૩૦ જઈ દોઢ ટકો ઘટીને ૨૨૧, અદાણી એનર્જી ઉપરમાં ૧૩૭૪ બતાવી એક ટકો ઘટી ૧૩૦૬, અદાણી ગ્રીન ૧૪૭૨ની દોઢ વર્ષની ટૉપ બનાવી ત્રણ ટકા ઘટી ૧૭૭૪ તથા અદાણી ટોટલ અડધા ટકો વધીને ૬૧૭ બંધ થઈ છે.
સોમવારે નવી દિલ્હીની NEP સંપૂર્ણ ફૂડ્સ ૧૦ના શૅરદીઠ ૫૫ રૂપિયાની અપર બૅન્ડમાં ૨૫ કરોડનો NSE SME ઇશ્યુ કરવાની છે. QIB પોર્શન માંડ એક ટકો તથા રીટેલ પોર્શન ૪૭ ટકા છે. ૨૦૧૯માં સ્થપાયેલી આ કંપની ડ્રાય ફૂડ્સ, મુખ્યત્વે કેશ્યુ નટ્સનું પ્રોસેસિંગ કરી એનો વેપાર કરે છે. ૨૦૨૪-’૨૫માં કંપનીએ ૪૯૬ ટકા વધારામાં ૩૫૭૬ લાખની આવક પર ૧૬૮૦ ટકા વૃદ્ધિદરથી ૨૬૭ લાખ નેટ નફો બતાવ્યા પછી ગયા વર્ષે પ્રથમ ૮ મહિનામાં જ ૩૬૯૬ લાખની આવક અને ૩૪૯ લાખ ચોખ્ખો નફો દર્શાવ્યો છે. દેવું આઠ મહિનામાં ૧૧૩૬ લાખથી વધી ૨૪૯૪ લાખ થયું છે. ઇશ્યુમાંથી ૯૫૦ લાખ દેવાની ચુકવણીમાં અને ૭૨૫ લાખ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. મૂળ ભરણું ફેબ્રુઆરીમાં આવવાનું હતું પણ એ મોકૂફ રખાયું હતું. આ દરમ્યાન માર્કેટમેકર બદલી નખાયો છે. ૨૦૨૪-’૨૫ની કમાણીની રીતે ઇશ્યુ પ્રાઇસ ૨૬નો PE સૂચવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.
અંધેરી-વેસ્ટની સિમ્કા ઍડ્વર્ટાઇઝિંગ ૧૦ના શૅરદીઠ ૧૮૩ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૧થી શરૂ થઈ ઉપરમાં ૩૦ થયા બાદ છેલ્લે બોલાતા બે રૂપિયાના પ્રીમિયમ સામે ગઈ કાલે NSEમાં ૧૫૬ ખૂલી ૧૬૪ નજીક બંધ રહેતાં સાડાદસ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. ૫૮૦૪ લાખનો આ SME IPO રીટેલમાં ૭૧ ગણા સહિત કુલ ૮૧ ગણો છલકાયો હતો. નાગપુરની ગોલ્ડલાઇન ફાર્માસ્યુટિકલ્સ ૧૦ના શૅરદીઠ ૪૩ના ભાવનો ૧૧૬૧ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૮૪૧ ગણો તથા હિંમતનગરની RFBL ફ્લેક્સી પૅકનો ૫૦ના ભાવનો ૩૫૩૩ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૨૧.૫ ગણો ભરાઈને ગુરુવારે પૂરો થયો છે. બન્નેનું લિસ્ટિંગ મંગળવારે છે. ગોલ્ડલાઇનમાં ૧૫નું તો RFBLમાં બે રૂપિયાનું પ્રીમિયમ હાલ બોલાય છે.