ચોખાબજારમાં મંદીનો માહોલ : ભાવ વધુ ઘટવાનો અંદાજ

13 October, 2014 04:21 AM IST  | 

ચોખાબજારમાં મંદીનો માહોલ : ભાવ વધુ ઘટવાનો અંદાજ


કૉમોડિટી અર્થકારણ-મયૂર મહેતા


ચોખાબજારમાં ઊઘડતી સીઝને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વબજારમાં મંદી અને ભારતીય બજારમાં પણ ઉત્પાદન ધારણા કરતાં વધારે થાય એવી સંભાવનાએ ચોખામાં આગળ ઉપર ભાવ ઘટે એવી સંભાવના છે. ખાસ કરીને બાસમતી ચોખામાં વધારે મંદી જોવા મળી રહી છે. ચોખાના મથક પંજાબમાં બાસમતી ૧૫૦૯ જાતમાં અત્યારે પ્રતિ ક્વિન્ટલ ૨૫૦૦થી ૨૭૦૦ રૂપિયાની વચ્ચે ભાવ ક્વોટ થઈ રહ્યા છે જે ગયા વર્ષે આ સમયે ૩૮૦૦થી ૪૧૦૦ રૂપિયા હતા.

વાવેતરની સ્થિતિ


દેશમાં ચોખાનું વાવેતર ચાલુ વર્ષે ઘટવાની ધારણા હતી, પરંતુ એ સીઝનના અંતે વધીને આવ્યું છે જેને કારણે પણ સરેરાશ ચોખામાં ઉત્પાદન વધવાની ધારણા છે. બીજી તરફ કેન્દ્ર સરકારની એજન્સી ફૂડ કૉપોર્રેશન ઑફ ઇન્ડિયાનાં ગોડાઉનોમાં ચોખાનો ૧૭૩.૩ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે જે સરકારના બફર સ્ટૉકના ૭૨ લાખ ટનના નિયમ સામે બમણાથી પણ વધારે છે. વૈશ્વિક બજારમાં ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચરલ સંસ્થાનો રાઇસ ઇન્ડેક્સ પણ સપ્ટેમ્બર મહિનામાં બે ટકા ઘટીને ૨૩૮ પૉઇન્ટ રહ્યો હતો. વિશ્વમાં સપ્ટેમ્બર મહિનામાં થાઇલૅન્ડમાં ચોખાના ભાવ પાંચ ટકા ઘટીને ૪૩૨ ડૉલર, પાકિસ્તાનમાં ૨૫ ટકા બ્રોકન ચોખાના ભાવ ૮ ટકા ઘટીને ૩૫૯ ડૉલર, ભારત અને વિયેતનામમાં નજીવો ઘટાડો થઈને અનુક્રમે ૩૮૪ ડૉલર અને ૪૦૯ ડૉલર પ્રતિ ટન રહ્યા હતા.

નિકાસમાં હરીફાઈ


વિશ્વમાં ચોખાના ટોચના નિકાસકાર દેશ તરીકે ભારત અને થાઇલૅન્ડ વચ્ચે ચાલુ વર્ષે કટ્ટર હરીફાઈ જામે એવું લાગી રહ્યું છે. પટ્ટાભિ ઍગ્રો ફૂડ્સના મૅનેજિંગ ડિરેPર બી. વી. ક્રિષ્નારાવનું કહેવું છે કે ભારતમાંથી ચાલુ વર્ષે બાસમતી અને નૉન-બાસમતી ચોખાની નિકાસ ૧૦૦થી ૧૧૦ લાખ ટન વચ્ચે થાય એવી ધારણા છે. નૉન-બાસમતી ચોખાની નિકાસ આપણે ૭૦ લાખ ટન સુધી કરી શકીએ એટલી ક્ષમતા છે. વિશ્વબજારમાં ભારતીય નૉન-બાસમતી ચોખાના ભાવ ૪૦૦ ડૉલર પ્રતિ ટન ચાલે છે જે થાઇલૅન્ડના ભાવ કરતાં ૧૦થી ૧૫ ડૉલર નીચા છે. અન્ય ક્વૉલિટીમાં ચોખાના ભાવ ૩૬૦થી ૩૭૦ ડૉલરના છે જે પાકિસ્તાન કરતાં પણ નીચા છે.ભારત સૌથી મોટા નિકાસકાર દેશ તરીકે ઊભરવાનો દાવો કરે છે, પરંતુ ચોખાની વૈશ્વિક ઍનલિસ્ટ એજન્સી ત્ણ્લ્એ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે થાઇલૅન્ડની ચોખાની નિકાસ ભારત કરતાં પણ વધી જવાનો અંદાજ છે.

થાઇલૅન્ડ એનો સ્ટૉક ખાલી કરવા માટે નિકાસ પર ભાર મૂકી રહ્યું છે. એજન્સીના મતે થાઇલૅન્ડની નિકાસ ૧૦૦ લાખ ટનને પાર કરી શકે છે, જ્યારે ભારતની નિકાસ ૮૪ લાખ ટન થવાનો અંદાજ છે. વિયેતનામની નિકાસ ૬૬ લાખ ટનની થવાનો અંદાજ છે. આગામી વર્ષે લાંબા સમય માટે ભારત અને થાઇલૅન્ડ વચ્ચે ટોચના નિકાસકારની પોઝિશન માટે લડાઈ જામશે અને સરેરાશ ૧૨૦ લાખ ટનથી પણ વધુની નિકાસ થવાનો અંદાજ છે.

USDAનો રિપોટ

USDA (યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર)ના ઑક્ટોબર મહિનાના રિપોટમાં ભારતની ચોખાની નિકાસ ગયા વર્ષે ૧૦૦ લાખ ટન થઈ હતી જે ઘટીને ચાલુ વર્ષે ૮૭ લાખ ટન થવાનો અંદાજ મુકાયો હતો. ભારતીય ચોખાના મુખ્ય ખરીદદાર ઈરાનની ચોખાની આયાત ચાલુ વર્ષે ૧૭ લાખ ટન જ રહેવાનો અંદાજ છે. બે વર્ષ અગાઉ ઈરાન ખાતે બાવીસ લાખ ટન ચોખાની નિકાસ થઈ હતી. ઇન્ડોનેશિયાની ચોખાની આયાત ગયા વર્ષે ૧૪ લાખ ટન હતી જે ચાલુ વર્ષે ઘટીને ૧૦ લાખ ટન જ રહેવાનો અંદાજ છે. થાઇલૅન્ડની ચોખાની નિકાસ બે વર્ષ અગાઉ ૬૭ લાખ ટન હતી જે વધીને ગયા વર્ષે ૯૫ લાખ ટન અને ચાલુ વર્ષે ૧૦૦ લાખ ટન થવાનો અંદાજ USDAના રિપોટમાં મુકાયો હતો. આમ એશિયામાં ભારતીય ચોખાની નિકાસ ઘટી રહી છે એની સામે થાઇલૅન્ડની ચોખાની નિકાસ વધી રહી હોવાથી ભારતીય ચોખાના ખરીદદારો ધીમે-ધીમે થાઇલૅન્ડ તરફ વળી રહ્યા હોવાથી અહીં ચોખાના ભાવ ઘટી રહ્યા છે.