ચોખાની નિકાસમાં ૨૧૮ ટકાનો ઉછાળો જોવા મળશે : ક્રિસિલ

14 December, 2011 09:20 AM IST  | 

ચોખાની નિકાસમાં ૨૧૮ ટકાનો ઉછાળો જોવા મળશે : ક્રિસિલ



ભારતમાં ચોખાનું વિક્રમ ઉત્પાદન થવાની અપેક્ષા, બાસમતી સિવાયના ચોખાની નિકાસ પરથી દૂર કરવામાં આવેલો પ્રતિબંધ તેમ જ ચોખાની નિકાસ કરતા અન્ય દેશોના ઉત્પાદનમાં ઘટાડો થવાના અંદાજને પગલે ચોખાની નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

ક્રિસિલના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગ્લોબલ રાઇસ ટ્રેડમાં ૨૦૧૦-’૧૧માં ભારતનો હિસ્સો ૭ ટકા હતો. એ ૨૦૧૧-’૧૨માં વધીને ૨૧ ટકા થઈ જવાનો અંદાજ છે.

ચોખાનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં વરસાદ સારો થવાથી આ વર્ષે ભારતમાં ચોખાનું ઉત્પાદન ૧૦ કરોડ ટન જેટલું થવાનો અંદાજ છે, જે આગલા વર્ષ કરતાં ૬ ટકા વધારે હશે. ૨૦૧૦-’૧૧માં ઉત્પાદન ૯.૫૩ કરોડ ટન થયું હતું. સરકારે ચાલુ વર્ષે ચોખાનું ઉત્પાદન ૧૦.૨૦ કરોડ ટન જેટલું થવાનો અંદાજ મૂક્યો છે.

ચોખાનું ઉત્પાદન કરતા અગ્રણી દેશો થાઇલૅન્ડ, વિયેટનામ અને પાકિસ્તાનમાં આ વર્ષે પાકમાં ઘટાડો થવાની અપેક્ષા છે. એનો લાભ ભારતના એક્સર્પોટર્સને મળશે. વિશ્વમાં ચોખાની સૌથી વધુ નિકાસ કરતા થાઇલૅન્ડમાં આવેલા પૂરને કારણે ક્રૉપ ડૅમેજ થવાથી ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થવાની અપેક્ષા છે. થાઇલૅન્ડની સરકારે ચોખાની મિનિમમ પરચેઝ પ્રાઇસમાં વધારો કર્યો હોવાથી ગ્લોબલ માર્કેટ્સમાં થાઇલૅન્ડના ચોખાની સ્પર્ધાત્મકતા ઘટશે. એનો લાભ ભારતને મળશે. આ ઉપરાંત ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાથી ચોખાના નિકાસકારોને ફાયદો થશે. ભારતના ચોખાની સ્પર્ધાત્મકતા વધશે.