એક દાયકા બાદ રિલાયન્સે ક્રૂડ ઑઇલના કૂવા માટે બિડિંગ કર્યું

17 May, 2019 11:01 AM IST  |  દિલ્હી

એક દાયકા બાદ રિલાયન્સે ક્રૂડ ઑઇલના કૂવા માટે બિડિંગ કર્યું

ભારતમાં ક્રૂડ ઑઇલ અને ગૅસના કૂવામાં શારકામ અને સંશોધન માટે ૩૨ જેટલા બ્લૉકમાં કેન્દ્ર સરકારે બોલી લગાવી હતી એમાં દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બોલી લગાવવામાં આવી છે. તેલ સંશોધન ક્ષેત્રમાં પોતાના વિદેશી ભાગીદાર બીપી સાથે રિલાયન્સે લગભગ એક દાયકા બાદ બિડ ભરી છે.

આ ૩૨ બ્લૉક માટે અનિલ અગ્રવાલ જૂથના વેદાન્તા દ્વારા ૩૦ અને સરકારી કંપની ઓએનજીસીએ ૨૦ ક્ષેત્રના બ્લૉક માટે બોલી લગાવી છે.

બુધવારે ઓપન એકરેજ લાઇસન્સ પૉલિસી (ઓએએલપી)ના બીજા રાઉન્ડમાં ઑઇલ ઍન્ડ ગૅસના ૧૮ અને કોલ બેડ મિથેન બ્લૉકના પાંચ માટે બોલી પૂર્ણ થઈ હતી.

ગત વર્ષે લાગેલી ૫૫ બ્લૉકની બોલીમાંથી વેદાન્તાને ૩૦ વર્ષ માટે ૪૧ બ્લૉક મળ્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આંધ્ર પ્રદેશના અખાતમાં વર્ષ ૨૦૦૭માં દરિયાના પેટાળમાંથી નૅચરલ ગૅસનો મોટો ભંડાર શોધવામાં આવ્યો હતો. ટેક્નૉલૉજીનો ભાવ, ગૅસના ઉત્પાદન સામે બજારમાં નીચા ભાવના કારણે તેનું ઉત્પાદન ઓછું થતું હતું.

આ સમય દરમ્યાન કૂવામાં પાણી ઘૂસી જતાં તેમાંથી ઉત્પાદન સાવ ઘટી રહ્યું છે. આ ઉત્પાદન બચાવવા માટે બીપીને રિલાયન્સે ૩૦ ટકાનો ભાગીદાર બનાવી છે અને બન્ને મળી હવે દેશમાં ક્રૂડ ઑઇલ અને
ગૅસનું સંશોધન, ઉત્પાદન અને વિસ્તરણ કરવાનાં છે.

reliance business news