06 January, 2025 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ અંબાણી
દલાલ સ્ટ્રીટના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇનિશ્યલ પબ્લિક ઑફર (IPO) બનવાની સંભાવના ધરાવતી રિલાયન્સ જિયોની ઑફર લાવવા માટે મુકેશ અંબાણીએ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનો અહેવાલ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ટેલિકૉમ ક્ષેત્રની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિડેડ IPO દ્વારા ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરવા ધારે છે એવું એક અખબારી અહેવાલ પરથી જાણવા મળ્યું છે.
ટેલિકૉમ કંપનીનું મૂલ્ય ૧૨૦ અબજ ડૉલર અંદાજિત છે. એનો IPO ૨૦૨૫ના ઉત્તરાર્ધમાં આવવાની અપેક્ષા છે. આ ઇશ્યુ દ્વારા વર્તમાનની સાથે-સાથે નવા શૅર વેચવામાં આવશે. કેટલાક નિશ્ચિત રોકાણકારોને પ્રી-પ્લેસમેન્ટ દ્વારા શૅર ઑફર કરવામાં આવશે.
પ્રી-IPO પ્લેસમેન્ટ માટેની ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે અને હાલના શૅરની સામે કેટલા નવા શૅર ઑફર કરવામાં આવશે એ હજી નક્કી કરવાનું બાકી છે.
નોંધનીય છે કે રિલાયન્સે કે જિયોએ આ ઇશ્યુ બાબતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી.
અહીં જણાવવું રહ્યું કે ગયા વર્ષે ઑક્ટોબરમાં આવેલો હ્યુન્દાઇ ઇન્ડિયાનો ૨૭,૮૭૦ કરોડ રૂપિયાનો IPO દેશમાં સૌથી મોટો હતો. રિલાયન્સ જિયોના ઇશ્યુનું પ્રમાણ ૪૦,૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ રખાયો છે. આમ, એ સૌથી મોટો ઇશ્યુ હશે. આ ઇશ્યુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરને વેગ આપે એવી પણ શક્યતા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં પહેલી વાર વાર્ષિક ધોરણે નુકસાન થયું છે અર્થાત્ પાછલા વર્ષની તુલનાએ ૨૦૨૪માં શૅરનો ભાવ ઘટ્યો હતો. આ ઘટાડો આશરે ૬ ટકા રહ્યો હતો.