4G માટે રિલાયન્સ જિયોની અન્ય કંપનીઓ સાથેની સ્પર્ધા કટ્ટર બની

23 August, 2016 04:03 AM IST  | 

4G માટે રિલાયન્સ જિયોની અન્ય કંપનીઓ સાથેની સ્પર્ધા કટ્ટર બની




રિલાયન્સ જિયોની અન્ય કંપનીઓ સાથેની સ્પર્ધા હવે વધુ કટ્ટર બની રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે એના ૪૦,૦૦૦થી વધુ કર્મચારીઓને કહ્યું છે કે તેઓ ઍરટેલ અને વોડાફોન જેવા અન્ય ઑપરેટરોનાં ફોન-કનેક્શન વાપરવાનું બંધ કરે અને 4G જિયોનો ઉપયોગ કરે. એ ઉપરાંત સૅમસંગ અને LGના ઊંચી શ્રેણીના 4G મોબાઇલ ફોન ધરાવનારા લોકોને જિયોનું નિ:શુલ્ક સિમ-કાર્ડ ૯૦ દિવસના અનલિમિટેડ કૉલિંગ, sms અને અનલિમિટેડ ડેટા સાથે આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

રિલાયન્સ જિયોનું 4G સર્વિસનું બીટા ટેસ્ટિંગ ઘણું લાંબું ચાલ્યું હોવાનું કહીને અન્ય ઑપરેટરોએ ફરિયાદ કરી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના હ્યુમન રિસોર્સિસ લિમિટેડે એના તમામ કર્મચારીઓને સંબોધીને કહ્યું છે કે કંપનીનાં કૉર્પોરેટ-કનેક્શન હવે જિયોમાં ખસેડવાનાં છે.

હાલના નંબરને જિયોમાં ખસેડવા માટે કર્મચારીઓને મોબાઇલ નંબર ર્પોટેબિલિટી (MNP)નો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે તથા એની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી છે. નંબર યથાવત્ રાખીને અન્ય કંપનીનું જોડાણ લેવા માટે MNPનો ઉપયોગ કરવાનો હોય છે.

અત્યાર સુધી કંપનીમાં ઍરટેલ અને વોડાફોન સહિતની કંપનીઓના કૉર્પોરેટ પ્લાન લેવામાં આવ્યા છે.

રિલાયન્સ જિયોએ એની સર્વિસિસની ચકાસણી ગયા ડિસેમ્બરમાં શરૂ કરી હતી, પણ કમર્શિયલ લૉન્ચિંગની તારીખ જાહેર કરવામાં આવી નથી. શરૂઆતમાં જિયોનાં સિમ-કાર્ડ ફક્ત એ જ કંપનીના કર્મચારીઓને આપવામાં આવતાં હતાં, પછીથી LYF બ્રૅન્ડના સ્માર્ટફોન સાથે આ સિમ-કાર્ડ આપવાની સ્કીમ જાહેર કરવામાં આવી હતી. હવે સૅમસંગ અને LGના અમુક 4G ફોન લઈને રિલાયન્સ ડિજિટલ સ્ટોરમાં જનારને જિયોનું સિમ-કાર્ડ આપવામાં આવશે. એની સાથે KYCના દસ્તાવેજો આપવાના રહેશે.