રિલાયન્સ-ઇન્ફોસિસની જુગલ જોડીમાં બજારની બેવડી સદી

15 October, 2011 08:08 PM IST  | 

રિલાયન્સ-ઇન્ફોસિસની જુગલ જોડીમાં બજારની બેવડી સદી

 

(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

 

હેવીવેઇટ્સના સથવારે રિલીફ રૅલી આગળ વધી રહી છે. સેન્સેક્સ ગઈ કાલે બેવડી સદી કે ૧૯૯ પૉઇન્ટના ઉછાળે ૧૭,૦૮૨ બંધ આવ્યો હતો. નિફ્ટી ૫૪ પૉઇન્ટ વધીને ૫૧૩૨ થયો હતો.

 

૧૫૩૦ સ્ક્રિપ્સ વધલી હતી, સામે ૧૩૩૦ સ્ક્રિપ્સ માઇનસમાં હતી. એ ગ્રુપના ૫૮ ટકા શૅર વધીને બંધ હતા. રોકડામાં આ પ્રમાણ ૪૮ ટકા જેવું હતું. બજારનું માર્કેટ કૅપ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના ઉમેરામાં હવે ૬૦.૮૮ લાખ કરોડને આંબી ગયું છે. આ સાથે બજારે કુલ ૮૫૦ પૉઇન્ટ કે સવાપાંચ ટકાની તેજી સાથે સપ્તાહને વિદાય આપી છે.

મેષ-તુલાની જુગલબંધી

સેન્સેક્સના ૧.૨ ટકાના સુધારાની સામે આઇટી ઇન્ડેક્સ ૨.૬ ટકા વધ્યો હતો. આ ઇન્ડેક્સના ૧૦માંથી આઠ શૅર પ્લસ હતા. ટીસીએસ ચાર ટકા વધીને ૧૧૩૪ રૂપિયા, વિપ્રો ચાર ટકાના જમ્પમાં ૩૬૩ રૂપિયા તથા ઇન્ફોસિસ ૧.૮ ટકાના સુધારામાં ૨૭૪૪ રૂપિયા બંધ હતા. ટેક મહિન્દ્ર ૧.૬ ટકા નરમ હતો. ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજી નહીંવત્ ઘટ્યો હતો. ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૧.૫ ટકા અપ હતો. જોકે આ ઇન્ડેક્સના ૧૦માંથી ફક્ત ચાર શૅર વધ્યા હતા. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૪ ટકાની આગેકૂચમાં ૮૬૭ રૂપિયા નજીક બંધ હતો. એસ્સાર ઑઇલ ચારેક ટકા, કેઇર્ન ઇન્ડિયા ત્રણ ટકા અને ઓએનજીસી ૦.૬ ટકા પ્લસ હતા. ટીસીએસ, ઇન્ફી, ભારતી ઍરટેલ, વિપ્રો, આર. કૉમ, ડેન નેટવર્ક, એચસીએલ, ઓરેકલ, આઇડિયા સેલ્યુલર સહિતના ૩૦માંથી ૨૦ શૅરના સુધારા થકી ટેક્નૉલૉજી બેન્ચમાર્ક પણ અઢી ટકાથી વધુ ઊંચકાયો હતો. સેન્સેક્સના ૧૯૯ પૉઇન્ટના સુધારામાં રિલાયન્સે ૪૪ પૉઇન્ટ, ટીસીએસે ૩૧ પૉઇન્ટ તથા ઇન્ફોસિસે ૩૦ પૉઇન્ટ પ્રદાન કર્યા હતા. આઇટીસીના ૧.૬ ટકાના તથા આઇસીઆઇસીઆઇ બૅન્કના ૧.૩ ટકાના વધારાથી માર્કેટને બાવીસ-બાવીસ પૉઇન્ટ મળ્યા હતા. ભારતીની પોણાચાર ટકાની તેજી બજારને ૨૩ પૉઇન્ટ જેટલી ફળી હતી. સાદી ભાષામાં કહીએ તો મેષ-તુલા માર્કેટની ફેવરમાં હતા.

તેજડિયા લિસ્ટિંગ સાથે મંદીમાં

શૅરદીઠ ૬૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો તેજડિયા પૉલિપાઇપ્સ લિસ્ટિંગ સાથે જ આકરી મંદીનો શિકાર બન્યો હતો. માંડ ૧.૨ ગણા ભરાયેલા આ ઇશ્યુમાં રોકાણકારોની મૂડી પ્રથમ દિવસે જ ધોવાઈને ત્રીજા ભાગની થઈ ગઈ છે. શૅર ૬૨ રૂપિયા ખૂલી ક્ષણિક વાર માટે ઉપરમાં ૬૮ રૂપિયા નજીકનો ભાવ બતાવી સતત ધોવાણમાં ગગડતો રહીને નીચામાં ૧૬ રૂપિયા બોલાયો હતો. છેલ્લે ૧૮ રૂપિયા આસપાસ બંધ હતો. બીએસઈ ખાતે આશરે સાડાચાર કરોડ શૅરનું વૉલ્યુમ હતું. આઇપીઓના લિસ્ટિંગના મામલે સતત બીજો શુક્રવાર વસમો નીવડ્યો છે. સપ્તાહ પૂર્વે ૭૯ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા આરડીબી રસાયણનું લિસ્ટિંગ પણ કંગાળ નીવડ્યું હતું અને ત્યાર પછી કામકાજના પાંચ જ દિવસમાં ભાવ સતત તૂટતો રહીને ગઈ કાલે ૧૫ રૂપિયા થયો છે. ઇશ્યુ પ્રાઇસથી શૅરનો ભાવ આટલો ઝડપી તૂટે ત્યારે સેબીના પેટનું પાણી કેમ હાલતું નથી?

રિલાયન્સ : રાજાપાઠની તૈયારીમાં?

સેન્સેક્સ તથા માર્કેટ કૅપમાં સર્વાધિક વેઇટેજ ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં આજે પરિણામ છે. કહે છે કે છેલ્લા એક દાયકામાં કંપનીનાં ક્વૉર્ટરલી પરિણામો બંધ બજાર અર્થાત્ શનિવારે આવ્યાં હોય એવી આ માત્ર ત્રીજી ઘટના છે. છેલ્લાં ત્રણેક ક્વૉર્ટરથી કંપનીનો દેખાવ માર્કેટ-વિશ્લેષકોની અપેક્ષા કરતાં ઊણો કે નબળો રહ્યો છે એ પણ એક હકીકત છે. સરવાળે શૅર માર્કેટ-અન્ડરપર્ફોર્મર રહ્યો છે. સેન્સેક્સ આજે વર્ષના મુકાબલે ૧૭ ટકા ડાઉન છે તો બજારનો રાજા એની સામે ૨૦ ટકા ખરાબ થયેલો છે. અલબત્ત, છેલ્લા સપ્તાહથી એમાં સારી ફૅન્સી જામી છે. શૅરઆંકના સાડાચાર ટકાના વધારા સામે આ કાઉન્ટર સવાઆઠ ટકા ઊંચકાયું છે. હવે શું? વિશ્લેષકો માને છે કે બીજા ક્વૉર્ટરમાં કંપની અગાઉના વર્ષના સમાનગાળાના ૪૯૨૦ કરોડ રૂપિયાના મુકાબલે ૫૭૨૦ રૂપિયાથી ૫૮૦૦ કરોડ રૂપિયા જેવો નેટ પ્રૉફિટ દર્શાવશે, જે ૧૬થી ૧૮ ટકાનો વૃદ્ધિદર સૂચવે છે. સામે આવક ૩૬થી ૩૯ ટકા જેવી વધીને ૮૦,૭૮૦ કરોડ રૂપિયા સુધી રહેવાનું અનુમાન છે. કંપનીની આવકમાં ૬૦ ટકા પ્લસ ફાળો નિકાસ આવકનો છે. રૂપિયાની નબળાઈ રિલાયન્સને લાભદાયી નીવડશે. બજારમાં ટૂંકા ગાળામાં સંગીન રૅલી થવા માટે હવે રિલાયન્સનું ટ્રિગર ઘણાને અતિ મહત્વનું લાગે છે. ખાસ્સા એક-સવા વર્ષથી રાજાએ રાજાપાઠ છોડી દીધો છે. હવે એ ફરી રંગમાં આવે એની બધા રાહ જુએ છે. નજીકનું ટાર્ગેટ ૯૦૦ રૂપિયા માનનારા ખાસ્સી બહુમતીમાં છે.

એશિયા છ દિવસ પછી નરમ

ગઈ કાલે એશિયન શૅરબજારો છેલ્લા સાત દિવસમાં પ્રથમ વાર નરમ જોવા મળ્યાં હતાં. સ્ટૅન્ડર્ડ-પુઅર્સ તરફથી સ્પેનના ડાઉનગ્રેડિંગ ઉપરાંત સિંગાપોર દ્વારા ગ્રોથ રેટના ટાર્ગેટમાં કરાયેલો ઘટાડો પણ ટેક્નિકલ નરમાઈમાં સહાયક બન્યો હતો. દરમ્યાન વિકાસદરમાં પીછેહઠ કે ‘હાર્ડ-લેન્ડિંગ’ની વાતો છતાં ચીન ખાતે સપ્ટેમ્બર મહિનામાં તાંબાની આયાત સતત ચોથા મહિને વધીને ૧૬ મહિનાની ટોચે પહોંચી હોવાના આંકડા આવ્યા છે. આર્થિક પંડિતો તાંબાને ડૉ. કોપર ગણે છે અને એની માગ કે વપરાશને આર્થિક ગતિવિધિના બૅરોમિટરમાં ખપાવે છે. આ આંકડા સાચા હોય તો ચાઇનીઝ સ્લો-ડાઉનની વાતો કે આશંકા આજે પણ વાસ્તવિકતાથી દૂર હોવાનું સ્વીકારવું પડશે. ગઈ કાલે એશિયા ખાતે જપાન, તાઇવાન, હૉન્ગકૉન્ગ, એકથી સવા ટકાની ઉપર માઇનસમાં હતાં. ચાઇના, ઇન્ડોનેશિયા તથા સિંગાપોર સાધારણ ડાઉન હતાં. થાઇલૅન્ડનો સેટ ઇન્ડેક્સ ૧.૩ ટકા તથા સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ પોણા ટકાની નજીક અપ હતા. યુરોપિયન શૅરબજારો બે મહિનાની ટોચ પછી ગુરુવારે પોણાથી દોઢ ટકાની પીછેહઠ પછી ગઈ કાલે સારા ઓપનિંગ પછી પોણાથી એક ટકા ઉપર ચાલતાં હતાં. ડાઉ ફ્યુચર્સ તથા નાસ્ડેક ફ્યુચર્સમાંય પોણો ટકો આસપાસની મજબૂતી હતી.

મારુતિને અશાંતિ નડી

અગ્રણી કારઉત્પાદક મારુતિ સુઝુકી કામદાર અશાંતિના કારણે વધુ ખરડાતો જાય છે. ગઈ કાલે આ શૅરમાં ૧૦૨૨ રૂપિયાની બાવન સપ્તાહની નવી બૉટમ બની છે. એક સપ્તાહમાં ઑટો ઇન્ડેક્સ સાડાત્રણ ટકા વધ્યો છે, જ્યારે આ શૅર સાડાસાત ટકા ગગડ્યો છે. ઑટો ઇન્ડસ્ટ્રીના સવાસોળના પી/ઈ સામે શૅર અત્યારે સાડાબારના પી/ઈ પર ચાલે છે. કામદાર અશાંતિ કાયમી નથી, એટલું યાદ રાખી ઘટાડે એફડી બેશક કરી શકાય. મારુતિ ઉપરાંત ગઈ કાલે વર્ષની નવી બૉટમ બનાવનારા કેટલાક જાણીતા શૅરોની યાદીમાં બાટલીબૉય, કૅમ્ફર ઍન્ડ અલાઇડ, કમ્પ્યુએજ ઇન્ફો, ઍડ્વાઇસ કૅપિટલ, એમ્પી ડિસ્ટિલિયરીઝ, ગાંધીનગર હોટેલ્સ, ગોએન્કા ડાયમન્ડ, હિન્દુસ્તાન નૅશનલ ગ્લાસ, ઇન્ટ્રા સૉફ્ટ ટેક્નૉલૉજીઝ, કલ્પતરુ પાવર, કંદાગિરિ સ્પિનિંગ, કિલબર્ન કેમિકલ્સ, મેકર્સ લૅબ્સ, એમઓઆઇએલ, પ્રિસિઝન ઇલેક્ટ્રૉનિક્સ, રેલિગેર ટેક્નૉલૉજીઝ, સુબ્રોસ, શિવા ગ્લોબલ, સ્કાય ટેક્નૉલૉજીઝ, સાંવરિયા ઍગ્રો, વાલચંદ પીપલ, ઝેનિથ ઇન્ફોટેક, એસ્ટર સિલિકેટ, સેન્ટ્રલ પ્રોવિનન્સ રેલવે કંપની, ઇન્ડિયાબુલ્સ સિક્યૉરિટીઝ, ઇન્ડ્સ ફાઇનૅન્સ, લાયકા લૅબ્સ વગેરેનો સમાવેશ થાય છે

ક્રિસિલ ઑલટાઇમ હાઈ

૧૮ ઑક્ટોબરના રોજ બાયબૅક માટે મીટિંગની નોટિસ આવતાં ક્રિસિલનો શૅર ગઈ કાલે ૧૨૪ રૂપિયા કે ૧૫ ટકાના ઉછાળે ઉપરમાં ૯૪૫ રૂપિયાની ઑલટાઇમ હાઈ સપાટીએ ગયો હતો. છેલ્લે ૮૮૦ રૂપિયા જેવો બંધ હતો. આંધ્ર પ્રદેશ પેપર મિલ્સે ૧૪ ટકાના વધારા સાથે ૨૦૪ કરોડ રૂપિયાની આવક પર સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૯૨૭૦ લાખ રૂપિયાની ખોટ બતાવી નેગેટિવ ટર્નઅરાઉન્ડ બતાવ્યું હોવા છતાં શૅરનો ભાવ અઢી ટકા આસપાસ વધી ૨૬૦ રૂપિયા બોલાતો હતો.બાવીસ

એપી પેપરમાં મોટો હાથબદલો

મહારાજાશ્રી ઉમેદ મિલ્સ લિમિટેડે મુંબઈ શૅરબજારને જણાવ્યું હતું કે ૨૯ માર્ચ ૨૦૧૧ના રોજ શૅર ખરીદવા માટે આઇપી હોલ્ડિંગ્સ એશિયા સિંગાપોર, પીટીઈ લિમિટેડ સાથે થયેલા ઍગ્રીમેન્ટ અનુસાર કંપનીએ ૧૪ ઑક્ટોબરના રોજ એની પાસેના આંધ્ર પ્રદેશ પેપર મિલ્સનાં ૮૬,૦૯,૧૬૪ શૅર ૫૬૨.૮૨ કરોડ રૂપિયામાં (નૉન કૉમ્પિટી-હરીફાઈ નહીં કરવાની ફી સહિત) ટ્રાન્સફર કર્યા હતા. આમ શ્રી ઉમેદ મિલ્સે આંધ્ર પ્રદેશ પેપર મિલમાં પોતાનો પૂરો હિસ્સો અમેરિકાની ઇન્ટરનૅશનલ પેપર કંપનીની સબસિડિયરીને વેચ્યો છે.

ખોટ તથા દેવાના બોજથી પીડાતી કિંગફિશર ઍરલાઇન્સને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી ફ્યુઅલ સપ્લાય સ્થગિત કરાયું હોવાના સમાચારથી શૅર સાતેક ટકા ગગડી નીચામાં ૨૧ રૂપિયા નજીક ગયો હતો. હિન્દુસ્તાન પેટ્રોના કંપની પાસે ૧૩૦ કરોડ રૂપિયા લેણા નીકળે છે. કેબલ બિઝનેસના ડિજિટલાઇઝેશનની ફૅન્સીમાં હેથવે કેબલ્સ ૨૦ ટકા, વાયર ઍન્ડ વાયરલેસ બાર ટકા તથા ડેન નેટવર્ક્સ આઠેક ટકા ઊછળ્યા હતા. આ ત્રણેય કાઉન્ટરમાં ચિક્કાર વૉલ્યુમ હતાં. ક્રિસિલમાં વૉલ્યુમ પણ ઘણું વધ્યું હતું. સાડાત્રણથી પોણાચાર ટકાના ઘટાડામાં યુનાઇટેડ સ્પિરિટ, સેસાગોવા અને થર્મેક્સ એ-ગ્રુપમાં ટૉપ લૂઝર્સ હતા. સેન્સેક્સના શૅરમાં જિંદાલ સ્ટીલ પોણાપાંચ ટકા, ટીસીએસ ચારેક ટકા તથા વિપ્રો સાડાત્રણ ટકાની તેજીમાં વધવામાં અગ્રક્રમે હતા. કોલ ઇન્ડિયા ઘટાડામાં મોખરે હતો. ત્યાર પછી મારુતિ તથા ડીએલએફ લાઇનમાં હતા.

હો સકતા હૈ...

ઑટોલાઇન ઇન્ડસ્ટ્રીઝમાં ૨૦૮ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ સુશીલ ફાઇનૅન્સે રોકાણ કરવાની સલાહ આપી છે.

ડેક્કન ક્રોનિકલમાં ૮૦ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ ફૉર્ટ શૅર બ્રોકિંગ તરફથી લેવાની ભલામણ કરવામાં આવી છે.

ઇન્ફોસિસમાં ૨૯૦૦ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ એલકેપી સિક્યૉરિટીઝ દ્વારા લેવાની સલાહ છે. જોકે આ માટે શૅર ૨૭૦૦ કરોડ રૂપિયા ઉપર જાય એ

જરૂરી છે.

ગેટવે ડિસ્ટ્રિપાર્ક્સમાં ૧૯૨ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ એસકેપી સિક્યૉરિટીઝ તરફથી ખરીદવાની ભલામણ આવી છે.

શ્રી સિમેન્ટ્સમાં ૨૦૭૧ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ નેટવર્થ સ્ટૉક બ્રોકિંગે લેવાની સલાહ આપી છે.

માઇન્ડ ટ્રીમાં ૪૧૫ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ એમકે ગ્લોબલ દ્વારા વર્તમાન રોકાણ જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે.

સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૬૩ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ દોલત કૅપિટલ તરફથી બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે.

સુપ્રીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં ૨૯૨ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ યુએલજેકે સિક્યૉરિટીઝ દ્વારા ખરીદવાની ભલામણ આવી છે.

ઇપ્કા લૅબમાં ૨૬૨ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ પિન્ક રિસર્ચ દ્વારા વર્તમાન રોકાણને હોલ્ડ કરવા કહેવામાં આવ્યું છે.

મેક્સ ઇન્ડિયામાં ૨૪૦ રૂપિયા સુધીનું ટાર્ગેટ આપતાં બ્રોકિંગ ફર્મ એસપીએ સિક્યૉરિટીઝ તરફથી બુલિશ વ્યૂ આપવામાં આવ્યો છે.

એલજીએસ ગ્લોબલમાં ૯૦ રૂપિયાનું ટાર્ગેટ જણાવતાં બ્રોકિંગ ફર્મ સુનિધિ સિક્યૉરિટીઝ દ્વારા લેવાની સલાહ આપવામાં આવી છે.

કોલ ઇન્ડિયામાં ૪૪૦ રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ આર. કે. ગ્લોબલે લેવાની ભલામણ કરી છે.

નીલકમલમાં ૩૬૦ રૂપિયાનું ટાર્ગેટ આપતાં બ્રોકિંગ ફર્મ ફૉર્ટ શૅરબ્રોકિંગ દ્વારા બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે.

લવેબલ લિંગરીમાં ૯૪૫ રૂપિયાના લૉન્ગ ટર્મ ટાર્ગેટ સાથે બ્રોકિંગ ફર્મ એલકેપી સિક્યૉરિટીઝ તરફથી રોકાણની ભલામણ કરવામાં આવી છે.

એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૯૨૧.૬૦ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૦૧૫.૬૪ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૯૪.૦૪ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૮૯૪.૪૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૩૨.૩૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૨૩૭.૮૫ કરોડ રૂપિયા રહી હતી.