રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટેલિકૉમ ક્ષેત્ર બાદ ઈ-કૉમર્સ ક્ષેત્રે ઝંપલાવશે

19 January, 2019 10:33 AM IST  | 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટેલિકૉમ ક્ષેત્ર બાદ ઈ-કૉમર્સ ક્ષેત્રે ઝંપલાવશે

વાઈબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણી અને નીતિન પટેલ

ટેલિકૉમ ક્ષેત્રને ગજાવ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે ઈ-કૉમર્સ ક્ષેત્રે મોટા પાયે ઝંપલાવવાની તૈયારીમાં છે. ઍમેઝૉન, ફ્લિપકાર્ટ અને સ્નૅપડીલ જેવી ઈ-કૉમર્સ કંપનીઓની સાથે સ્પર્ધા કરનારા આ સાહસ હેઠળ રિલાયન્સ 12 લાખ રીટેલરો અને સ્ટોરમાલિકો માટે ઑનલાઇન શૉપિંગ પ્લૅટફૉર્મ ઉપલબ્ધ કરાવશે.

ઈ-કૉમર્સ સાહસમાં રિલાયન્સ જીઓની સર્વિસિસ, મોબાઇલ ઉપકરણો અને રીટેલ નેટવર્કને સાંકળી લેવાનું દેશના સૌથી વધુ શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું આયોજન છે.

તેમણે શુક્રવારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કહ્યું હતું કે જીઓ અને રિલાયન્સ રીટેલ નવા પ્રકારનું ઈ-કૉમર્સ માધ્યમ શરૂ કરશે, જે ગુજરાતના 12 લાખ નાના દુકાનદારોને સમૃદ્ધ અને સશક્ત બનાવશે.

અહીં નોંધનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ત્રિમાસિક પરિણામ જાહેર કરતી વખતે જણાવવામાં આવ્યું હતું કે રિલાયન્સ જીઓના ગ્રાહકોની સંખ્યા 28 કરોડ છે તથા રીટેલ નેટવર્કમાં 6,500 શહેરોમાં આશરે 10,000 આઉટલેટ્સ છે.

આ સાથે એ પણ જણાવવું રહ્યું કે ભારતમાં વિદેશી માલિકીની ઑનલાઇન કંપનીઓ માટે હાલમાં જ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે એના કારણે ફ્લિપકાર્ટને થોડા સમય પહેલાં હસ્તગત કરનાર વૉલમાર્ટને અને ઑનલાઇન જાયન્ટ ઍમેઝૉનને પ્રતિકૂળ અસર થઈ શકે છે.

આ પણ વાંચોઃ રિલાયન્સ રાજાપાઠમાં આવતાં બજાર બગડતું બચી ગયુ

મુકેશ અંબાણી ઈ-કૉમર્સ સાહસ વિશે ધીમે-ધીમે વિગતો જાહેર કરી રહ્યા છે. ગત જુલાઈમાં તેમણે જણાવ્યું હતું કે તેમના માધ્યમમાં ઑગ્મેન્ટેડ રિયલિટી, હૉલોગ્રાફ અને વચ્યુર્અ લ રિયલિટીનો ઉપયોગ કરવામાં આવશે.