અંબાણી પરિવારમાં એક ભાઈ પાસે ધનના ઢગલા ને બીજો કહે છે, હું સાવ ગરીબ

08 February, 2020 07:36 AM IST  |  London

અંબાણી પરિવારમાં એક ભાઈ પાસે ધનના ઢગલા ને બીજો કહે છે, હું સાવ ગરીબ

અનિલ અંબાણી

એશિયાના સૌથી ધનવાન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીએ લંડનની એક કોર્ટમાં ચીનની ૩ બૅન્કોએ કરેલા ૬૮ કરોડ ડૉલરની લોન પાછી મેળવવાના કેસમાં જણાવ્યું છે, ‘હું હવે સાવ ગરીબ છું.’

મારા રોકાણનું મૂલ્ય હવે ખતમ થઈ ગયું છે એવું અનિલ અંબાણીએ કોર્ટમાં રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ‘મારા વ્યક્તિગત શૅરહોલ્ડિંગનું મૂલ્ય હવે માત્ર ૮.૨૪ કરોડ ડૉલર છે. મારા પર જે નાણાકીય જવાબદારી છે એની ગણતરી કરતાં મારી નેટવર્થ ઝીરો થઈ ગઈ છે. ટૂંકમાં કહીએ તો મારી પાસે એવી કોઈ મિલકત પણ નથી જેનાથી હું આ કેસની સુનાવણી અટકાવવા વેચી શકું.’

ચીનની સરકાર હસ્તકની ત્રણ બૅન્કોએ અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશનને ૨૦૧૨માં ૯૨.૫ કરોડ ડૉલરની લોન આપી હતી. શુક્રવારે કોર્ટની સુનાવણી પહેલાં અંબાણીએ લાખો ડૉલર ભરવા ન પડે એ માટે આ નિવેદન કરવામાં આવ્યું છે. બૅન્કોએ અનિલ અંબાણી કોર્ટમાં ૬૫.૬૦ કરોડ ડૉલર જમા કરાવે એવી માગણી કરી છે.

મોટા ભાઈ મુકેશ અંબાણીની મિલકત ૫૬.૫ અબજ ડૉલર જેટલી છે ત્યારે તાજેતરનાં વર્ષોમાં ભારે નાણાકીય જવાબદારીને કારણે અનિલ અંબાણી અબજોપતિમાંથી નાદારીના આરે આવીને ઊભા છે. તેમની કંપની રિલાયન્સ કમ્યુનિકેશનને પોતે સામે ચાલીને નાદારી માટે ભારતીય કોર્ટમાં લઈ ગયા છે.

એવું કહેવાય છે કે લોન માટે અંબાણીએ વ્યક્તિગત રીતે પત્ર લખ્યો હતો અને પોતાની વ્યક્તિગત મિલકત સામે ક્યારેય ગૅરન્ટી આપી નથી. ચીનની બૅન્કોનો દાવો છે કે અનિલ અંબાણીએ વ્યક્તિગત ગૅરન્ટી આપીને આ લોન મેળવી હતી. કોર્ટના ઑર્ડર બાદ કંપની સત્તાવાર નિવેદન આપશે એવું અંબાણીના વકીલોએ જણાવ્યું હતું.

અનિલ અંબાણીના વકીલ રૉબર્ટ હોવે જણાવ્યું હતું કે મારા ક્લાયન્ટ પાસે ૧૦ લાખ ડૉલર ઊભા થઈ શકે એવી કોઈ જાદુઈ છડી નથી ત્યારે ૧ કરોડ ડૉલર કે ૧૦ કરોડ ડૉલર કઈ રીતે એકત્ર કરે. આ સ્થિતિમાં કોર્ટે ક્લાયન્ટની શક્તિ નથી એ પ્રકારે નાણાં જમા કરાવવાનો આદેશ ન કરવો જોઈએ.

બીજી તરફ ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ કમર્શિયલ બૅન્ક ઑફ ચાઇના, ચાઇના ડેવલપમેન્ટ બૅન્ક અને એક્સપોર્ટ ઍન્ડ ઇમ્પોર્ટ બૅન્ક ઑફ ચાઇના વતી વકીલ બંકિમ થાનકીએ જણાવ્યું હતું કે લેણદાર નાણાસંસ્થાઓની જવાબદારીમાંથી છટકી જવા માટે આ એક વધુ તકસાધુ દલીલ કરવામાં આવી રહી છે.

reliance anil ambani business news