હીરો મોટોકૉર્પના વેચાણ અને ચોખ્ખા નફાનો વૃદ્ધિદર ઘટશે

05 August, 2012 04:43 AM IST  | 

હીરો મોટોકૉર્પના વેચાણ અને ચોખ્ખા નફાનો વૃદ્ધિદર ઘટશે

ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૫૫૮ કરોડ રૂપિયાથી ૧૦.૩૦ ટકા વધીને ૬૧૫ કરોડ રૂપિયા અને ઑપરેટિંગ નફો ૬૪૩ કરોડ રૂપિયાથી ૧૧.૫૦ ટકા વધીને ૭૧૭ કરોડ રૂપિયા થયો છે. ઑપરેટિંગ નફાનું માર્જિન ૧૧.૩૦ ટકાથી વધીને ૧૧.૫૦ ટકા થયું છે. વેચાણ ૫૬૮૨ કરોડ રૂપિયાથી ૧૦ ટકા વધીને ૬૨૪૭ કરોડ રૂપિયા થયું છે.

વાહનોનું વેચાણ ૭ ટકા વધ્યું

જથ્થાની દૃષ્ટિએ જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ફસ્ર્ટ ક્વૉર્ટરમાં વાહનોનું કુલ વેચાણ ૭.૨૦ ટકા વધીને ૧૬,૪૦,૨૯૦ નંગ થયું છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૧૫,૨૯,૫૭૭ નંગ થયું હતું.

સ્થાનિક વેચાણ ૧૪,૮૬,૩૮૫ વાહનોથી ૭.૩૦ ટકા વધીને ૧૫,૯૫,૬૨૫ વાહનો અને નિકાસ ૪૩,૧૯૨ વાહનોથી ૩.૪૦ ટકા વધીને ૪૪,૬૬૫ વાહનો જેટલી થઈ છે.

બાઇક્સનું કુલ વેચાણ ૧૪,૨૩,૭૯૩ નંગથી ૬.૮૦ ટકા વધીને ૧૫,૨૦,૯૫૪ નંગ અને સ્કૂટર્સનું કુલ વેચાણ ૧,૦૫,૭૮૪ નંગથી ૧૨.૮૦ ટકા વધીને ૧,૧૯,૩૩૬ નંગ થયું છે.

બાઇક્સનું સ્થાનિક વેચાણ ૧૩,૮૯,૨૨૦ નંગથી ૭ ટકા વધીને ૧૪,૮૬,૬૫૪ નંગ અને નિકાસ ૩૪,૫૭૩ નંગથી માત્ર ૦.૮૦ ટકા ઘટીને ૩૪,૩૦૦ નંગ થઈ છે.

સ્કૂટર્સનું સ્થાનિક વેચાણ ૯૭,૧૬૫ નંગથી ૧૨.૩૦ ટકા વધીને ૧,૦૮,૯૭૧ નંગ અને નિકાસ ૮૬૧૯ નંગથી ૨૦.૩૦ ટકા વધીને ૧૦,૩૬૫ નંગ થઈ છે.

આગામી સમય

અગ્રણી બ્રોકરેજ હાઉસ એન્જલ બ્રોકિંગના રિપોર્ટ મુજબ ૨૦૧૨-’૧૩ અને ૨૦૧૩-’૧૪માં કંપનીના વેચાણ અને ચોખ્ખા નફાના ગ્રોથરેટમાં ઘટાડો થવાનો અંદાજ છે, જોકે ઑપરેટિંગ નફાનું માર્જિન વધશે.

૨૦૧૧-’૧૨માં ચોખ્ખો નફો ૧૮.૪૦ ટકા વધીને ૨૩૭૮ કરોડ રૂપિયા થયો હતો. ૨૦૧૨-’૧૩માં ચોખ્ખો નફો ૧૭.૧૦ ટકા વધીને ૨૭૮૫ કરોડ રૂપિયા અને ૨૦૧૩-’૧૪માં ૮.૮૦ ટકા વધીને ૩૦૩૧ કરોડ રૂપિયા જેટલો થવાનો અંદાજ છે.

એન્જલ બ્રોકિંગના રિપોર્ટ મુજબ ૨૦૧૧-’૧૨માં વેચાણ ૨૧.૪૦ ટકા વધ્યું હતું. ૨૦૧૨-’૧૩માં વેચાણ ૧૧.૭૦ ટકા વધીને ૨૬,૦૯૭ કરોડ રૂપિયા અને ૨૦૧૩-’૧૪માં ૧૪.૮૦ ટકા વધીને ૨૯,૯૬૩ કરોડ રૂપિયા થશે.ઑપરેટિંગ નફાનું માર્જિન ૨૦૧૧-’૧૨માં ૧૮.૪૦ ટકા હતું એ ૨૦૧૨-’૧૩માં વધીને ૧૫ ટકા અને ૨૦૧૩-’૧૪માં ૧૫.૩૦ ટકા જેટલું રહેવાનો અંદાજ છે.

એન્જલ બ્રોકિંગે કંપનીના શૅર માટે બાયની ભલામણ કરી છે અને આગામી ૧૨ મહિનામાં ભાવ વધીને ૨૪૨૮ રૂપિયા જેટલો થવાનો અંદાજ છે.

વૃદ્ધિદર ૧૦ ટકા રહેવાની આશા

હીરો મોટોકૉર્પના મૅનેજમેન્ટનું માનવું છે કે ૨૦૧૨-’૧૩માં ટૂ-વ્હીલર ઇન્ડસ્ટ્રીનો ગ્રોથરેટ ૧૦ ટકા જેટલો રહેશે. કંપનીનો વૃદ્ધિદર પણ ૧૦ ટકા જેટલો રહેવાની ગણતરી છે. કંપનીના કુલ વેચાણમાં રૂરલ માર્કેટ્સનો હિસ્સો ૪૬ ટકા જેટલો છે. કુલ ઉત્પાદનમાં હરિદ્વાર પ્લાન્ટનો હિસ્સો ૩૮ ટકા છે એ ચાલુ વર્ષના અંત સુધીમાં વધીને ૪૦ ટકા થશે.

૨૦૧૩-’૧૪માં કંપની ૨૫૦૦ કરોડ રૂપિયાનો મૂડીખર્ચ કરશે. રાજસ્થાનમાં ૭.૫૦ લાખ વાહનો અને ગુજરાતમાં ૧૫ લાખ વાહનોની ક્ષમતા ધરાવતા બે નવા પ્લાન્ટ્સ સ્થાપવાની યોજના છે.