એક ક્લિકમાં શોર્ટમાં વાંચો આજના ટૉપ બિઝનેસ ન્યૂઝ

04 September, 2021 03:16 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

દેશ વિદેશના આજના બિજનેશ ન્યૂઝ પર નજર કરીએ

પ્રતીકાત્મક તસવીર

દેશની ખાદ્યતેલોની આયાત ઑગસ્ટમાં નવ ટકા વધી હોવાનો અંદાજ

દેશની ખાદ્યતેલોની આયાત ઑગસ્ટ મહિનામાં અગાઉની મહિનાની સરખામણીમાં નવ ટકા વધી હોવાનો અંદાજ જીજીએન રિસર્ચ દ્વારા મુકાયો હતો. જીજીએન રિસર્ચના અંદાજ અનુસાર દેશની ખાદ્યતેલોની આયાત ઑગસ્ટમાં ૧૦.૦૦ લાખ ટન થઈ હોવાનો અંદાજ  છે જે જુલાઈમાં  ૯.૧૮ લાખ ટન થઈ હતી. ખાસ કરીને પામતેલની આયાતમાં ૫૯ ટકા વધારો થવાનો અંદાજ છે જ્યારે સોયા ડિગમની આયાતમાં ૫૧ ટકા અને સનફલાવર તેલની આયાતમાં એક ટકા ઘટાડો થવાનો અંદાજ છે. ગત વર્ષના ઑગસ્ટ મહિના કરતાં આયાત ૨૪ ટકા ઓછી રહેશે. પામતેલની આયાતમાં ૫૯ ટકાનો વધારો થઈ આયાત ૭.૪૩ લાખ ટન થવાનો અંદાજ છે. આર્જેન્ટિનાની પરાના નદીમાં પાણીનું સ્તર ૭૭ વર્ષની નીચી સપાટીએ પહોંચતાં સોયાતેલની નિકાસ ધીમી પડતાં તેની અસરે ભારતમાં ઑગસ્ટ મહિનામાં સોયાતેલની આયાત ૫૧ ટકા ઘટી હતી.

 

બાંધકામ હેઠળના પ્રોજેક્ટમાં ઘર લેવા ઘણા ઓછાની તૈયારી : સર્વેક્ષણ

ઘર ખરીદવા ઇચ્છુક લોકોમાંથી લગભગ ૮૦ ટકા લોકો તરત રહેવા જઈ શકાય અથવા નજીકના ભવિષ્યમાં જેનું બાંધકામ પૂરું થવાનું હોય એવા ઘરની ખરીદી કરવાનું પસંદ કરે છે. બાંધકામ હેઠળના પ્રોજેક્ટમાં ઘર ખરીદવા માટે માત્ર ૨૦ ટકા ગ્રાહકો તૈયાર હોય છે, એવું સીઆઇઆઇ અને એનારોક પ્રૉપર્ટી કન્સલ્ટન્ટના સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે. સર્વેક્ષણમાં ભાગ લેનારા લોકોએ કહ્યું છે કે ઘરની પસંદગી વખતે તેઓ મુખ્યત્વે ભાવ, ડેવલપરની વિશ્વસનિયતા, પ્રોજેક્ટની ડિઝાઇન અને જગ્યા એ બધાં પાસાં ધ્યાનમાં રાખે છે.

ઔદ્યોગિક સંસ્થા સીઆઇઆઇ અને એનારોકે આ વર્ષના જાન્યુઆરીથી જૂન મહિના દરમ્યાન આ ઑનલાઇન સર્વેક્ષણ કરાવ્યું હતું જેમાં ૪૯૬૫ લોકોએ ભાગ લીધો હતો. ૩૨ ટકા લોકોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ માત્ર રેડી ટુ મૂવ ઇન ઘર લેવાનું જ પસંદ કરે છે. આગામી છ મહિનામાં રહેવા જવાનું થાય એવા બાંધકામના પ્રોજેક્ટમાં ઘર લેવા માટે લગભગ ૨૪ ટકા લોકોએ તૈયારી બતાવી હતી. ૨૩ ટકા લોકોએ બાંધકામ એક વર્ષની અંદર પૂરું થાય તો ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી.

સર્વેક્ષણનું તારણ એ છે કે કોરોના રોગચાળાને કારણે ઘર ખરીદનારાઓની પસંદગીમાં ઘણો ફરક પડી ગયો છે. ૩૫ ટકા લોકોએ ૪૫થી ૯૦ લાખ રૂપિયા વચ્ચેની પ્રૉપર્ટી ખરીદવાની તૈયારી હોવાનું જણાવ્યું હતું.

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કૅપ ત્રણ મહિનામાં ૧ લાખ કરોડ રૂપિયા વધ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શૅરમાં ઉછાળો થતાં શુક્રવારે તેનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૫ લાખ કરોડ રૂપિયાનો આંક વટાવી ગયું હતું.  બીએસઈ પર કામકાજ બંધ થવાના સમયે માર્કેટ કૅપ ૧૫,૧૪,૦૧૭.૫૦ કરોડ રૂપિયા હતું. બીએસઈ પર આ સ્ટૉકનો ભાવ ૪.૧૨ ટકા વધીને ૨૩૮૮.૨૫ રૂપિયા થયો હતો. ઇન્ટ્રા-ડે ધોરણે ૪.૩૮ ટકાનો વધારો થયો હતો. નોંધનીય છે કે આ વર્ષે ત્રીજી જૂને કંપનીનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૪ લાખ કરોડ રૂપિયા કરતાં વધારે થઈ ગયું હતું. આમ ત્રણ મહિનામાં તેમાં ૧ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

 

એચડીએફસી લાઇફ એક્સાઇડ લાઇફ કંપની હસ્તગત કરશે

એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી એક્સાઇડ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની હસ્તગત કરવાનો નિર્ણય લીધો છે. આ સોદો ૬૬૮૭ કરોડમાં પાર પડશે.

એચડીએફસી લાઇફે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને એક્સાઇડ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે આ સોદો થયો છે. કંપની હસ્તગત કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થયા બાદ એકત્રીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ સંપૂર્ણ કામકાજ નિયમનકારી સત્તાની તથા અન્ય મંજૂરીઓને આધીન રહેશે, એમ જણાવવામાં આવ્યું છે.

ઑગસ્ટ મહિનાનો સર્વિસિસ ક્ષેત્રનો ઇન્ડેક્સ સુધર્યો

ભારતના સર્વિસ ક્ષેત્રે ઑગસ્ટ મહિનામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. નવાં કામ અને વધેલી માગની સ્થિતિને પગલે છેલ્લાં દોઢ વર્ષમાં પહેલી વાર આટલા મોટા પ્રમાણમાં વૃદ્ધિ થઈ હોવાનું એક સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે.

આઇએચએસ માર્કિટ દ્વારા દર મહિને થતા સર્વેક્ષણ મુજબ ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ ઍક્ટિવિટી ઇન્ડેક્સ જુલાઈ મહિનાના ૪૫.૪થી વધીને ઑગસ્ટમાં ૫૬.૭ થયો છે. ઇન્ડેક્સ ૫૦ની ઉપર જાય એ વૃદ્ધિનું સૂચક છે.

સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં સર્વિસ પ્રોવાઇડર્સને બિઝનેસ વધવાની આશા છે.

reliance