હવે લોન લેવી પડશે મોંઘી, RBI એ રેપો રેટ વધારીને 4.40 ટકા કર્યો, વાંચો વધુ

04 May, 2022 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે.

રિર્ઝવ ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ

રિર્ઝવ ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે એક નિવેદન જાહેર કર્યુ છે અને કહ્યું છે કે વૈશ્વિક આર્થિક ગતિવિધિઓ અને ગતિ ધીમી છે જેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. કમોડિટી માર્કેટમાં પણ મંદી જોવા મળી રહી છે. મોનિટરી નીતિ પર રુલ બુક પ્રમાણે કામ ન થાય. 

RBI ગવર્નરની મોટી જાહેરાત

આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય RBI કેશ રિર્ઝવ રેશ્યો પણ 0.50 ટકા વધારીને 4.50 ટકા કર્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં 0.40 ટકાનો નફો કરીને તેને 4.40 ટકા કરી દીધો છે, જેને કારણે બેંક સહિત સામાન્ય લોકોને પણ ઉધારી લેવું મોંઘુ પડશે. નોંધનીય છે કે રેપો રેટ વધવાથી બેંકો માટે RBI પાસેથી ઉધારી લેવી મોંઘી પડશે અને તેનો ભાર ગ્રાહકો પર નિશ્ચિત રીતે પડશે. 

RBIએ 6-8 જુનની મૌદ્રિક નીતિ પહેલા દરમાં કર્યો વધારો

જણાવી દઈએ કે RBIની મોનેટરી પોલિસી રિવ્યુ એટલે કે MPCની બેઠક 6-8 જૂનના રોજ યોજાવાની હતી, પરંતુ આ પહેલા પણ વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા RBIએ આજે ​​રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો છે. અગાઉ, 6-8 એપ્રિલના રોજ MPCની બેઠકમાં વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. RBI ગવર્નરે કહ્યું છે કે દેશમાં મોંઘવારીના વધતા દબાણને જોતા આવું કરવું જરૂરી બન્યું છે, તેથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ સિવાય દેશમાં પોલિસી રેટમાં ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરવો જરૂરી બન્યો છે.

મે 2020 થી પોલિસી દરો યથાવત હતા

નોંધનીય છે કે આ પોલિસી દરો મે 2020 થી દેશમાં યથાવત હતા. મોનેટરી પોલિસી કમિટીએ સર્વસંમતિથી વ્યાજદરમાં વધારો કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે હવે દેશમાં પોલિસી રેટ વધારવાની પ્રક્રિયા ચાલુ રહી શકે છે. એવું માનવામાં આવે છે કે બેંકો ચોક્કસપણે આ વધેલા દરોનો બોજ તેમના ગ્રાહકો પર નાખશે.

શેરબજારમાં મોટો ઘટાડો
RBI ગવર્નર શક્તિકાંત દાસે બપોરે 2 વાગ્યે નિવેદન બહાર પાડતાં જ શેરબજારમાં ઘટાડો વધ્યો હતો. બોન્ડ માર્કેટ સહિત ઈક્વિટી માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આરબીઆઈ ગવર્નરનું નિવેદન જાહેર થતાંની સાથે જ નાણાકીય જગતમાં આજે જ હલચલ મચી ગઈ છે. આજે આરબીઆઈએ રેપો રેટ વધારતાની સાથે જ સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.


 

business news reserve bank of india