રિઝર્વ બૅન્કના ગવર્નરની ૩ વર્ષની મુદત ઘણી ઓછી કહેવાય : રઘુરામ રાજન

01 July, 2016 04:05 AM IST  | 

રિઝર્વ બૅન્કના ગવર્નરની ૩ વર્ષની મુદત ઘણી ઓછી કહેવાય : રઘુરામ રાજન


નવ સપ્તાહ બાદ પદ પરથી નીચે ઉતરનારા રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે આ હોદ્દાની ત્રણ વર્ષની મુદત ઘણી ઓછી કહેવાય.

રાજને અર્થતંત્રનાં વિવિધ પાસાં તથા બૅન્કોની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ વિશે સંસદની સ્થાયી સમિતિને વાકેફ કરાવી હતી. સમિતિના સભ્યોએ ગવર્નરના હોદ્દાની મુદત વિશે તેમનું મંતવ્ય પૂછ્યું હતું. મુદત પાંચ વર્ષની હોવી જોઈએ કે કેમ એ બાબતે તેમણે અમેરિકાની કેન્દ્રીય બૅન્ક - ફેડરલ રિઝર્વનું અનુકરણ કરવાની હિમાયત કરી હોવાનું કહેવાય છે.

અહીં જણાવવું રહ્યું કે ફેડરલ રિઝર્વમાં બોર્ડના સભ્ય તરીકે ચૅરમૅન અને વાઇસ ચૅરમૅનની મુદત ત્રણ વર્ષની હોય છે અને તેમને ગવર્નરની મુદત પૂરી થાય ત્યાં સુધી ફરીથી એ હોદ્દા પર નીમવામાં આવી શકે છે.

રાજનની હાલની મુદત ચાર સપ્ટેમ્બરે પૂરી થઈ રહી છે અને તેમણે બીજી મુદત માટે રહેવાનો ઇનકાર કર્યો છે.

વર્લ્ડ બૅન્કના પ્રેસિડન્ટે રાજનને ઉમદા ગવર્નર ગણાવ્યા

વર્લ્ડ બૅન્કના પ્રેસિડન્ટ જિમ યોન્ગ કિમે રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજનને ઉમદા ગવર્નર ગણાવ્યા છે.

કિમે ગઈ કાલે એક ટીવી-ચૅનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમના સભ્યોએ મને કહ્યું છે કે ગવર્નર તરીકે નીમવામાં આવનારી વ્યક્તિ સ્વતંત્ર રીતે કામ કરી શકશે. સારું પરિણામ લાવનારી નીતિઓને યથાવત રાખવામાં આવશે.’