રઘુરામ રાજન ૨૦૧૪ના શ્રેષ્ઠ ગવર્નર

16 October, 2014 05:19 AM IST  | 

રઘુરામ રાજન ૨૦૧૪ના શ્રેષ્ઠ ગવર્નર

‘યુરોમની’ સામયિકે રિઝવર્‍ બૅન્કના ગવર્નર રઘુરામ રાજનને વર્ષ ૨૦૧૪ના શ્રેષ્ઠ ગવર્નર તરીકેનું બિરુદ આપ્યું છે. ‘યુરોમની’એ જણાવ્યું છે કે ‘ખાધની સમસ્યાથી જકડાયેલું ભારત તાજેતરમાં નવાં ઊભરતાં અર્થતંત્રોમાં આવેલી કટોકટીનો સામનો રઘુરામ રાજને અપનાવેલી નાણાકીય નીતિઓને લીધે સારી રીતે કરી શક્યું છે. હવે તેઓ સુષુપ્ત અવસ્થામાં રહેલા અર્થતંત્રને ફરી ધમધમતું કરવા માટે સ્થાપિત હિતોની સામે લડી રહ્યા છે.’
રિઝવર્‍ બૅન્કની યાદીમાં જણાવવામાં આવ્યા મુજબ રઘુરામ રાજનને ૧૦ ઑક્ટોબરે વૉશિંગ્ટનમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.


સામયિકે વધુમાં કહ્યું છે કે ‘રૂપિયો સૌથી નીચી સપાટીએ પહોંચ્યો ત્યારે રઘુરામ રાજને પરિસ્થિતિનો સજ્જડ સામનો કર્યો હતો. તેમણે બૉન્ડ અને કરન્સીની માંદી માર્કેટોને આકરી નાણાકીય નીતિનો ડોઝ આપ્યો હતો.’
અમેરિકન ફાઇનૅન્સ અસોસિએશને રઘુરામ રાજનને જાન્યુઆરી ૨૦૦૩માં ૪૦ વર્ષથી ઓછી ઉંમરના શ્રેષ્ઠ નાણાકીય સંશોધક તરીકેનું પ્રથમ ફિચર બ્લૅક પ્રાઇઝ આપ્યું હતું. તેમને ૨૦૧૧માં નાસકૉમનો અવૉર્ડ, ૨૦૧૨માં ઇકૉનૉમિક સાયન્સ માટેનું ઇન્ફોસિસનું ઇનામ તથા ૨૦૧૩માં સેન્ટર ફૉર ફાઇનૅન્શિયલ સ્ટડીઝનું ડોઇશ બૅન્કનું પારિતોષિક મળ્યું હતું.