મગના ભાવમાં ઉછાળો : આવનારા દિવસોમાં મોટી તેજી થવાની સંભાવના

31 October, 2014 04:55 AM IST  | 

મગના ભાવમાં ઉછાળો : આવનારા દિવસોમાં મોટી તેજી થવાની સંભાવના


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

મહારાષ્ટ્રમાં અકોલામાં મગના ભાવ એક સપ્તાહ અગાઉ ક્વિન્ટલના ૬૮૦૦થી ૭૪૦૦ રૂપિયા હતા એ વધીને ૭૭૦૦થી ૭૮૦૦ રૂપિયા બોલાયા હતા. જાલનામાં સપ્તાહ અગાઉ મગના ભાવ ૬૫૦૦થી ૭૬૦૦ રૂપિયા હતા એ વધીને ૭૮૦૦થી ૮૩૦૦ રૂપિયા થયા હતા. રાજસ્થાનમાં કેકરી, મેડતા, કિશનગઢ અને જયપુરમાં મગના ભાવ ક્વિન્ટલે ૩૦૦થી ૫૦૦ રૂપિયા વધ્યા હતા.

મુંબઈમાં તાન્ઝાનિયાના મગના ભાવ સપ્તાહ અગાઉ ક્વિન્ટલના ૬૫૦૦થી ૬૬૦૦ રૂપિયા હતા એ વધીને ૭૨૦૦થી ૭૩૦૦ રૂપિયા થયા હતા, જ્યારે બર્માના પેડાશેવા મગના ભાવ સપ્તાહ અગાઉ ૭૬૦૦થી ૭૭૦૦ રૂપિયા હતા એ વધીને ૮૧૦૦ રૂપિયા થયા હતા. મોઝામ્બિકના મગના ભાવ સપ્તાહ અગાઉ ૬૨૦૦થી ૬૩૦૦ રૂપિયા હતા એ વધીને ૭૦૦૦ રૂપિયા થયા હતા.

મગના અગ્રણી ટ્રેડરોના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં હજી મગમાં ક્વિન્ટલે વધુ ૫૦૦થી ૭૦૦ રૂપિયાની તેજી થવાની પૂરેપૂરી શક્યતા દેખાય છે. ખાસ કરીને રાજસ્થાનમાં મગના ઉતારા નબળા આવતાં આવકો ધારણાથી બહુ જ ઓછી આવી રહી છે. ઉપરાંત દેશભરમાં મગની પાઇપલાઇન સાવ ખાલી છે. બર્મા, મોઝામ્બિક અને તાન્ઝાનિયાના મગની આયાતનું પ્રેશર છેલ્લા બે મહિનાથી સાવ ઘટી ગયું હોવાથી આયાતી મગની સપ્લાય પણ સાવ તળિયે પહોંચી ચૂકી છે.

નવા મગની આવકો આડે હજી ત્રણ મહિના બાકી હોવાથી આવનારા દિવસોમાં મગ-મગદાળની ઘરાકીનું પ્રેશર માર્કેટમાં મોટી અસર કરશે. આંધ્ર પ્રદેશમાં નવા મગની આવક જાન્યુઆરી આસપાસ અને ઓડિશામાં નવા મગની આવક હોળી આસપાસ શરૂ થવાની ધારણા છે.