પ્રૉફિટ બુકિંગ ને યુરોપની અચોક્કસતાને પગલે શૅરબજારમાં ઉછાળો ધોવાઈ ગયો

09 August, 2012 06:17 AM IST  | 

પ્રૉફિટ બુકિંગ ને યુરોપની અચોક્કસતાને પગલે શૅરબજારમાં ઉછાળો ધોવાઈ ગયો

 

(શૅરબજારનું ચલકચલાણું)


યુરોપિયન દેશોની ગંભીર આર્થિક સ્થિતિ બાબતે હજી પણ અચોક્કસતા જ છે. નાણાપ્રધાન પી. ચિદમ્બરમે અર્થતંત્રના રિવાઇવલ માટે તેમ જ આર્થિક સુધારાના અમલીકરણનો પ્રારંભ કરવાની જાહેરાત કર્યા બાદ બજારમાં મોટો સુધારો જોવા મળ્યો હતો. ગઈ કાલે બપોર સુધી બજાર વધ્યું હતું. દિવસ દરમ્યાન સેન્સેક્સ વધીને ઊંચામાં ૧૭,૭૨૬.૬૪ના લેવલે પહોંચ્યો હતો. મંગળવારે સેન્સેક્સ ૧૭૬૦૧.૭૮ના સ્તરે બંધ રહ્યો હતો. એ બજારના પ્રારંભે ૧૭,૬૩૮.૫૩ ખૂલ્યો હતો. આમ મંગળવારના બંધ સામે ગઈ કાલે દિવસ દરમ્યાન સેન્સેક્સમાં ૧૨૫ પૉઇન્ટ્સ અને ગઈ કાલના ઓપન લેવલથી ૯૦ પૉઇન્ટ્સની વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ છેલ્લે માત્ર ૧.૨૨ ઘટીને ૧૭,૬૦૦.૫૬ના સ્તરે બંધ રહ્યો હતો.


મિડ કૅપ ઇન્ડેક્સ ૧૨.૦૭ ઘટીને ૬૧૧૪.૨૦ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨૪.૯૨ ઘટીને ૬૫૯૫.૮૭ના લેવલે બંધ રહ્યા હતા. સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ ગઈ કાલથી થયો છે. હવે ઇકૉનૉમિક રિફૉમ્ર્સની બાબતે કેટલી પ્રગતિ થાય છે એના પર બજારની આગામી ચાલનો આધાર છે.


સેક્ટરલ ઇન્ડાઇસિસ


મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૭ વધ્યાં હતાં, જ્યારે ૬માં ઘટાડો જોવા મળ્યો હતો. ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ ૧૧૨.૨૮ વધીને ૯૪૪૦.૮૯ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૬ કંપનીના ભાવ વધ્યા હતા. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ભાવ સૌથી વધુ ૩.૯૨ ટકા વધીને ૭૨૨.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. કમિન્સ ઇન્ડિયાનો ભાવ ૩.૧૩ ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૮૩.૪૨ વધીને ૧૦,૪૪૪.૭૫ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૯ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૨૩ ટકા વધીને ૧૨૧.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો.


બૅન્કેક્સ સૌથી વધુ ૬૫.૫૩ ઘટીને ૧૨,૦૭૬.૧૩ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૦ના ભાવ ઘટ્ય હતા. આઇસીઆઇસીઆઇ બૅન્કનો ભાવ સૌથી વધુ ૧.૬૨ ટકા ઘટીને ૯૫૮ રૂપિયા બંધ રહ્યો હતો. ફેડરલ બૅન્કનો ભાવ સૌથી વધુ ૨.૧૫ ટકા વધીને ૪૨૫ રૂપિયા બંધ રહ્યો હતો.


સેન્સેક્સ શૅરો


સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦માંથી ૧૮ કંપનીના શૅરના ભાવ ગઈ કાલે વધ્યા હતા અને ૧૨ના ઘટ્ય હતા. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ભાવ સૌથી વધુ ૩.૯૨ ટકા વધીને ૭૨૨.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. ભારતી ઍૅરટેલનો ભાવ સૌથી વધુ ૬.૬૦ ટકા ઘટીને ૨૭૪.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો.


૨૧ શૅરો સર્વોચ્ચ લેવલે


ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૨૧ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં બજાજ ફાઇનૅન્સ, રિલેક્સો ફૂટવેર, વૉકહાર્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ, વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ કૉર્પ વગેરેનો સમાવેશ છે.


૨૦ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં બિરલા પાવર, કિંગફિશર ઍરલાઇન્સ, ત્રિભોવન ભીમજી ઝવેરી, વીકેએસ પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૨૪૫ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૬૦૬ના ભાવ ઘટ્ય હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.


કેમરૉક ઇન્ડસ્ટ્રીઝ


કેમરૉક ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ એક્સર્પોટ્સનો ભાવ ગઈ કાલે ૧૬.૬૭ ટકા ઘટીને ૩૨૦.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૮૬ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૦૭.૪૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કંપનીએ જાહેરાત કરી હતી કે પ્રમોટર કલ્પેશ મહિન્દ્ર પટેલે ૩૬.૨૦ લાખ શૅર્સ ગિરવી મૂક્યા છે. આ શૅર્સ તેમના હોલ્ડિંગ્સના ૭૧ ટકા જેટલા છે. કંપનીની ઇક્વિટીમાં તેમનો હિસ્સો ૨૫.૨૭ ટકા છે. તેમની પાસે કુલ ૫૧.૩૦ લાખ શૅર્સ છે. કંપનીની કુલ શૅરમૂડીના ૧૭.૮૨ ટકા શૅર્સ ગિરવી મૂકવામાં આવ્યા છે.


હેસ્ટર બાયોસાયન્સિસ


હેસ્ટર બાયોસાયન્સિસના શૅરનો ભાવ ગઈ કાલે ૧૯.૯૯ ટકા વધીને ૧૩૭.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૧૧૭.૯૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કંપની બોનસ શૅરની જાહેરાત કરવાની છે. આ માટે ર્બોડ-મીટિંગ મંગળવારે મળશે. આ મીટિંગમાં ફસ્ર્ટ ક્વૉર્ટરનાં નાણાકીય પરિણામો પણ જાહેર કરવામાં આવશે.


વ્હર્લપુલ ઑફ ઇન્ડિયા


વ્હર્લપુલ ઑફ ઇન્ડિયાનો ભાવ ૪.૯૨ ટકા વધીને ૨૪૬.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૬૪ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૩૪ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૫૧.૦૫ કરોડ રૂપિયાથી ૨૬.૫૦ ટકા વધીને ૬૪.૫૫ કરોડ રૂપિયા થયો છે. આવક ૮૧૪.૧૩ કરોડ રૂપિયાથી ૧૦ ટકા વધીને ૮૯૩.૯૪ કરોડ રૂપિયા થઈ છે. ૩ ઑગસ્ટથી ગઈ કાલ સુધી શૅરના ભાવમાં ૧૨.૫૦ ટકાની વૃદ્ધિ થઈ હતી.

 

આઇસીઆઇસીઆઇ = ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર