પ્રાઇમરી માર્કેટ ૨૦૧૨માં પણ નિરાશાજનક રહેશે

22 December, 2011 09:12 AM IST  | 

પ્રાઇમરી માર્કેટ ૨૦૧૨માં પણ નિરાશાજનક રહેશે



કૅલેન્ડર વર્ષ ૨૦૧૧માં પ્રાઇમરી માર્કેટમાં મંદી જોવા મળી, પરંતુ એવી અપેક્ષા છે કે ૨૦૧૨માં પણ પ્રાઇમરી માર્કેટમાં રિકવરી જોવા નહીં મળે.

પ્રાઇમરી માર્કેટનો ટ્રૅક રાખતી કંપની પ્રાઇમ ડેટાબેઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર પૃથ્વી હલ્દિયાએ અગ્રણી બિઝનેસ ન્યુઝચૅનલ સીએનબીસી સાથેની વાતચીતમાં ગઈ કાલે જણાવ્યું હતું કે ‘૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં તો બજારમાં કોઈ કંપનીનું જાહેર ભરણું આવે એવી શક્યતા જણાતી નથી. રિયલ એસ્ટેટ અને પાવર સેક્ટરમાં રોકાણકારોને હવે રસ નથી રહ્યો. આ ઉપરાંત પ્રાઇમરી માર્કેટમાં રિવાઇવલ માટે તેમ જ રોકાણકારોમાં કૉન્ફિડન્સ ઊભો થાય એ માટે સેકન્ડરી માર્કેટ સ્ટેબિલાઇઝ થાય એ જરૂરી છે. મોટા ભાગના રોકાણકારોએ શૅરબજારમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે એટલે ટૂંક સમયમાં જ પ્રાઇમરી માર્કેટમાં તેજી જોવા મળે એ શક્ય નથી.’

પૃથ્વી હલ્દિયાએ જણાવ્યું હતું કે ‘પ્રાઇમરી માર્કેટમાં અત્યારે ત્રણ મુખ્ય પ્રેશર છે એમાં ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક સિનારિયો, સ્થાનિક આર્થિક સ્થિતિ તેમ જ સ્થાનિક પૉલિટિકલ સ્થિતિનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્થિતિ જો નૉર્મલ બને તો સેકન્ડરી માર્કેટ રિકવર થઈ શકે અને સેકન્ડરી માર્કેટ રિકવર થાય તો પ્રાઇમરી માર્કેટમાં સુધારો જોવા મળે. સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા)ની મંજૂરી મેળવી હોવા છતાં ૪૦ જેટલી કંપનીઓએ ભરણું બજારમાં નહીં લાવવાનો નિર્ણય કર્યો હતો. જે કંપનીઓએ ભરણાં મોકૂફ રાખ્યાં છે એમની યોજના કુલ ૪૦,૦૦૦ કરોડ રૂપિયા બજારમાંથી ઊભા કરવાની હતી.’