14 September, 2025 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં સુધારા કરવામાં આવ્યા બાદ દરેક ક્ષેત્રમાં એ પ્રમાણે ફેરફાર થઈ રહ્યા છે. જોકે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)ના નાના પૅકિંગમાં કે પાઉચ પૅકિંગમાં તાત્કાલિક સુધારો શક્ય ન હોવાથી ઉત્પાદકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે તેઓ ગ્રાહકોને GSTના દરમાં ઘટાડાનો ફાયદો પહોંચાડવા માટે વધારે માત્રામાં પૅકિંગ કરશે. આ પ્રસ્તાવ વિશે સરકાર એકાદ દિવસમાં નિર્ણય લેશે.
GSTના નવા દર બાવીસમી સપ્ટેમ્બરે અમલી થશે ત્યારે પાંચ, ૧૦ અને ૨૦ રૂપિયાના પૅકિંગમાં ગ્રાહકોને વધારે ક્વૉન્ટિટીમાં માલસામાન આપવામાં આવશે. સરકાર આને મંજૂરી આપે એવી શક્યતા છે. શુક્રવારે ઘણી FMCG કંપનીઓ, ઉદ્યોગસંસ્થાઓના પ્રતિનિધિઓ, સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ અને કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચેની બેઠકમાં આ મુદ્દે વાતચીત થઈ હતી. એમાં બિઝનેસગૃહોએ સ્પષ્ટતા માગી હતી કે શું સમાન ભાવે વધુ ઉત્પાદન ઑફર કરવાથી ભાવઘટાડા તરીકે લાયક ઠરી શકે છે, ખાસ કરીને શૅમ્પૂના નાના પૅક માટે જ્યાં ભાવમાં સુધારો કરવો મુશ્કેલ છે.
કંપનીઓએ દલીલ કરી હતી કે બિસ્કિટ, નાસ્તા, સાબુ અને ડિટર્જન્ટ જેવાં ઉત્પાદનો માટે પાંચ રૂપિયા અને ૧૦ રૂપિયાનાં પૅક ગ્રામીણ અને ઓછી આવક ધરાવતાં શહેરી બજારો પર પ્રભુત્વ ધરાવે છે. મૅક્સિમમ રીટેલ પ્રાઇસ (MRP)માં ભાવઘટાડો પ્રમોશનલ વ્યૂહરચનાને વિક્ષેપિત કરી શકે છે. મોટા પૅક માટે MRPમાં સીધો ઘટાડો થશે, જ્યારે નાના પૅકમાં માત્રા વધારીને લાભ આપવાની સંભાવના છે.