ફાર્મા નીતિ માટે સુપ્રીમ કોર્ટે સરકારને વધુ સમય આપ્યો

29 November, 2012 06:28 AM IST  | 

ફાર્મા નીતિ માટે સુપ્રીમ કોર્ટે સરકારને વધુ સમય આપ્યો

જોકે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ નોટિફિકેશન જ્યારથી અસ્તિત્વમાં આવશે ત્યારે એની પ્રમાણભૂતતા ચકાસવામાં આવશે. એએસજી સિદ્ધાર્થ લુથરાએ દલીલ કર્યા બાદ સર્વોચ્ચ અદાલતે સરકારને વધુ સમય ફાળવ્યો હતો. લુથરાએ કહ્યું હતું કે ભાવનીતિ વિશે ઔપચારિક નિર્ણય લેવાઈ ગયો હોવા છતાં કૅબિનેટ બેઠકની ઔપચારિક મિનિટ્સ તૈયાર ન થાય ત્યાં સુધી એની જાહેરાત કરવી શક્ય નથી. સરકારે સરેરાશ ભાવની નીતિના આધારે દવાનો ભાવ નક્કી કરવાનો નિર્ણય લઈ લીધો છે, પરંતુ એ ક્યારથી અમલમાં આવશે એની ઔપચારિક જાહેરાત કરી નથી.

આ પદ્ધતિમાં એક ટકા કરતાં વધુ બજારહિસ્સો ધરાવતી તમામ બ્રૅન્ડ્સની વેઇટેડ ઍવરેજ કિંમતનો સમાવેશ થાય છે. જસ્ટિસ સિંઘવીએ આ કેસની વધુ સુનાવણી ૧૨ ડિસેમ્બર પર મુલતવી રાખતાં પહેલાં કહ્યું હતું કે ‘અમે નોટિફિકેશનની ચકાસણી કરીશું. આ વિશે કૅબિનેટ અથવા પ્રધાનોની કાઉન્સિલે નિર્ણય લેવો જોઈએ. કોર્ટ દરમ્યાનગીરી કરે એ માટે તેમણે શા માટે રાહ જોવી જોઈએ? જનતાને વાજબી દવા મળી રહે એ જ સરકારની પ્રાથમિક ચિંતા હોવી જોઈએ. જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જશે તો કોર્ટ દરમ્યાનગીરી કરશે.’

ઑલ ઇન્ડિયા ડ્રગ ઍક્શન નેટવર્ક નામની એનજીઓના વરિષ્ઠ વકીલ કૉલિન ગોન્સાલ્વિસે દલીલ કરી હતી કે દવાના ભાવ પર અંકુશ હટાવી લેવાની આ હિલચાલ છે. આ દલીલ બાદ જસ્ટિસ સિંઘવીએ ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. નવી ભાવપદ્ધતિ સામે આરોગ્ય કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આનાથી સામાન્ય દવાઓના ભાવમાં વધારો થશે. દવાની કિંમતને ઉત્પાદનખર્ચ સાથે જોડવી જોઈએ અને આ માગણી સામે ફાર્માઉદ્યોગ વિરોધ કરી રહ્યો છે. નવી નીતિની અપેક્ષાએ ઑલ ઇન્ડિયા ડ્રગ ઍક્શન નૅટવર્કે સરકારની નવી ભાવનીતિ પર સ્ટે માગતી અને ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઑર્ડર ૧૯૯૫ પર આધારિત જૂની ખર્ચ આધારિત ભાવપદ્ધતિ જાળવી રાખવાની માગણી કરતી સુધારેલી અરજી કરી હતી. સરકાર ભાવઅંકુશથી દૂર રહી હતી અને બજાર આધારિત ભાવ રજૂ કરીને ભાવઅંકુશનો ડોળ કરી રહી હતી એવો દાવો આ એનજીઓએ કર્યો હતો.